<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

૮થી ૧૪ નવેમ્‍બર સુધી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રીનો ભવ્‍ય જન્‍મજયંતિ મહોત્‍સવ

શ્રી સદ્‌ગુરુ સદન ટ્રસ્‍ટ અને પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દીપાવલીથી લાભ પાંચમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તા. ૧૩મીએ પૂજ્‍ય ગુરુદેવની જન્‍મજયંતિ નિમિત્તે લઘુરામયજ્ઞ, ષોડશોપચાર પૂજન, ભક્‍તિસંગીત, ચરણપાદુકા દર્શન, વિનામૂલ્‍યે સુપર મેગા નેત્રયજ્ઞ અને છોલે-પૂરી તથા ડ્રાયફ્રૂટ લચકાનો મહાપ્રસાદઃ તા. ૧૪મીએ અન્નકૂટ દર્શન

રાજકોટ, તા. ૪: રાજકોટના શ્રી સદ્‌ગુરુ આશ્રમ રોડ સ્‍થિત પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ સંચાલિત શ્રી સદ્‌ગુરુ સદન ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પ.પૂ. શ્રી સદ્‌ગુરુ દેવ ભગવાનશ્રીનો જન્‍મજયંતિ મહોત્‍સવ તા. ૮ નવેમ્‍બર, રવિવારથી તા.૧૪ નવેમ્‍બર, શનિવાર સુધી, શુભ દીપાવલીથી લાભ પાંચમ દરમિયાન ભક્‍તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે મંગળા આરતી, ચોપડા પૂજન, અન્નકૂટ દર્શન, શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ, લઘુરામયજ્ઞ, ષોડશોપચાર પૂજન, ભક્‍તિસંગીત, ચરણપાદુકા દર્શન, મહાપ્રસાદ તથા વિનામૂલ્‍યે સુપર મેગા નેત્રયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાશે.

તા.૮ નવેમ્‍બરે દીપાવલીના દિવસે ચોપડા પૂજન અને વિશેષ દર્શન

ટ્રસ્‍ટની યાદી મુજબ તા. ૮ નવેમ્‍બર, રવિવારે શુભ દીપાવલીના દિવસે સવારે ૬ વાગ્‍યે પ્રાતઃ મંગળા આરતી યોજાશે. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રીનું નીજ મંદિર સવારે ૬થી બપોરે ૨:૩૦ વાગ્‍યા સુધી તથા બપોરે ૪થી રાત્રે ૧૦:૩૦ વાગ્‍યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્‍લું રહેશે. સાંજે ૭ વાગ્‍યે સાયંકાલીન આરતી થશે.

આ દિવસે સવારે ૧૧:૫૨ વાગ્‍યે ગુરુના હોરામાં અને અમૃત ચોઘડિયામાં શ્રી સમૂહ ચોપડા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. વેપારીઓ, શ્રદ્ધાળુઓ અને ગુરુભાઈ-બહેનોને આ પૂજનમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તા.૧૦ નવેમ્‍બરે નૂતનવર્ષની મંગળા આરતી અને પોપટપરામાં અન્નકૂટ

તા.૧૦ નવેમ્‍બર, મંગળવાર, કારતક સુદ એકમ અને નૂતનવર્ષના પાવન દિવસે સવારે ૫:૩૦ વાગ્‍યે પ્રાતઃ મંગળા આરતી તથા સાંજે ૭ વાગ્‍યે સાયંકાલીન આરતી યોજાશે. આ દિવસે નીજ મંદિર સવારે ૫:૩૦થી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી અને બપોરે ૪થી રાત્રે ૧૦:૩૦ વાગ્‍યા સુધી ખુલ્‍લું રહેશે.

નૂતનવર્ષ નિમિત્તે રાજકોટના પોપટપરા વિસ્‍તારમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે વિશેષ અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે. બપોરે ૧ વાગ્‍યે શ્રી અન્નકૂટની પ્રથમ આરતી યોજાશે. રાત્રે ૮ વાગ્‍યે અન્નકૂટ તથા સાયંકાલીન આરતી થશે. ત્‍યારબાદ રાત્રે ૮:૩૦થી ૯:૩૦ વાગ્‍યા સુધી અન્નકૂટની ભેળરૂપી પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સ્‍થળ શ્રી રામજી મંદિર, ૫/૧૨, પોપટપરા, રાજકોટ રાખવામાં આવ્‍યું છે.

