<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રોહીદાસપરામાં બાળકો સાથે રમી રહેલી ચાર વર્ષની જીયાંશીનું અર્ટીગા કારની ઠોકરે મોત

બાળકો રમતાં હોઇ ચાલક કાર દૂર લેતો હતો ત્‍યારે કાબુ ગુમાવ્‍યોઃ દંપતિએ લાડકવાયી દિકરી ગુમાવતાં કલ્‍પાંતઃ કારનો ચાલક સગીર હોવાનો બાળકીના પિતાનો આક્ષેપઃ બી-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

 

રાજકોટ તા. ૨૬: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રોહીદાસપરામાં રહેતાં પરિવારની ૪ વર્ષની દિકરી ઘર પાસે બહેનપણી અને બીજા છોકરાઓ સાથે દડેથી રમવા ગઇ ત્‍યારે પટમાં રાખેલી કારને ચાલક દૂર લેતો હતો તે વખતે આ બાળકી કારની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. કારનો ચાલક સગીર હોવાનું મૃતક બાળાના પિતાએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ રોહીદાસપરા શેરી નં. ૬માં રહેતી જીયાંશી મહેશભાઇ ચુડાસમા (ઉ.વ.૪) ઘર નજીક પટમાં બહેનપણી અને બીજા છોકરાઓ સાથે રમવા ગઇ ત્‍યારે અર્ટીગા કારની ઠોકરે આવી જતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. મૃત્‍યુ પામનાર જીયાંશી એક ભાઇથી મોટી હતી અને આંગણવાડીમાં અભ્‍યાસ કરવા જતી હતી. તેના પિતા મહેશભાઇ ચુડાસમા મજુરી કરી ગુજરાન ચલાવે છે.

પિતા મહેશભાઇએ જણાવ્‍યું હતું કે દિકરી જીયાંશીને બહેનપણી રમવા માટે બોલાવવા આવતાં તે બહાર ગઇ હતી. બાદમાં આ બંને અને બીજા છોકરા નજીકના પટમાં દડાથી રમવા ગયા ત્‍યારે ત્‍યાં અર્ટીગા કાર પાર્ક કરેલી હોઇ કારવાળાને થોડી દુર કાર લેવાનું બાળાઓએ કહેતાં એક છોકરો આવ્‍યો હતો અને કાર દુર લેતો હતો ત્‍યારે કોઇપણ કારણોસર તેણે કાબુ ગુમાવતાં જીયાંશી ઠોકરે ચડી જતાં તેને માથા-મગજ-મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેણીને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું. મહેશભાઇએ જણાવ્‍યું હતું કે કારનો ચાલક સગીર વયનો હતો. ગોકુલ હોસ્‍પિટલ મારફત જાણ થતાં બી-ડિવીઝનના સ્‍ટાફે પ્રાથમિક કાર્યવાહી કરી બાળાના મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. આગળની તપાસ ભગવતીપરા ચોકીના ઇન્‍ચાર્જ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(3:12 PM IST)