<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

શિવાજીનગરમાં ફોટોફ્રેમના ધંધાના ખારમાં ગોપાલ જાદવ અને કાકા વિજયભાઇની છરીના ઝીંકી હત્‍યાનો પ્રયાસ

અગાઉ અનિલ પરમાર ફોટોફ્રેમનું કામ ગોપાલ જાદવ ભેગો કરતો હતોઃ કામ શીખી અનિલે પોતાનો અલગ ધંધો ચાલુ કરી ગોપાલના ગ્રાહકોને ઓછા ભાવે માલ આપવાનું ચાલુ કરતાં ડખ્‍ખોઃ સમાધાનની વાત કરવા ગોપાલ અને તેના કાકા વિજયભાઇ અનિલના ઘરે જતાં ધમાલ મચી ગઇ

હુમલામાં ગંભીર ઇજા પામનાર ગોપાલ દેવજીભાઇ જાદવ, તેના કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ તથા સામા પક્ષના રમેશભાઇ પરમાર અને ભરતભાઇ પરમાર સારવાર હેઠળ નજરે છે. રમેશભાઇ અને ભરતભાઇના આરોપીમાં નામ હોઇ પોલીસ પહેરો રખાયો હતો (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૬: દૂધ સાગર રોડ પર શિવાજીનગરમાં રહેતાં અને ફોટોફ્રેમનો ધંધો કરતાં યુવાન અને તેના કાકા પર રાતે ધંધાખારને કારણે શિવાજીનગરમાં રહેતાં બે સગા ભાઇઓ, તેના પિતા, કાકા, માતાએ મંડળી રચી છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં બંને સારવાર હેઠળ છે. હુમલાખોરોમાંથી પણ બે જણા ઘાયલ થયા હોઇ તેને પણ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો છે.

જાણવા મળ્‍યા મુજબ શિવાજીનગર-૭માં રહેતાં ગોપાલ દેવજીભાઇ જાદવ (ઉ.વ.૩૨) અને તેના કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ (ઉ.વ.૪૦) પર રાતે શિવાજીનગરમાં અનિલ, સુનિલ, સહિતનાએ છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં થોરાળા પોલીસે ગંભીર ઇજાગ્રસ્‍ત ગોપાલના નાના ભાઇ દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૭માં રહેતાં અને  ફોટો ફ્રેમનો વેપારધંધો કરતાં રાહુલ દેવજીભાઇ જાદવ-કોળી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી   આ વિસ્‍તારમાં જ રહેતાં સુનિલ, અનિલ, રમેશભાઇ, હંસાબેન અને ભરતભાઇ વિરૂધ્‍ધ ગેરકાયદે મંડળી રચી છરી, ધોકાથી હુમલો કરી રાહુલના ભાઇ ગોપાલ દેવજીભાઇ જાદવ (ઉ.વ.૩૨)ને પેટમાં ઘા મારી હત્‍યાની કોશિષ કરવાનો અને ગોપાલના કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ (ઉ.વ.૪૦)ને પણ ઇજાઓ પહોંચાડવાનો અને ધમકી આપવાનો ગુનો નોંધ્‍યો છે.

રાહુલ જાદવે ફરિયાદમાં જણાવ્‍યું છે ક                  હું ફોટો ફ્રેમનો વેપાર ધંધો કરી ગુજરાન ચલાવું છું. મારી સાથે માતા-પિતા મોટો ભાઇ ગોપાલભાઇ રહે છે. બહેન હીરલબેન સાસરે છે. ગુરૂવારે હું તથા મારા પત્‍નિ જયોતીઅને મારી દીકરી ધ્રુવીકા તથા દિકરો પ્રીયાંક એમ બધા મારા સસરા જીગ્નેશભાઇ બારૈયાના ઘરે ભીમ અગીયારસનો તહેવાર હોવાથી ગયા હતાં.  રાતે નવેક વાગ્‍યાના સમયે મારા મિત્ર ગનીભાઇએ ફોન કરી કહ્યું હતું કે-અનીલ પરમારના ઘરની પાસે તારા ભાઇ ગોપાલને પેટના ભાગે છરી વાગેલ છે તું જલ્‍દીથી આવ. જેથી હું એકટીવા લઇને  અનીલના ઘરે ગયેલ, જયાં અનીલ કે તેના પરીવારના સભ્‍યો હાજર હતા નહીં. અહી મારો મિત્ર ગની તથા અમારા ભાગીદાર ભરતભાઇ તથા રોનક હતાં. મારો ભાઇ ગોપાલ એક્‍ટીવા પાસે અર્ધબેભાન હાલતમાં બેઠેલો દેખાયો હતો.