તા. ૧૩ નવેમ્‍બરે જન્‍મજયંતિ મહોત્‍સવઃ સવારથી રાત સુધી ભક્‍તિમય કાર્યક્રમો

તા. ૧૩ નવેમ્‍બર, શુક્રવાર, કારતક સુદ ચોથના દિવસે પ.પૂ. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રીના પ્રાગટ્‍ય દિવસ તથા જન્‍મજયંતિ મહોત્‍સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે સવારે ૫:૩૦ વાગ્‍યે પ્રાતઃ મંગળા આરતી યોજાશે. સવારે ૯થી ૧૧ વાગ્‍યા દરમિયાન પ.પૂ. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રીનું ષોડશોપચાર પૂજન, શ્રી રામરક્ષા સ્‍તોત્ર, અભિષેક, પ્રાર્થના અને સ્‍વાધ્‍યાય અંતર્ગત શ્રી રામસ્‍વતરાજ પાઠના શ્‍લોકોનું સમૂહ પઠન કરવામાં આવશે. દરેક શ્‍લોક સાથે પુષ્‍પાંજલિ અર્પણ કરી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી પ્રત્‍યે શ્રદ્ધા વ્‍યક્‍ત કરવામાં આવશે. આ વિશેષ પૂજનમાં તમામ ગુરુભાઈઓ તથા ગુરુબહેનોને ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

જન્‍મજયંતિના દિવસે ભક્‍તિ સંગીતના વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. સવારે ૧૦થી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી તથા સાંજે ૫થી રાત્રે ૧૧ વાગ્‍યા સુધી ભક્‍તિ સંગીતની રમઝટ બોલશે.

પ.પૂ. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી ની પવિત્ર ચરણપાદુકાનાં દર્શન સવારે ૧૧થી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી તથા બપોરે ૪થી રાત્રે ૧૧ વાગ્‍યા સુધી થઈ શકશે. નીજ મંદિરનાં દર્શન સવારે ૫:૩૦થી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી અને બપોરે ૪થી રાત્રે ૧૧ વાગ્‍યા સુધી ઉપલબ્‍ધ રહેશે. સાંજે ૭ વાગ્‍યે સાયંકાલીન આરતી યોજાશે.

આશ્રમના પાટોત્‍સવ નિમિત્તે શ્રી લઘુરામયજ્ઞનું આયોજન

શ્રી સદ્‌ગુરુ સદન ટ્રસ્‍ટ તથા પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમના પાટોત્‍સવ નિમિત્તે તા. ૧૩ નવેમ્‍બરે શ્રી લઘુરામયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે ૬:૩૦ વાગ્‍યે યજ્ઞનો પ્રારંભ થશે અને સવારે ૯:૩૦ વાગ્‍યે બીડું હોમવાની વિધિ યોજાશે. આ ઉપરાંત શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાવિકોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી છોલે-પૂરી અને ડ્રાયફ્રૂટ લચકાનો શ્રી સદ્ગુરુ મહાપ્રસાદ

જન્‍મજયંતિ મહોત્‍સવનું એક વિશેષ આકર્ષણ શ્રી સદ્ગુરુ મહાપ્રસાદ રહેશે. તા.૧૩ નવેમ્‍બર, શુક્રવારે સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી આશ્રમ ખાતે ભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ.પૂ. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી ના ભોજનરૂપી છોલે, પૂરી તથા ડ્રાયફ્રૂટ લચકાનો મહાપ્રસાદ ભાવિકોને પીરસવામાં આવશે. રાજકોટ શહેર, સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ બહારગામથી આવતા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, ગુરુભાઈઓ-ગુરુબહેનો અને બાળકોને પરિવાર સાથે મહાપ્રસાદ ગ્રહણ કરવા ટ્રસ્‍ટ દ્વારા આગ્રહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ટ્રસ્‍ટે પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુના પ્રસાદના મહિમાને વ્‍યક્‍ત કરતી ભાવના સાથે જણાવ્‍યું છે કે, ‘સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો, લેકિન પરમ પૂજ્‍ય શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી કા પ્રસાદ મત છોડો.' આ ભાવના સાથે મહાપ્રસાદનો અવશ્‍ય લાભ લેવા સૌને અપીલ કરવામાં આવી છે.

તા. ૧૩ નવેમ્‍બરે વિનામૂલ્‍યે સુપર મેગા શ્રી સદ્‌ગુરુ નેત્રયજ્ઞ

પ.પૂ. શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી ના પ્રાગટ્‍ય દિવસ નિમિત્તે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલ દ્વારા વિનામૂલ્‍યે સુપર મેગા શ્રી સદ્‌ગુરુ નેત્રયજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ નેત્રયજ્ઞ તા. ૧૩ નવેમ્‍બર, શુક્રવારે સવારે ૯:૩૦થી બપોરે ૧૨:૩૦ વાગ્‍યા સુધી યોજાશે. આંખને લગતી તકલીફ ધરાવતા દર્દીઓને આ વિનામૂલ્‍યે નેત્રયજ્ઞનો લાભ લેવા ટ્રસ્‍ટ તથા હોસ્‍પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તા. ૧૪ નવેમ્‍બરે લાભ પાંચમના દિવસે ભવ્‍ય અન્નકૂટ દર્શન

જન્‍મજયંતિ મહોત્‍સવના સમાપન પ્રસંગે તા.૧૪ નવેમ્‍બર, શનિવાર, કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના દિવસે પ.પૂ. શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રીને ભવ્‍ય અન્નકૂટ ધરાવવામાં આવશે.

