News of Friday, 18th September 2026
શાપર વેરાવળમાં સરકારી પ્રાથમિક-માધ્યમિક શાળાનો શુભારંભ
વિસ્તારની વસ્તી અને શૈક્ષણિક જરૂરિયાતને ધ્યાને લઈ આગામી સમયમાં કોલેજ ફાળવવા પ્રયાસ કરાશેઃ પરસોત્તમભાઈ રૂપાલા

(કમલેશ વસાણી દ્વારા) શાપર વેરાવળ તા.૧૮: શાપર ખાતે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાનો શુભારંભ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવતાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ તેમને વધાવી લીધા હતા.
આ પ્રસંગે શાળાના વિકાસમાં સહયોગ આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્વોધન કરીને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, વિસ્તારની વધતી વસ્તી અને સ્થાનિક લોકોની શૈક્ષણિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કોલેજની જરૂરિયાત ઊભી થશે તો કોલેજ ફાળવવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે.અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું
(2:41 PM IST)