 તેમજ નજીકમાં મારા કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ પણ ઇજાગ્રસ્‍ત હાલતમાં જોવામ ળ્‍યા હતાં. કાકા ભાનમાં હોઇ તેને બનાવ અંગે પુછતાં કહ્યું હતું કે  કે અનીલ અગાઉ આપણે ત્‍યાં ફોટોફ્રેમનું કામ કરતો હતો અને કામ શીખીને હવે પોતાનો અલગ ધંધો ચાલુ કરી દીધો છે તેમજ આપણા ગ્રાહકોને ફોન કરીને, રૂબરૂ મળીને આપણાથી નીચા ભાવે ફોટોફ્રેમનું કામ કરે છે. જેથી ગોપાલે તેને આવુ નહિ કરવા ઠપકો દીધો હતો. આ કારણે અનિલ જ્‍યારે પણ ગોપાલને મળે ત્‍યારે ગાળો બોલતો હતો અને વારંવાર ઝઘડા કરતો હતો. આથી આ માથાકુટનું સમાધાન કરવા હું અને ગોપાલ અનિલના ઘરે ગયા હતાં. આ વખતે  અનિલ, તેનો ભાઇ સુનિલ, તેના પિતા રમેશભાઇ પરમાર, માતા હંસાબેન, અનિલના કાકા ભરતભાઇ સહિતના હાજર હતાં.

અનિલને સમજાવવા મેં વાતચીત કરી હતી કે તું અને ગોપાલ ફોટોફ્રેમના ધંધાને કારણે વારંવાર ઝઘડા કેમ કરો છો? આ સાંભળતા જ સુનિલ ઉશ્‍કેરાઇ ગયો હતો અને મને ગાળો દેવા માંડયો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં સુનિલે નેફામાંથી છરી કાઢી હુમલો કરતાં મારા પેટમાં નાભી પાસે ઘા લાગી જતાં હું નીચે પડી ગયો હતો. એ પછી રમેશભાઇ અને ભરતભાઇએ મને ઢીકાપાટુ માર્યા હતાં અને હંસાબેને પણ ગાળો દીધી હતી આને મારો-મારો એવી બૂમો પાડતાં હતાં. આ વખતે ભત્રીજો ગોપાલ વચ્‍ચે પડતાં ભરતભાઇ અને રમેશભાઇએ તેને પકડી લીધો હતો. ત્‍યારે અનિલે-ગોપાલ તને જાનથી મારી નાંખવો છે, ફોટોફ્રેમના ધંધામાં તું અમને આગળ વધવા દેતો નથી તેમ કહી છરી કાઢી તેણે ગોપાલના પેટમાં ઘા મારી દીધો હતો. તે પણ પડી ગયો હતો અને તેણે ભાગીદાર ભરતભાઇને તુરત ફોન કરી દીધો હતો. આ વિગતો મને મારા કાકા વિજયભાઇએ જણાવી હતી. તેમ વધુમાં રાહુલે કહ્યું હતું.

રાહુલે ફરિયાદમાં આગળ જણાવ્‍યું છે કે મારા ભાઇ ગોપાલ અને કાકા વિજયભાઇને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હોઇ ટુવ્‍હીલર મારફત અમે તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. કાકાને દાખલ કરાયા હતાં અને મારા ભાઇ ગોપાલને પેટમાં ગંભીર ઇજા પહોંચી હોઇ તાત્‍કાલીક ઓપરેશન માટે લઇ જવાયો હતો.

હોસ્‍પિટલ ચોકી મારફત ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ શક્‍તિસિંહ પી. સોઢાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. સાવલીયા, રાઇટરો ભરતભાઇ, દિવ્‍યરાજસિંહ સહિતે રાહુલ જાદવની ફરિયાદ પરથી રાયોટીંગ, હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે.

સામા પક્ષે હુમલાખોર અનિલ, સુનિલના પિતા રમેશભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૫૪) અને કાકા ભરતભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૮) પણ પોતાના પર ગોપાલ જાદવ, વિજય જાદવ, રાહુલ જાદવ સહિતે તિક્ષ્ણ હથીયારથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં આ બંનેના હત્‍યાની કોશિષના આરોપીઓમાં નામ હોઇ તેના પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. ગંભીર ઇજાગ્રસ્‍ત ગોપાલ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે.

(4:01 PM IST)