<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

કેન્‍સરની સારવારને નવી દિશા આપતું ગુજરાતનું સૌ પ્રથમ અત્‍યાધુનિક TRUEBEAM મશીન રાજકોટ કેન્‍સર સોસાયટીમાં

TRUEBEAM મશીનની ટેકનોલોજી સાથે વધુ ચોક્કસ, ઝડપી અને આધુનિક રેડિયેશન સારવાર હવે રાજકોટમાં ઉપલબ્‍ધઃ ડો.ખ્‍યાતિ વસાવડા

રાજકોટઃ કેન્‍સરના દર્દીઓને શ્રેષ્‍ઠ સારવાર મળી રહે તે માટે હંમેશા કાર્યરત રાજકોટ કેન્‍સર સોસાયટી છે. રેડીએશનની અતિ આધુનિક સારવાર મળે તે માટે આવતીકાલે દશેરાએ નવું મશીન લોકાર્પણ થઈ રહ્યું છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડાયરેક્‍ટર ડો.ખ્‍યાતિ વસાવડા, ડો.શ્રેયસ ઢોલરીયા, વિપુલ ઢેબર સાથે અકિલાના ઉદય વેગડા પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા રાજકોટ કેન્‍સર હોસ્‍પિટલના તબીબો નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૯: રાજકોટ કેન્‍સર સોસાયટી દ્વારા કેન્‍સરના દર્દીઓને વધુ આધુનિક અને ઉચ્‍ચ ગુણવત્તાવાળી સારવાર ઉપલબ્‍ધ કરાવવાના હેતુથી અત્‍યાધુનિક TrueBeam (HyperArc & HyperSight Linear Accelerator) મશીનનું લોકાર્પણ ૨૦ ઓક્‍ટોબર, ૨૦૨૬ ‘દશેરા' ના રોજ કરવામાં આવશે, અતિ આધુનિક મશીનનું ઉદ્‌ઘાટન કાર્યક્રમ ચીફ ગેસ્‍ટ તરીકે ડો.આરતી.સીરેન ખાસ ઉપસ્‍થિત રહેશે. રાજકોટ કેન્‍સર સોસાયટીની સ્‍થાપના પણ ૧૯૬૯ ‘દશેરા'ના દિવસે કેન્‍સરરૂપી રાવણનો નાશ કરવા માટે થયેલ છે.

મેડિકલ ડાયરેક્‍ટર ડો.ખ્‍યાતિ વસાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે આ મશીન રેડીયેશનની સારવાર માટે છે અને રેડિયેશન થેરાપી કેન્‍સરની સારવારનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે. આ સારવારમાં કેન્‍સરની ગાંઠને જરૂરી પ્રમાણમાં રેડીયેશન આપવું અને તેની આસપાસના સ્‍વસ્‍થ અંગોને શકય તેટલું સુરક્ષિત રાખવું અત્‍યંત જરૂરી છે. TrueBeam એ આધુનિક રેડિયેશન સારવાર માટે વિક્‍સાવવામાં આવેલું મશીન છે. HyperArc, HyperSight (GPerfect Pitch 6DoF Couch જેવી. અદ્યતન ટેકનોલોજીઓ સારવારની ચોક્‍સાઈ અને કાર્યક્ષમતામાં મહત્‍વપુર્ણ સુધારો કરી શકે છે. હાલની લીનીયર એકસેલરેટર ટેકનોલોજી કરતા TrueBeam માં FFF ટેકનોલોજી હાઈ ડોઝ રેટ વડે સારવાર કરવી ખુબ ઝડપી બને છે.

ડો.દેબાદિપ્‍તીએ જણાવ્‍યું હતું કે રેડીયેશન એટલે હાઈ એનર્જી વિકિરણો છે જે કેન્‍સરના કોષોનો નાશ કરવા માટે ઉપયોગમાં આવે છે. રેડીયેશન અતિઆધુનિક મશીનો અને વિશિષ્ટ પદ્ધતીઓ દ્વારા આપવામાં આવે છે જે કેન્‍સરમાં પ્રાથમિક અને એકમાત્ર સારવાર અપાય અથવા ઓપરેશન પછી અને કિમોથેરાપી પછી. અને તેની સાથે પણ અપાય છે.

