તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 18th April 2026
ગ્રીનલેન્ડ ચોકડી એસ.ટી. પીક અપ સ્ટેન્ડ પર પંખો અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ
એસ.ટી.નો વોલ્વો વેઇટિંગ રૂમ સમય પહેલા બંધ : એસ.ટી.ના અધિકારી સમક્ષ રાજકોટને મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆત

રાજકોટ તા. ૧૮ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, પ્રવીણભાઈ જોશીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે મુસાફરો પાસેથી ભાડા વધારો વસુલતા એસ.ટી. તંત્ર દ્વારા સુવિધા આપવામાં સાવ ઠાગાઠૈયા થઇ રહ્યા છે. રાજકોટ અમદાવાદ હાઇવે પરના ગ્રીનલેન્ડ ચોકડી પીક અપ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે અહીં અંદાજે ૧૦,૦૦૦ મુસાફરોની અવરજવર રહે છે અને આશરે ૫૦૦ બસોની આવજા રહે છે. તેમ છતા મુસાફરોને વિસામો માટે બનાવાયેલ આ પીક અપ સ્ટેન્ડ પર એક પણ પંખો ઉપલબ્ધ નથી. જો કે ગ્રીન લેન્ડ ચોકડીના પીક અપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં પંખો ઉપલબ્ધ છે. મુસાફરો માટે પીવાના પાણીની કોઈ જાતની સુવિધા ઉપલબ્ધ નથી. સિનિયર સિટીઝન મહિલાઓ, બાળકો કાળઝાળ ગરમી ના પગલે પરસેવે રેબજેબ થાય છે.
સમગ્ર ગુજરાતમાં હાલ રાજકોટ ૪૨ ડિગ્રી તાપ સાથે પ્રથમ નંબરે છે ત્યારે નથી પંખો કે નથી પાણી જેવી પ્રાથમિક સુવિધા. ટ્રાફિક કંટ્રોલર પાસે ફરિયાદ બુક પણ ઉપલબ્ધ નથી હોતી.
વધુમાં રાજકોટના એસ.ટી.બસ પોર્ટમાં વોલ્વો ડેપો નો વોલ્વો વેઇટિંગ રૂમ અને વોલ્વો એડવાન્સ બુકિંગ રૂમ બંધ કરવાનો સમય રાત્રે ૧૦ સુધીનો લખવામાં આવેલ છે. છતાં ગઈકાલે વોલ્વો વેઇટિંગ રૂમ રાત્રે ૯.૩૦ પહેલા બંધ થયેલ હોવા અંગે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવાનું ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે.
(3:44 PM IST)










