તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 18th April 2026
ગોંડલ જઇ રહ્યાનું કહીને નીકળેલા સાણથલીના ગીરીશભાઇએ વાડીએ જઇ આપઘાત કરી લીધો
ઝેર પી મિત્રને ફોન કરીને કહ્યું- હું દવા પી ગયો છું, મને હવે દવાખાને ન લઇ જતાં: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયોઃ આપઘાતના કારણ અંગે પરિવારજનો અજાણ

રાજકોટ તા. ૧૮: જસદણના સાણથલી ગામે રહેતાં આધેડે ગઇકાલે પોતે ગોંડલ કામ માટે જઇ રહ્યા છે તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ પોતાની વાડીએ જઇ ઝેર પી લેતાં સારવારમાં મોત થયું છે. ઝેર પીધા બાદ મિત્રને ફોન કરીને કહ્યું હતું કે હું દવા પી ગયો છું, મને હવે દવાખાને લઇ જતાં નહિ. ઘટનાની જાણ થતાં પરિવારજનો વાડીએ પહોંચ્યા હતાં અને સારવાર માટે રાજકોટ ખસેડયા હતાં. પરંતુ સારવાર કારગત નીવડી નહોતી.
જાણવા મળ્યા મુજબ સાણથલીમાં બસ સ્ટેશન પાસે રહેતાં ગીરીશભાઇ પરષોત્તમભાઇ પણસાડા (ઉ.વ.૪૫) નામના આધેડે ગઇકાલે સવારે અગીયારેક વાગ્યે ગામમાં જ આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારા ગીરીશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. અગાઉ તેમના છુટાછેડા થઇ ગયા હતાં. તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સગાના કહેવા મુજબ ગઇકાલે ગીરીશભાઇ પોતે કામ માટે ગોંડલ જાય છે તેમ કહીને ઘરેથી સવારે નીકળ્યા હતાં. બાદમાં તેણે પોતાના મિત્રને ફોન કરી પોતે વાડીએ દવા પી ગયા છે અને હવે દવાખાને લઇ જતાં નહિ તેવી વાત કરતાં મિત્રએ અમને પરિવારજનોને જાણ કરતાં અમે તત્કાળ વાડીએ પહોંચી તેમને સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ આટકોટ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(1:22 PM IST)










