તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ધાડ પાડે એ પહેલા ગેંગને શહેર એસઓજીએ દબોચી
યુપી, બિહાર, મુંબઇના પાંચને પિસ્તોલ, ધોકા, છરી, સ્ટીક, ડીસમીસ સાથે પક્ડાયા : જુનાગઢ-જામનગર-મોરબીમાં પણ ધાડ પાડવાની હતી : રેકી કરી આંગડીયા પેઢી લૂંટવાની હતીઃ યુપી પ્રતાપગઢના જાકીરઅલી, બિહાર ચંપારણના રંજનકુમારસિંગ, યુપી મહારાજગંજના સૈયદુદિન, મુંબઇ વડાલાના મહમદ અરબાઝ શેખ, થાણે કોલીવાડાના સંજયસિગને એક્સયુવી કાર સાથે પકડી લેવાયાઃ યુપી પ્રતાપગઢનો મહેબૂબ પ્લાનના ભાગ રૂપે પિસ્તોલ આપી કુવાડવા ચોકડીએ ઉતરી ગયો : સોૈ પહેલા જુનાગઢમાં આંગડીયા પેઢીને લૂંટવાનો પ્લાન ઘડયો હતોઃ બાદમાં બીજા શહેરમાં ત્રાટકવાનું હતું : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાની બાતમી

ધાડ પાડવા નીકળેલા યુપી-બિહારની ટોળકીના પાંચ શખ્સો સાથે એસઓજી પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમ તથા જપ્ત થયેલી કાર, હથીયારો અને આરોપીઓને લઇ આવતી ટીમ જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૬: જુનાગઢમાં આંગડીયા પેઢીની રેકી કરી ધાડ પાડવા નીકળેલા યુપી, બિહાર, મુંબઇની ગેંગના પાંચ શખ્સોને રાજકોટ શહેર એસઓજીએ કુવાડવા ગામની વાંકાનેર ચોકડી પાસેથી એક્સયુવી કારમાં પિસ્તોલ, ધોકા સહિતના હથીયારો સાથે દબોચી લીધા છે. ઝડપાયેલામાં એક બિહારનો રીઢો ગુનેગાર છે. કુલ છ શખ્સો પ્લાન ઘડીને નીકળ્યા હતાં. બિહારનો એક શખ્સ આ ટોળકીને એક પિસ્તોલ આપી કાવતરાના ભાગ રૂપે કુવાડવા ચોકડીએ ઉતરી ગયો હતો. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જુનાગઢમાં આંગડીયા પેઢીને લૂંટી લીધા બાદ આ ટોળકી સોૈરાષ્ટ્રના અન્ય શહેરમાં પણ આવો ગુનો આચરવાની હોવાનું ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ એસઓજીની ટીમ હાલમાં દિવાળીનો તહેવાર નજીક હોઇ ચોરી, લૂંટ, સહિતના ગુના ન બને અને કોઇ ગેરકાયદે હથીયારો સાથે નીકળતાં હોય તો તેને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમના એએસઆઇ રવિભાઇ ડી. વાંક, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા, એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળી હતી કે ચોટીલા તરફથી રાજકોટ તરફ એક શંકાસ્પદ મહારાષ્ટ્ર પાસીંગની એક્સયુવી કાર આવી રહી છે અને તેમાં બેઠેલા શખ્સો પાસે હથીયારો છે. આ શખ્સો કોઇ ગુનાને અંજામ આપવા નીકળ્યા છે. આ બાતમીને આધારે ટીમે કુવાડવાની વાંકાનેર ચોકડીએ વોચ રાખી હતી.
આ દરમિયાન એમએચ૦૬બીઇ-૩૧૬૫ નંબરની કાર આવતાં જ પોલીસે તેને આંતરી હતી. આ સાથે જ એક શખ્સ ઉતરીને ભાગી ગયો હતો. બાકીના પાંચ જણા અંદર બેઠા હતાં. પોલીસે તમામને સકંજામાં ઇ પુછતાછ કરતાં અને કારની તલાસી લેતાં શંકા વધુ દ્રઢ બની હતી. કેમ કે કારમાંથી બેઝબોલના ધોકા, ડીસમીસ, એલ્યુમિનીયમની સ્ટીક જેવા હથીયારો મળી આવ્યા હતાં. કારમાં બેઠેલા શખ્સોની પુછતાછ કરતાં પોતાના નામ જાકીરઅલી લીયાકતઅલી (ઉ.વ.૫૫-ધંધો ખેતી, રહે. ભોલીયાપુર દહીલામઉ દેહાત, પ્રતાપગઢ યુપી), રંજનસિંગ ફિરંગીસિંગ રાજપૂત (ઉ.વ.૫૨-ખેતીકામ, રહે. ફટખોલી, પヘીમ ચંપારણ, બિહાર), સૈયદુદિન નજીમીયા અંસારી (ઉ.વ.૫૧-છુટક મજૂરી, રહે. જયસ્વાલનગર મહારાજગંજ યુપી), મહમદ શાહબાઝ શેખ (ઉ.વ.૩૧-ધંધો ડ્રાઇવીંગ, રહે. મુળ બીલખરી, ઉડકડી પોસ્ટ પ્રતાપગઢ યુપી, હાલ વડાલા ઇસ્ટ મુંબઇ) તથા સંજય સુર્યનારાયણ સિંગ (ઉ.વ.૪૮-ધંધો ડ્રાઇવીંગ, રહે. ગવતેચલા ચોલી રૂમ નં. ૧, વીટાવા કોલીવાડા જી. થાણે મહારાષ્ટ્ર) જણાવ્યા હતાં.
