તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જીરાવલા પાર્શ્વનાથ જિનાલયના આંગણે વિરાટ ધર્મ સંકુલનું કાલે ભૂમિપૂજન
શ્રી આનંદ મંગલ શ્વે. મૂર્તિ પૂજક જૈન સંઘ મધ્યે આયંબીલ શાળા, શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રય, પાઠશાળા સહિતનું નિર્માણ શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રા

રાજકોટઃ શહેરના હાર્દ સમા પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય ની સામે શ્રી આનંદ મંગલ શ્વે. મુર્તિ પુજક જૈન સંઘના અન્વયે વિરાટ ધર્મસંકુલ ના નિર્માણનો મંગલ પ્રારંભ થઈ રહયો છે. શ્રી સંધે વિશાળ ભૂમી સંપાદિત કરી છે. પૂજય ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજા ની પ્રેરણા આશીર્વાદ અને માર્ગદર્શન થી શ્રી સંઘ આ ધર્મ સંકુલ ઉભું કરવા જઈ રહ્યો છે. પાંચ માળનું આ ધર્મસંકુલમાં આયંબિલ શાળા, ભોજનશાળા, શ્રાવક ઉપાશ્રય, શ્રાવિકા ઉપાશ્રય, પાઠશાળા, પરબ, શ્રી સંઘ પેઢી, વ્યાખ્યાન હોલ બે માળનો, આદિ અનેક મહત્વના સ્થાનો આ સંકુલમાં નિર્માણ પામશે.
આ ધર્મ સંકુલના નિર્માણ નો મંગલ પ્રારંભ થવા જઈ રહયો છે ત્યારે આ તા.૧૯ એપ્રિલ ના રોજ તેનુ ભૂમિપૂજન થવા જઈ રહયુ છે. પૂજય ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજા ભગવંત ની નિશ્રામાં ભૂમિ પૂજન, ભૂમિ ખનન, ભૂમિ ગ્રહણ, આદિની મંગલ વિધિ વિવિધ લાભાર્થી ઓ ધ્વારા કરવામાં આવશે. છેલ્લા એક અઠવાડીયા થી પૂજય આચાર્ય ભગવંત ના અલગ-અલગ એપાર્ટમેન્ટમાં પૂજય શ્રી ના પ્રવચનો ચાલી રહયા છે, અને શ્રી સંઘ માં ખૂબ સુંદર ઉત્સાહ નો માહોલ જામ્યો છે.
કાલે તા.૧૯ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન આ ધર્મસંકુલને લગતા વિવિધ આદેશોની ઉછામણી કવિ અમૃત ધાયલ હોલ ખાતે બોલાવવામાં આવશે પૂજય ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રા આ શુભ પ્રસંગે સાંપડી છે. તથા આ પ્રસંગે સુપ્રસિધ્ધ લોક કલાકાર મેહુલભાઈ રૂપડા પણ જાલના (મહારાષ્ટ્ર) થી પધારી રહ્યા છે.
જયારે ૧૦૮ શિલાના લાભાર્થી ઓ ધ્વારા ૨૫ એપ્રિલ ના રોજ શિલાપૂજન તથા ૨૬ એપ્રિલ ના રોજ શિલા સ્થાપનનો મંગલ વિધિ થશે. અનેક ભાવીકો આ યોજનાઓમાં ઉલ્લાસભેર જોડાયા છે. આ સંપૂર્ણ મહોત્સવ ને સાકાર કરવા શ્રી આનંદ મંગલ શ્વે. મૂર્તિ પૂજક જૈન સંઘના હોદેદારો તથા ટ્રસ્ટીમંડળ, યુવક મંડળ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ જ ઉલ્લાસ થી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ દિલીપભાઈ દેસાઈ (મો. ૭૯૯૦૫ ૭૦૮૧૧), વિરેન્દ્રભાઈ મહેતા (મો.૯૮૨૫૬ ૧૮૮૮૨), પ્રકાશભાઈ શાહ (મો. ૯૮૨૫૩ ૬૦૧૦૬) ની યાદી જણાવે છે.
(2:58 PM IST)










