તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 8th May 2026
ગોંડલ રોડ ચોકડીએ સર્જાયેલા અકસ્માતમાં થાનના ગીતાબેન પાટડીયાનું મોતઃ કુલ મૃત્યુઆંક ૩ થયો
પાટડીયા-પ્રજાપતિ પરિવાર ગોંડલથી લોૈકિકેથી પરત આવતો હતો ત્યારે તેમની ઇકો કાર રાજકોટમાં સ્કોર્પિયોની ઠોકરે ચડી હતીઃ ગીતાબેનના પતિ-જેઠના સોમવારે જ મૃત્યુ થયા હતાં: રાજકોટ-થાનના પરિવારોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૮: ગયા સોમવારે બપોર બાદ ગોંડલ રોડ ચોકડી નજીક ટાટાના શો રૂમ પાસે સ્કોર્પિયોના ચાલકે ઇકો કારને ઉલાળી દેતાં ઇકોમાં બેઠેલા રાજકોટ, થાનના બે સગા ભાઇ પ્રજાપતિ વૃધ્ધના મોત થયા હતાં. આ અકસ્માતમાં પતિ અને જેઠ ગુમાવનારા થાનગઢના મહિલાનું પણ આજે સવારે સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ચાર દિવસ પિતા ગુમાવનારા સંતાનોએ હવે માતા પણ ગુમાવી દીધા છે. આ પરિવારના સભ્યો ગોડલ લોૈકિકના કામે ગયા હતાં અને ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ જાણવા મળ્યા મુજબ બપોરે ગોંડલ રોડ ચોકડીએ સોમવારે બપોર બાદ ઇકો અને સકોર્પિયો અથડાતાં સાતથી આઠ લોકોને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઇમર્જન્સી વોર્ડના સ્ટાફે તુરત જ ઘાયલોની સારવાર શરૂ કરી હતી. જો કે ગંભીર ઇજા પામનાર બે સગા ભાઇઓ મગનભાઇ તળશીભાઇ પાટડીયા-પ્રજાપતિ (ઉ.વ.૬૦-રહે. રાજકોટ ચુનારાવાડ ચોક) તથા તેમના ભાઇ શામજીભાઇ તળશીભાઇ પાટડીયા (ઉ.વ.૬૩-રહે. થાનગઢ)ના મોત થયા હતાં. જ્યારે બંનેના પત્નિ હંસાબેન મગનભાઇ પાટડીયા (ઉ.વ.૫૫) અને ગીતાબેન શામજીભાઇ પાટડીયા (ઉ.વ.૬૦) સહિત છ લોકોએ ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
સારવાર દરમિયાન મૃતક થાનગઢના શામજીભાઇ પાટડીયાના પત્નિ ગીતાબેન (ઉ.વ.૬૦)નું પણ આજે મૃત્યુ થતાં આ અકસ્માતનો મૃત્યુઆંક ત્રણ થયો છે. મૃત્યુ પામનાર ગીતાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તેમના પતિ થાનમાં લેથનું કારખાનુ ચલાવતાં હતાં. ચાર ભાઇ-બહેને પિતાના મૃત્યુના ચાર દિવસ બાદ માતા પણ ગુમાવી દેતાં કલ્પાંત સર્જાયો છે. મૃતક શામજીભાઇના માસીના દિકરાનું ગોંડલ ખાતે અવસાન થયું હોઇ બધા ત્યાં ઇકો કાર બાંધી લોૈકિકે ગયા તાં. ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો. આજીડેમ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.
(10:46 AM IST)










