<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

વેતન વધારો આપો...૪૦થી વધુ નગરસેવકોએ નાક દબાવ્‍યું!

મહિલા કોર્પોરેટરોએ આગેવાની લઇ ઝુંબેશ પૂર્ણ કરીઃ કેટલાકને અનિચ્‍છા છતાં સાથે રહેવા લેખીત સહમતી આપી હાલના રૂ. ૧૫ હજારથી સીધા રૂ. ૫૦ હજાર કરવા માંગઃ અગાઉ સંકલનમાં મૌખિક રજૂઆત બાદ હવે લેખિત પત્રઃ સંકલન બાદ મેયરને રૂબરૂ રજૂઆતઃ કોર્પોરેટરોની સહી સાથે પાંચેય પદાધિકારીઓને પત્ર સોંપાયો

રાજકોટ ,તા.૧૦: મહાનગરપાલિકાના કોર્પોરેટરોને હાલ મળતું રૂ. ૧૫ હજારનું માનદ વેતન વધારીને સીધું રૂ. ૫૦ હજાર કરવાની માંગ હવે વધુ જોર પકડી રહી છે. અગાઉ આ મુદ્દે સંકલન બેઠકમાં મૌખિક રજૂઆત કરવામાં આવ્‍યા બાદ ગઈકાલે મહિલા કોર્પોરેટરોએ ફરી મેયર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. એટલું જ નહીં, માનદ વેતન વધારવાની માંગ કરતા પત્રમાં અંદાજે ૪૦ જેટલા કોર્પોરેટરોની સહીઓ મેળવી પાંચેય પદાધિકારીઓને પત્ર આપવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

રાજકોટ મહાનગરપાલિકાના નગરસેવકોને હાલમાં દર મહિને રૂ. ૧૫ હજાર માનદ વેતન મળે છે. આ રકમ ઓછી હોવાનું જણાવી કેટલાક કોર્પોરેટરો દ્વારા છેલ્લા કેટલાક સમયથી માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. અગાઉ સંકલન બેઠક દરમિયાન પણ મહિલા કોર્પોરેટરો સહિતના નગરસેવકોએ આ અંગે મૌખિક રજૂઆત કરી હતી.

દરમિયાન ગઈકાલે સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક અને સંકલન પૂર્ણ થયા બાદ માનદ વેતનનો મુદ્દો ફરી સપાટી પર આવ્‍યો હતો. મહિલા કોર્પોરેટરોએ મેયરને રૂબરૂ મળી આ વખતે મૌખિક નહીં પરંતુ લેખિત રજૂઆત કરી હતી. કોર્પોરેટરોનું હાલનું રૂ. ૧૫ હજારનું માનદ વેતન વધારી રૂ. ૫૦ હજાર કરવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે માનદ વેતન વધારવાની આ માંગને વ્‍યાપક સમર્થન મળે તે માટે કોર્પોરેટરોની સહીઓ પણ લેવામાં આવી હતી. મળતી વિગતો મુજબ આશરે ૪૦ જેટલા કોર્પોરેટરોએ પત્રમાં સહી કરી છે. આ પત્ર માત્ર મેયરને જ નહીં પરંતુ મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓને આપવામાં આવ્‍યો છે. આમ, અગાઉ સંકલનમાં મૌખિક રીતે શરૂ થયેલી માનદ વેતન વધારાની માંગ હવે લેખિત રજૂઆત સુધી પહોંચી છે. હાલના રૂ. ૧૫ હજાર સામે સીધા રૂ. ૫૦ હજારની માંગ એટલે કે માસિક માનદ વેતનમાં રૂ. ૩૫ હજારનો વધારો માગવામાં આવ્‍યો છે. હવે પાંચેય પદાધિકારીઓ આ રજૂઆત અંગે શું વલણ અપનાવે છે અને કોર્પોરેટરોની આ માંગ આગળ સરકાર સુધી પહોંચાડવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

(3:07 PM IST)