તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગોંડલ-હિરાસર ગ્રીન કોરીડોર અંગે GMC કામગીરી સુચારૂ રૂપે ચાલી રહી છેઃ નેશનલ હાઇવે પ્રપોઝલ કરશે
અત્યાર સુધીમાં જેટલા ગામડાઓ-ખેડુતો આવ્યા તે તમામ સાથે યોગ્ય સમજુતી થઇ છે અત્યાર સુધી જે રોડ પ્રોજેકટ માટે જમીન સંપાદન થઇ તે પ્રચલીત વળતર પધ્ધતી અપનાવાશે

રાજકોટ, તા., ર૪: જિલ્લામાં હાલ જીએમએસની કામગીરી સુચારૂ રૂપે ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ છેલ્લે એનએચઆઈ દ્વારા આનું પ્રપોઝલ સરકારમાં મોકલવામાં આવશે. હાલમાં કેટલાક ખેડૂતો અને જુદી-જુદી ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી છે. હિરાસર-ગોંડલ સીકસલેન ગ્રીન કોરીડોર અંગે કલેકટર દ્વારા આજે પત્રકારોને વિવિધ સંકેત અપાયા હતા.
એલિવેટેડ કોરિડોર બનવા જઈ રહ્યો છે, જેના કારણે આરઓડબલ્યુ વધારે રહેશે, એક્ચ્યુઅલ કન્સ્ટ્રક્શન ઓછું હશે અને ખેડૂતોને વધુ જગ્યા જશે તેમજ વળતર સારું નહીં મળે. આ પ્રકારની અસંખ્ય અફવાઓ અને પ્રશ્નો ખેડૂતોમાં ઉભા થયા છે. આ અંગે સ્પષ્ટતા કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી જીએમએસ પ્રક્રિયા અંતર્ગત જેટલા પણ ગામડાઓ અને ખેડૂતો આવ્યા છે, તે તમામ સાથે યોગ્ય સમજૂતી કરવામાં આવી છે.
કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એલિવેટેડ કોરિડોર અંગેની જે પણ કરવામાં આવી રહી છે, તેવું કોઈ પણ ઓફિશિયલ નક્કી થઈને નથી આવ્યું. આ અંગે અંતિમ નિર્ણય એનએચઆઈ દ્વારા જ લેવામાં આવશે. વળી, એલિવેટેડ કોરિડોર સામાન્ય રીતે એક્સઙ્ઘેસ વે પર બનતો હોય છે અને તે નાણાકીય દૃષ્ટિએ પણ ખૂબ મોંઘો હોય છે, જેથી હાલ તબક્કે તેની શકયતાઓ ઘણી ઓછી જણાય છે. છતાં અંતિમ નિર્ણય એનએચઆઈ જ લેશે.
કોઈપણ રોડ પ્રોજેક્ટ અથવા એનએચઆઈના પ્રોજેક્ટમાં નિયમ મુજબ રોડ ભલે ૭ મીટરનો હોય, પરંતુ ભવિષ્યના એક્સપન્શનને ધ્યાનમાં રાખીને તેની આજુબાજુ વધારાની જગ્યાનું સંપાદન થતું હોય છે, જેને આરઓડબલ્યુ કહેવામાં આવે છે. ખેડૂતોને આ અંગે પણ પૂરતી સમજૂતી આપવામાં આવી છે.વળતર અને જમીન સંપાદનની પદ્ધતિ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે અત્યાર સુધી જેટલા પણ રોડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા છે, તે જ પ્રચલિત વળતરની પદ્ધતિ આમાં પણ અપનાવવામાં આવશે, આમાં કોઈ નવી વળતર પદ્ધતિ અપનાવવામાં આવનાર નથી.
જમીન સંપાદન પ્રોજેક્ટમાં કયારેય પણ અન્ય જગ્યાએ જમીન કે કોમ્પેન્સેટરી લેન્ડ એલોકેશનની કોઈ જોગવાઈ હોતી નથી. જ્યાંથી રોડ પસાર થશે ત્યાં જ જમીન સંપાદન કરવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી ઓનગોઈંગ છે, જે એનએચઆઈ અને ડીએલઆર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
(3:40 PM IST)