આ દિવસે બપોરે ૧ વાગ્‍યે શ્રી અન્નકૂટની પ્રથમ આરતી યોજાશે. બપોરે ૧:૩૦થી રાત્રે ૮ વાગ્‍યા સુધી અન્નકૂટ દર્શનનો લાભ મળી શકશે. રાત્રે ૮ વાગ્‍યે શ્રી અન્નકૂટની આરતી તથા સાયંકાલીન આરતી થશે.

ત્‍યારબાદ રાત્રે ૮:૩૦થી ૧૦ વાગ્‍યા સુધી અન્નકૂટની ભેળરૂપી પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. લાભ પાંચમના પાવન દિવસે અન્નકૂટ દર્શન તથા પ્રસાદીનો લાભ લેવા તમામ ભાવિકોને ટ્રસ્‍ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જન્‍મજયંતિ અને અન્નકૂટ દર્શનનું જીવંત પ્રસારણ કરાશે

દેશ-વિદેશમાં વસતા સદ્ગુરુદેવ ભગવાનશ્રીના અનુયાયીઓ તથા ઘરે બેઠા દર્શન કરવા ઇચ્‍છતા ભાવિકો માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આર.સી.સી. ડેનની ભક્‍તિરસ ચેનલ નંબર ૨૭૯ ઉપર તા. ૧૩ નવેમ્‍બર, શુક્રવારે જન્‍મજયંતિ મહોત્‍સવનું તથા તા. ૧૪ નવેમ્‍બર, શનિવારે અન્નકૂટ દર્શનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઉપરાંત ફેસબુકના ‘મારા ગુરુદેવ' પેજ ઉપરથી પણ કાર્યક્રમના જીવંત દર્શનનો લાભ મેળવી શકાશે.

પ.પૂ. શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુના ઘરબેઠાં નિત્‍ય દર્શન તથા તેમના વચનામૃતનો લાભ મેળવવા ઇચ્‍છતા ભાવિકોએ ટ્રસ્‍ટનો વોટ્‍સએપ નંબર ૯૫૮૬૩ ૦૮૧૭૮ પોતાના મોબાઇલમાં સેવ કરી પોતાનું નામ લખીને વોટ્‍સએપ સંદેશ મોકલવા જણાવાયું છે.

સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાવિકોને જાહેર નિમંત્રણ

શ્રી સદ્‌ગુરુ સદન ટ્રસ્‍ટ, પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલ દ્વારા શુભ દીપાવલીથી લાભ પાંચમ સુધી યોજાનારા તમામ કાર્યક્રમોમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને અન્‍ય વિસ્‍તારોના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, ગુરુભાઈઓ -ગુરુબહેનો તથા ભાવિક પરિવારોને ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જન્‍મજયંતિ નિમિત્તે સદ્‌ગુરુદેવ ભગવાનશ્રીના નીજ મંદિરનાં દર્શન, પવિત્ર ચરણપાદુકાનાં દર્શન, ષોડશોપચાર પૂજન, ભક્‍તિસંગીત, શ્રી લઘુરામયજ્ઞ, શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ, મહાપ્રસાદ, સુપર મેગા નેત્રયજ્ઞ તથા અન્નકૂટ દર્શન અને પ્રસાદીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ સમગ્ર આયોજનનું સ્‍થળ શ્રી સદ્ગુરુ સદન ટ્રસ્‍ટ, પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, શ્રી સદ્ગુરુ આશ્રમ રોડ, રાજકોટ-૩૬૦૦૦૩ છે.

વધુ માહિતી માટે આશ્રમનો સંપર્ક નંબર ૦૨૮૧-૨૪૫૭૦૦૯ તથા મોબાઇલ નંબર ૯૫૮૬૩ ૦૮૧૭૮ (વોટ્‍સએપ), ૮૪૬૦૯ ૨૮૫૦૮ અને ૯૮૭૯૭ ૩૪૧૭૮ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ શ્રી સદ્‌ગુરુ સદન ટ્રસ્‍ટ અને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલની યાદીમાં જણાવાયું છે.

(3:40 PM IST)