ડો.નિશાંત માધાણીએ જણાવ્‍યું હતું કે  કેન્‍સરના કોષોને નાશ કરવા કેન્‍સરની સારવાર માટે અત્‍યારની અતિ આધુનિક પદ્ધતીથી રેડીયેશન આપવામાં આવે છે તેમાં માત્ર રોગ ને રેડીયેશન અપાય છે તથા આજુબાજુના સામાન્‍ય અંગોને શેકની ખુબ ઓછામાં ઓછી આડઅસર જોવા મળે છે અને સારવાર બાદ જે આડઅસર થાય તેની પણ સારવાર કરવી શકય છે.દર્દીની પરિસ્‍થિતી અને રોગના પ્રકાર પ્રમાણે રેડીયેશન કેટલા પ્રમાણમાં આપવું એ નક્કી કરવામાં આવે છે.

પત્રકાર પરિષદમાં ડો.ચાંદની શાહએ જણાવેલ કે આ મશીનની સૌથી મહત્‍વપૂર્ણ વિશેષતાઓમાંની એક HyperSight ટેકનોલોજી છે. તેના દ્વારા સારવાર પહેલાં શરીરની અંદરના ભાગના ઉચ્‍ચ ગુણવત્તાવાળા સ્‍કેન કરી શકાય છે. તથા ઈમેજ ગાઈડન્‍સથી થતી રેડીયેશન સારવાર ૫૦% વધુ ઝડપી થઈ શકે છે જેમાં ઈમેજની ગુણવતા ખુબ જ સારી થઈ છે જેથી સારવાર સચોટ બને છે.

ડો.હાર્દિક પટેલએ જણાવ્‍યું હતું કે બીજી HyperArc ટેકનોલોજી  મગજની ગાંઠની સારવારમાં વિશેષ મહત્‍વ ધરાવે છે. મગજમાં એક અથવા અનેક જગ્‍યાએ રહેલી કેન્‍સરની ગાંઠને અત્‍યંત ચોકસાઈથી રેડિયેશન આપવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. અમુક ચોક્કસ દર્દીઓમાં ઓછી બેઠકોમાં, કેટલીકવાર માત્ર એક જ બેઠકમાં, સારવાર શકય બનતી હોય છે. માત્ર કેન્‍સર જ નહીં. મગજની અન્‍ય સાદી ગાંઠોની સારવારમાં HyperArc ખુબ ઉપયોગી રહે છે. આ ટેકનિક વડે SRS/SRT જેવી સારવાર વધુ ઝડપી અને સચોટ બની છે.જેમાં એક સાથે ૧૦ થી ૧૫ મગજની ગાંઠને એક સાથે ટાર્ગેટ કરી શકાય છે. Hypersight તથા hyperarc ધરાવતું ગુજરાતનું આ પ્રથમ TRUBEAM મશીન છે.

વધુમાં TrueBeam સાથે મોશન મેનેજમેન્‍ટ સુવિધા ઉપલબ્‍ધ છે. આ ટેકનોલોજી દ્વારા અમુક એવા અવયવોના કેન્‍સર જેમ કે ફેફ્‌સા, સ્‍તન, લીવર, સ્‍વાદુપિંંડ, પિતાશય કે જે શ્વાસોચ્‍છવાસ જેડે હલનચલન થાય છે. આવા કેસમાં આજુબાજુ રહેલા સામાન્‍ય અંગોને ઓછી માત્રામાં ડોઝ મળે તથા ગાંઠને પુરી માત્રામાં ડોઝ આપી શકાય તેવું આયોજન કરવું શકય બન્‍યું છે.

કેન્‍સરની સંપુર્ણ સારવાર માટે સર્જરી, ક્રિમોથેરાપી અને રેડીયેશન ખુબ જ મહત્‍વનો ભાગ ભજવે છે જેમાં રેડીયેશન (શેક) કેન્‍સરની સંપુર્ણ સારવારમાં ખુબ જ મહત્‍વની સારવાર છે. રેડીયેશન દ્વારા રાજકોટ કેન્‍સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ) માં રોજના લગભગ ૨૦૦ રેડીયેશન કેન્‍સરના દર્દીને આપવામાં આવે છે. રાજકોટ કેન્‍સર સોસાયટી માટે આ માત્ર નવા. મશીનનું લોકાર્પણ નથી, પરંતુ દર્દીઓને વધુ સારી કેન્‍સર સારવાર આપવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

(2:30 PM IST)