<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ગાંધીગ્રામ પોલીસે એસકે ચોક પાસેથી પાનના ધંધાર્થી નરસિંહ નાગરને ગાંજા સાથે પકડયો

અગાઉ પણ આ શખ્‍સને પ્ર.નગર પોલીસે ગાંજા સાથે પકડયો હતોઃ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ અને ટીમની કામગીરીઃ રોહિતદાન ગઢવી, રવિભાઇ ગઢવી અને શબ્‍બીરખાન મલેકની બાતમી

 

રાજકોટ તા. ૨૦: ગાંધીગ્રામમાં રહેતાં અને પાનની કેબીન ચલાવતાં શખ્‍સને ગાંધીગ્રામ પોલીસે ગાંજા સાથે પકડી લીધો છે. પાન બીડીના ધંધાથી આડમાં આ શખ્‍સ ગાંજાની પડીકીઓ બનાવીને વેંચતો હતો. અગાઉ પ્ર.નગર પોલીસે તણ આ શખ્‍સને આવા એક કેસમાં પકડયો હતો. યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ આ કામગીરી કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામ ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે શબ્‍બીરભાઇ મલેક, રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવીને મળેલી બાતમી પરથી ગાંધીગ્રામ એસકે ચોકની બાજુમાં શેરી નંબર ૨-બ ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરીમાંથી એક શખ્‍સને સકંજામાં લેવાયો હતો. આ શખ્‍સ પાસે ગાંજો હોવાની પાક્કી માહિતી હોઇ તેની તલાશી લેતાં શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનું ખુલ્‍યું હતું.

શખ્‍સની પુછતાછ થતાં તેણે પોતાનું નામ નરસિંહ મુળજીભાઇ નાગર (ઉ.વ.૪૫-ગાંધીગ્રામ એસકે ચોક, મંદિરવાળી શેરી) જણાવ્‍યું હતું. તેની પાસેથી રૂા. ૧૬૦૩૩નો ૩૦૨.૬૬ ગ્રામ ગાંજો મળી આવતાં પીએસઆઇ વી. ડી. રાવલીયાએ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી તેની અટકાયત કરી હતી. ગાંજો તેમજ મોબાઇલ ફોન મળી રૂા. ૨૧૦૩૩નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. પીળા રંગના પ્‍લાસ્‍ટીકના ઝબલામાં ગાંજો ભરેલો હતો. વધુ તપાસ પીએસઆઇ એ. બી. ચાવડા કરે છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ઝડપાયેલો નરસિંહ નાગર હાલ પાન બીડીની કેબીન ચલાવે છે અને સાથ સાથે છુટક પડીકી બનાવી ગાંજો પણ વેંચતો હતો. હજુ ગયા વર્ષે જ તેને પ્ર.નગર પોલીસે પણ ગાંજા સાથે પકડયો હતો. જેલમાંથી છુટીને થોડો સમય પાન-બીડી વેંચ્‍યા બાદ ફરીથી માદક પદાર્થ લાવીને વેંચવાનું ચાલુ કર્યુ હતું. વિશેષ તપાસ માટે રિમાન્‍ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્‍બીરભાઇ મલેક, ભવદીપસિંહ ગોહિલ, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, પ્રશાંતભાઇ ગજેરા,  કોૈશિકભાઇ ડાંગર, પ્રેક્ષાબેન આહિર, એસઓજીના એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા સહિતે આ કામગીરી કરી છે.

(2:53 PM IST)