<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વોર્ડ નં. ૧૪ના મયુર પાર્ક પાસે વારંવાર ભુગર્ભ ગટર ઉભરાતા હેરાનગતી

પાઇપલાઇન બદલવા પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઇ બાંભણીયાની કોર્પોરેશન તંત્રને રજૂઆત

 

 

રાજકોટ, તા. ૧૭: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ રાજકોટ મ્‍યુનીશીપલ કમિશનરશ્રીને પત્ર પાઠવીને ભકિતનગર સર્કલ પાસે ભુગર્ભ ગટર યોજનાની પાઇપ લાઇન બદલવા માંગ કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યૂ છે કે, ભકિતનગર સર્કલ પાસે જયનાથ હોસ્‍પીટલની સામે (વોર્ડ નં. ૧૪) મયુરપાર્કના ગેટ પાસેની મેઇન રોડ ઉપરની ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાય છે. અનેક વખત ફરિયાદો થઇ છે. રીપેર કરવા છતાં તેનો ઉકેલ આવતો નથી. મયુર પાર્ક વાળી બંધ શેરી છે તેમાં રહેતા લોકોને આ ગંદકીના પાણીમાંથી ચાલીને બહાર જવું પડે છે. જાહેર રસ્‍તામાં મોટા પાયે પાણી ભરાતુ હોવાથી મોટર સાયકલ કે અન્‍ય વાહનવાળા પસાર થતી વખતે ચાલીને જતી વ્‍યકિતને છાંટા ઉડવાથી કપડા ખરાબ થઇ જવાની ભીતી રહે છે. અમો આ બાજુના વિસ્‍તારમાં રહેલા લોકોને કાયમી મોટા ભાગે આ ગંદવાડના પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવાર મનમાતીર્થ (૧૦ માળના) બિલ્‍ડીંગના પાણીથી ગટર ઉભરાયા કરે છે.

અગાઉના વખતમાં ગીતા મંદિર સામેના આ વિસ્‍તારમાં ખુલ્લી જગ્‍યા હતી. રહેણાંક વિસ્‍તાર ઓછો હોવાના લીધે નાની સાઇઝની પાઇપ નાખવામાં આવી હોય એવું અમારૂ માનવું છે. હાલમાં આ વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટ, મનસાતીર્થ બિલ્‍ડીંગ, મયુરપાર્ક તેમજ અન્‍ય રહેણાંકના મકાનો બનવાથી જનસંખ્‍યા વધવાથી આ પાઇપલાઇનને બદલે મોટી પાઇપ નાખવાની જરૂરત છે. ગાડી કે માણસો મારફત અનેક વખત સફાઇ કરવા છતાં ઉકેલ આવતો નથી. આ વિસ્‍તારના લોકોનો તથા જાહેર મેઇન રોડનો રસ્‍તો હોય આ કાયમી ત્રાસ દુર થાય તે માટે મોટી પાઇપ નાખવાની કામગીરી વહેલી તકે થાય તે માટે યોગ્‍ય કરવા ભીખાભાઇ બાંભણીયાએ માંગણી કરી છે.

આ અંગે મેયર, શાસક પક્ષના નેતા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન, ડ્રેનેજ કમિટીના ચેરમેનને પણ ભીખાભાઇ બાંભણીયાએ પત્રથી રજૂઆત કરી છે અને વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટરો મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્‍યકત કરી છે.(

(3:03 PM IST)