<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

નવા નાકા કંસારા બજાર પાછળ કંસારા વેપારીની દૂકાનમાં ચાર ચોર ત્રાટક્‍યાઃ ૪.૭૮ લાખની ચોરી

ગઢની રાંગની દિવાલ પરથી ત્રિભુવનદાસ દામોદારદાસ શેઠ નામની પેઢીના ઉપરના માળે થઇ ચોર અંદર ઘુસ્‍યાઃ વેપારી સચીનભાઇ શેઠની ફરિયાદઃ સીસીટીવી ફૂટેજને આધારે એ-ડિવીઝન પોલીસે શોધખોળ શરૂ કરી

 

રાજકોટ તા. ૩: શહેરમાં કંસારા બજારની પાછળની શેરીમાં આવેલી દૂકાનમાં ચાર ચોર ત્રાટકી રોકડ રકમ તેમજ જર્મન સિલ્‍વરના વાસણો, તાંબાના સિક્કા, પિત્તળનો ભંગાર મળી પોણા પાંચ લાખની માલમત્તા ચોરી જતાં બજારમાં ચકચાર મચી ગઇ છે.  ચાર તસ્‍કર સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. તસ્‍કરો રાત્રીના ત્રણથી સવારના ચાર સુધીમાં ગઢની રાંગની દિવાલથી ત્રીજા માળેથી આ દૂકાનમાં ઘુસીને હાથફેરો કરી ગયા હતાં.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્કની બાજુમાં મારૂતિનગર-૧માં રહેતાં વેપારી સચીનભાઇ રસિકલાલ શેઠ-કંસારા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ચાર તસ્‍કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સચીનભાઇ શેઠ પરિવાર સાથે રહે છે અને નવા નાકા રોડ ગઢની રાંગ કંસારા બજાર પાછળની શેરીમાં ત્રિભુવનદાસ દામોદરદાસ શેઢ નામની પેઢી ચલાવે છે.

તેમણે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે વેપારી સચીનભાઈ ગત તારીખ ૨૮/૬ના રોજ સાંજના સમયે પોતાની બે માળની દુકાનને તાળા મારીને સુરેન્‍દ્રનગર ખાતે સામાજિક કામ અર્થે ગયા હતા. દરમિયાન ગઇકાલે બીજી જુલાઇના રોજ વહેલી સવારે ચારેક વાગ્‍યે તેમના મોટાબાપાના દીકરા દિલીપભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે આપણી દુકાનમાં ચોરી થઈ છે. દિલપીભાઇને આ ચોરીની જાણ રાજકોટ મહાનગરપાલિકાની કચરા પેટીની ગાડી ચલાવતા પિન્‍ટુભાઈ મગનભાઈ ગાહેલે કરી હતી. પિન્‍ટુભાઇએ  વહેલી સવારે દુકાન પાસેથી ચાર અજાણ્‍યા શખ્‍સોને શંકાસ્‍પદ હાલતમાં ભાગતા જોયા હતાં.

આ વાત જાણી વેપારી સચીનભાઇએ દુકાને આવીને તપાસ કરતા ભોંયતળિયે આવેલા કાઉન્‍ટરમાંથી રોકડા રૂા. ૧,૫૨,૦૦૦ ગાયબ હતા. જ્‍યારે દુકાનના ઉપરના માળે, જ્‍યાં જૂનો સામાન અને ભંગાર રાખવામાં આવે છે ત્‍યાં તપાસ કરતાં ત્‍યાંથી પણ ૧૧૦૦ ગ્રામ ચાંદીની ચમચી અને લોટી કિંમત રૂા. ૧,૮૦,૦૦૦, ૬૪૦ ગ્રામ ચાંદીનો છુટક ભંગાર કિંમત રૂા. ૯૫,૦૦૦, જર્મન સિલ્‍વરનો મંદિરનો સામાન, હિંચકાના સળીયા, સાંકળ, વાટકા, ડીશ તેમજ તાંબા-પિત્તળના જૂનવાણી સિક્કા અને વાસણો સહિત કુલ રૂા. ૩,૨૬,૨૫૦ ના ભંગારની ચોરી થયાનું જણાયું હતું. આમ કુલ મળી તસ્‍કરો રૂા. ૪,૭૯,૨૫૦ની માલમત્તા ચોરી ગયાનું જણાયું હતું.  વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે તસ્‍કરોએ દુકાનની પાછળ આવેલી ગઢની રંગની દિવાલ પરથી બીજા માળના કેબિનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપી સીડી વાટે નીચે ઉતરી રોકડા રૂપિયા પણ ચોરી લીધા હતા. એ-ડિવીઝનના પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. ટી. ઝીંઝાળાએ ગુનો દાખલ કરતાં  ડી. સ્‍ટાફની ટીમે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. બજારમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ચર્ચા જાગી છે.

(3:07 PM IST)