વધુ પુછતાછમાં જાકીરઅલીએ એક્સયુવી કાર પોતાની હોવાનું કબુલ્યું હતું. કારમાં જડતી કરતાં લીલા કલરનો બેઝબોલનો ધોકો, એલ્યુમિનીયમ સ્ટીક, ડેસબોર્ડમાંથી ડીસમીસ, લીલા કલરના મ્યાનવાળી છરી મળી આવી હતી. તેમજ ડ્રાઇવર સીટની બાજુમાં એક પ્લાસ્ટીકનું ઝબલુ હોઇ તે ખોલીને જોતાં અંદરથી દેશી બનાવટની મેઇડ ઇન યુએસએના માર્ક વાળી પિસ્તોલ મળી આવી હતી.
પોલીસે પાંચેયની વધુ પુછતાછ શરૂ કરતાં ફર્યુ ફર્યુ બોલતાં હતાં. આથી તમામને હસ્તગત કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો દાખલ કરાવાયો હતો. આ પછી યુક્તિ પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતાં કબુલાત આપી હતી કે આ તમામ મુંબઇ ખાતે ભેગા થયા બાદ સોૈરાષ્ટ્રમાં લૂંટ ધાડ કરવાનો પ્લાન ઘડીને નીકળ્યા હતાં. સોૈ પહેલા જુનાગઢ જઇ ત્યાં આંગડીયા પેઢીની રેકી કરી મોટી રકમ લૂંટી લેવાનો પ્લાન હતો.
પોલીસે ઝડપાયેલા પાંચેયની ગુનાહિત હિસ્ટ્રી તપાસતાં રંજનકુમારસિંગ અગાઉ બિહારમાં ચોરી, લૂંટ, ધાડ, માદક દ્રવ્યો સહિતના આઠેક ગુનામાં સામેલ હોવાનું કબુલ્યું હતું. બીજા ચારે પણ પોતે અગાઉ ગુનામાં પકડાઇ ગયાની કબુલાત આપી હતી. કારમાંથી પિસ્તોલ મળી તે અંગેની પુછતાછ થતાં આ શખસોએ કહ્યું હતું કે મુળ યુપીના પ્રતાપગઢના પતી તાલુકાના કોહડોર ગામનો મહેબૂબ પણ પોતાની સાથે ટીમમાં હતો. પરંતુ કાવતરાના ભાગ રૂપે એટલે કે જુનાગઢ કઇ રીતે જવું, ત્યાં કઇ આંગડીયા પેઢીને લૂંટવી તે સહિતની વિગતો પાક્કી કરવા તે કુવાડવા ચોકડી નજીક જ ઉતરી ગયાનું અને પિસ્તોલ કારમાં મુકીને ગયાનું કબુલ્યું હતું.
એસઓજી પીએસઆઇ બી. વી. ચુડાસમાએ પકડાયેલા પાંચ અને એક ફરાર મળી છએય વિરૂધ્ધ કાવતરૂ ઘઢી લૂંટ ધાડને અંજામ આપવા નીકળ્યાનો ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ યથાવત રાખી છે. પ્રાથમિક તપાસમાં એવી હકિકત પણ સામે આવી હતી કે જૂનાગઢમાં આંગડીયા પેઢીને લૂંટી લે પછી સોૈરાષ્ટ્રના બીજા શહેરમાં પણ આ ટોળકી ત્રાટકવાની તૈયારી સાથે આવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ રવિભાઇ ડી. વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, ભરતસિંહ પરમાર, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકા, કોન્સ. ધ્રુવરાજસિંહ ગોહિલ, ડ્રા. કોન્સ. નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
પોલીસ તપાસમાં એવી પણ માહિતી ખુલી છે કે જૂનાગઢમાં લૂંટ ચલાવ્યા બાદ જામનગર, મોરબીમાં પણ આ ટોળકી ત્રાટકવાની હતી. આંગડીયા પેઢીના કોઇ કર્મચારીને આ પ્લાનમાં સામેલ કર્યા હતાં કે કેમ? તે સહિતની વિગતો મેહેબૂબ પકડાયા બાદ બહાર આવશે. પોલીસે આ ટોળકી પાસેથી ૧૦ હજારની પિસ્તોલ, ૧૦૦ રૂપિયાની છરી, બેઝબોલનો ધોકો, રોકડા રૂા. ૬૨૦૦, સ્ક્રુ ડ્રાઇવર, ૫ લાખની કાર, ૪૫ હજારના ૯ મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૫,૬૧,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. (૧૪.૭)
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ઞ્જએસઓજીએ ધાડ પાડવા નીકળેલા જે પાંચ શખ્સો પકડયા છે તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં રંજનસિંગ અગાઉ બિહારમાં લૂંટ, ધાડ-માદક દ્રવ્ય, આર્મ્સ એક્ટના ૯ ગુનામાં અને સૈયદુદિન ખૂન, લૂંટ, ધાડ, મારામારી, જાકીરઅલી ચોરી-લૂંટ મારામારીમાં સામેલ હોવાનું ખુલ્યું છે.
(2:26 PM IST)










