તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
રાજકોટ સહિત રાજયભરના ગ્રામસેવકો અનેક પ્રશ્નો અંગે લડતના માર્ગેઃ ર ઓકટોબરથી બેમૂદતી હડતાલનું એલાન
રાજયના કૃષિ મંત્રી, તમામ કલેકટરો તથા અન્ય અધિકારીઓને આવેદન અપાયા : ૧લી ઓકટોબરે માસ સીએલઃ ર૧ સપ્ટેમ્બરથી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર

રાજકોટ તા.૧૦: ગુજરાત રાજય ગ્રામસેવક મહામંડળે રાજયભરમાં આવેદનો પાઠવી જણાવ્યુ છે કે, ગ્રામસેવક કેડરની વિષમ પરિસ્થિતિ, અન્ય કેડરના જોબચાર્ટની કામગીરીનું અનાવશ્યક દબાણ તથા લાંબા સમયથી પડતર અગત્યની માંગણીઓ ઉઠાવી છે. તેમજ સદર પત્રથી ૭ દિવસની અંદર મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હકારાત્મક નિર્ણય લેવા અંતિમ વિનંતી કરવામાં આવી હતી.
અત્યંત ખેદ સાથે જણાવવાનું કે, મહામંડળ દ્વારા શાંતિપૂર્ણ અને વહીવટી મર્યાદામાં રહીને રજૂઆત કરવા છતાં અલ્ટિમેટમનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં સરકાર કે સંબંધિત વિભાગ દ્વારા મહામંડળ સાથે કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી કે પ્રશ્નોના નિરાકરણ અંગે કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ સંજોગોમાં, આ પ્રકારની સતત અવગણનાને કારણે સમગ્ર રાજ્યના ગ્રામસેવક સંવર્ગમાં ભારે આક્રોશ અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ હંમેશાં શિસ્ત, સંવાદ અને ખેડૂતહિતમાં માનતું આવ્યું છે. ગ્રામસેવકોના પ્રશ્નોને વાચા આપવી એ મહામંડળની ફરજ છે, એવા સમયે વિભાગ દ્વારા કર્મચારીઓની થતી ઘોર ઉપેક્ષા વિરૂધ્ધ આંદોલનાત્મક કાર્યક્રમ આપવા સિવાય અન્ય કોઇ રસ્તો રહેતો નથી. જેથી, મહામંડળ દ્વારા નાછૂટકે તબક્કાવાર ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી ઢબે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનું નકકી કરવામાં આવેલ છે, તેમ રાજયના કૃષિમંત્રીને અપાયેલ આવેદનપત્રમાં ઉમેરાયુ છે.
ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી-કમ-મંત્રીના તથા ખેતી મદદનીશના જોબ ચાર્ટમાં સમાવિષ્ટ કામગીરી ગ્રામસેવકો પાસે કરાવવા માટે કરવામાં આવતું દબાણ તાત્કાલિક બંધ કરી અને જે તે સંવર્ગના નિયત થયેલા જોબચાર્ટ મુજબની કામગીરી લેવામાં આવે. ગ્રામસેવકો પાસેથી તેમની નિયત ફરજ સિવાયની કામગીરી કરાવવા માટે આપવામાં આવતી મૌખિક કે લેખિત સૂચનાઓ અંગે જરૂરી નિયંત્રણ લાદવામાં આવે. હાલ રાજ્યમાં ગ્રામસેવકોનું મહેકમ જરૂરિયાત મુજબ ખૂબ ઓછું છે. હાલની સ્થિતિએ ૮ થી ૧૦ ગામ વચ્ચે માત્ર એક ગ્રામસેવક છે. જેથી નવા સેજાઓનું પુનઃગઠન કરી ૧ થી ૨ ગામ વચ્ચે એક ગ્રામસેવકની જગ્યા ઊભી કરવામાં આવે. ગ્રામસેવક સંવર્ગને મળવાપાત્ર પ્રમોશનની તકોમાં થયેલ અન્યાય દૂર કરી ગ્રામસેવકોને યોગ્ય અને ન્યાયસંગત પ્રમોશનલ તકો આપવામાં આવે અને બંધ કરવામાં આવેલ પ્રમોશનની તકો ફરીથી શરૂ કરવામાં આવે. ગ્રામસેવક સંવર્ગને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ના ગ્રેડ-પે નો લાભ આપવા અંગે યોગ્ય નિર્ણય લઈ ન્યાય આપવામાં આવે.
ગ્રામસેવક મહામંડળ દ્વારા આંદોલનના કાર્યક્રમોની જાહેરાત કરાઇ છે, જેમાં આજે જીલ્લા કક્ષાએ આવેદન પાઠવાયું હતું, ૧૪મીથી સરકારી વોટસએપ ગ્રુપમાંથી તમામ ગ્રામસેવકો લેફટ થઇ જશે, ર૧ મીથી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરાશે, રપ મીએ પેનડાઉન, તથા ૧ ઓકટોબરે માસ સીએલનું એલાન કરાયું છે અને ર ઓકટોબરથી બેમુદતી હડતાલની જાહેરાત કરાઇ છે.
(2:29 PM IST)










