તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
એક ડઝન શખ્સોની બનેલી ‘શામજી મકા' ગેંગ સામે ગુજસીટોકનો સિકંજોઃ ૮ની ધરપકડ
હત્યા, લૂંટ, અપહરણ, મારામારી સહિતના ૩૭ ગુનાઓમાં સંડોવણીઃ ૨૦૧૬થી ગુનાખોરી જ આજીવીકાનું સાધન બની ગઇ હતી ગેરકાયદે મંડળીઓ રચી હુમલા કરવા, ઘરમાં ઘુસી જવું, સરકારી ફરજમાં રૂકાવટ સહિતના ગુના પણ ટોળકી આચરતી હતીઃ મિલ્કતો ટાંચમાં લેવા તજવીજઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ટીમોએ વધુ એક ટોળકીની હવા કાઢી નાંખી છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ પોલીસે ૧૦ ટોળકીઓને ગુજસીટોક હેઠળ જેલભેગી કરીઃ ડીસીપી જગદીશ બાંગરવા અને ટીમોએ ૬ મહિનામાં આવી ૬ ગેંગને જેલભેગી કરી

રાજકોટ તા. ૨૨: શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલી કુખ્યાત શામજી મકા ગેંગ વિરૂધ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આ ગેંગના મુખ્ય સૂત્રધાર શામજી સહિત કુલ ૧૨ શખ્સો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ (ગુજસીટોક) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગના ૮ને ઝડપી લેવાયા છે. બાકીના શખ્સોની શોધખોળ થઇ રહી છે. ૨૦૧૬થી ગુનાખોરી થકી આજીવીકા રળતી આ ટોળકીએ ૨૦૨૫ સુધીમાં ગંભીર સહિત ૩૭ ગુનાઓ આચરી લીધા હતાં.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે શામજી ઉર્ફે શામો મકાભાઇ મકવાણા અને તેની ટોળકી વર્ષ ૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેરમાં ખુન, ખુનની કોશિશ, અપહરણ, લૂંટ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને દારૂ-જુગાર જેવા ગંભીર ગુનાઓ આચરતી હતી. આ ટોળકીએ પોતાની ધાક જમાવવા માટે અનેકવાર હિંસક હુમલાઓ કરી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માટે ગુનાખોરી જ આજીવિકાનું સાધન બની ગઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચ અને થોરાળા પોલીસની વિવિધ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અત્યાર સુધીમાં ગેંગના ૮ સભ્યોની ધરપકડ કરી છે. જેમાં દેવશી મકાભાઇ મકવાણા (રહે. નવા થોરાળા-૧), દિલીપ ઉર્ફે દિલો પ્રેમજી ચોૈહાણ (નવા થોરાળા વણકરવાસ-૬), ચિરાગ ઉર્ફે ભયલુ શામજી મકવાણા (રહે. માધવ કુંજ, ગોકુલપરા-૬), કિરણ મોહનભાઇ ખીમસુરીયા (થવા થોરાળા-૪, મોમાઇ પાનવાળી શેરી), અજય રાજુભાઇ જાદવ (નવા થોરાળા પાછળ ક્રિષ્ના પાર્ક-૩), ગૌતમ ઉર્ફે ગોગો ધરમભાઇ બારૈયા (કસ્તુરબા હરિજનવાસ-૫ નવા થોરાળા), નાગેશ ઉર્ફે લાલો શામજીભાઇ મકવાણા (માધવકુંજ, ગોકુલપરા-૬ નવા થોરાળા) અને મેહુલ કનુભાઇ સોલંકી (ગોકુલપરા-૧)નો સમાવેશ થાય છે. બાકીના આરોપીઓને પકડવા ટીમો કામે લાગી છે.
આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવાની (સીઝ કરવાની) પ્રક્રિયા પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સુચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમે અતિ ગુપ્ત રીતે આ ગેંગના ગુનાહિત ઇતિહાસની વિગતો મેળવી હતી. આ ગેંગ વિરૂધ્ધ કુલ ૩૭ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૨૨ ગુનાઓ ગુજસીટોકની કલમ ૨ (૧) (સી) મુજબની જોગવાઈઓમાં ફિટ બેસતા હોવાથી આ કડક કાયદાનો અમલ કરવામાં આવ્યો છે.
આ સંગઠિત ગેંગ વિરૂધ્ધ કડક કાયદાકીય માળખું તૈયાર કરવામાં ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની ભુમિકા મહત્વની રહી હતી. દરખાસ્ત તૈયાર કરવાની કામગીરીમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી. જાડેજા, એએસઆઇ જનકભાઇ કુગશીયા, હેડકોન્સ. પ્રતિકસિંહ રાઠોડ, પીએસઆઇ વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે. ગોહિલ, ડી.પી. ઝાલા અને એસ.વી. ચુડાસમા તેમજ એસઓજી પીએસઆઇ વી. કે. ઝાલા અને તેમની ટીમો ઉપરાંત અને થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. પી. સોઢા તથા પીએસઆઇ એન.આર. ડોબરીયા, એમ. એસ. મહેશ્વરી અને એ.પી. રતન સહિતે મહત્વની કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ગુનખોરી આચરતી સંગઠીત ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું વર્ષ ૨૦૨૦થી શરૂ થયું છે. સોૈ પહેલા પ્ર.નગર, થોરાળા વિસ્તારની બે ગેંગ સામે આ કાયદા હેઠળ કાર્યવહી થઇ હતી. કુલ પાંચ વર્ષમાં આવી ૧૦ ટોળકીઓને ગુજસીટોકના ગાળીયા હેઠળ લઇ જેલ ભેગી કરવામાં આવી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના કાર્યકાળમાં છેલ્લા ૬ મહિનામાં ૬ ગેંગ સામે ગુજસીટોકના ગુના નોંધાયા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા મુરગા ગેંગ, પેંડા ગેંગ, બાટલી ગેંગ, ઓડીયા ગેંગ, ઇભલા ગેંગ અને શામજી મકા ગેંગને આ કાયદા હેઠળ જેલમાં મોકલવા કાર્યવાહી થઇ છે.
(2:46 PM IST)










