News of Monday, 21st September 2026
સરકારી કચેરીઓ હવે તમારા આંગણેઃ ચાર સ્થળે યોજાશે ‘સેવા સેતુ'
ર૪ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર અલગ-અલગ વિસ્તારમાં કેમ્પઃ આધારકાર્ડથી આવકના દાખલા અને આયુષ્માન કાર્ડથી આવાસ યોજના સુધીની અનેક સેવાઓ એક જ સ્થળે મળશેઃ નાગરિકોના પ્રશ્નોનો કેમ્પમાં જ કરાશે નિકાલ

રાજકોટ, તા.૨૧: વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે રાજકોટના નાગરિકોને અલગ-અલગ સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત શહેરનાં ચાર વિધાનસભા વિસ્તારને આવરી લેતા અલગ-અલગ ચાર સ્થળે બારમા તબક્કાનો ‘સેવા સેતુ શહેરી' કાર્યક્રમ યોજવામાં આવશે. આ કેમ્પમાં સ્થળ પર ઉકેલી શકાય તેવા નાગરિકોના પ્રશ્નોનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને સતત અને સરળતાથી મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારી જળવાઈ રહે તેમજ નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ વિવિધ વ્યક્તિગત અને સરકારી સેવાઓ મળી શકે તે ‘સેવા સેતુ' કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાશે, જ્યારે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપશે.
કેમ્પમાં ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોની આધાર નોંધણી, આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરમાં ફેરફાર, આધારકાર્ડમાં સુધારા અને બાળકોના આધારકાર્ડની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સિનિયર સિટીઝન, સામાન્ય નાગરિકો અને દિવ્યાંગો માટેના બસ કન્સેશન પાસની કામગીરી પણ હાથ ધરાશે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તપાસ, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, શૌચાલય માટેની અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાયવેરો, ગુમાસ્તાધારા તેમજ પાણી અને ડ્રેનેજ કનેક્શનને લગતી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેમ્પ સ્થળે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણી, ઝેરોક્સ, હેલ્પડેસ્ક, કોર્પોરેટરનો દાખલો અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમના વિસ્તારમાં જ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને ચારેય સેવા સેતુ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે
કયારે અને કયાં યોજાશે કેમ્પ
તારીખ અને વાર કાર્યક્રમનું સ્થળ
૨૪ સપ્ટેમ્બર ગુરુવાર શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારિયા મેઇન રોડ
૨૫ સપ્ટેમ્બર શુક્રવાર સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, મોરબી રોડ
૨૮ સપ્ટેમ્બર સોમવાર રણુજા મંદિર, કોઠારિયા ગામ
૧ ઓકટોમ્બર ગુરુવાર કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિવર્સિટી રોડ
(4:01 PM IST)










