તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
હૃદય બંધ પડી જવાથી આરએમસી કર્મચારી સહિત ચાર લોકોના મૃત્યુ
સ્લમ ક્વાર્ટરના સુરજભાઇ ગોહેલ, ભગવતીપરાના યુનુસભાઇ હરજાદા, માલિયાસણમાં તમિલનાડુના આધેડ શંકરભાઇ અને ધરમ ટોકીઝ પાછળ રહેતાં ખીમશીભાઇ મોરીએ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: હૃદયના ધબકારા ચુકી જવાને કારણે મૃત્યુના વધુ ત્રણ બનાવ બન્યા હતાં. એક વૃધ્ધનું ગભરામણ થયા બાદ હોસ્પિટલે ખસેડાયા પછી મૃત્યુ થયું હતું.જ્યારે બેભાન હાલતમાં એક યુવાન, પ્રોૈઢ અને એકવૃધ્ધના મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતાં સુરજભાઇ શાંતિલાલ ગોહેલ (ઉ.વ.૫૦) ઘરે હતાં ત્યારે તબીયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ મ્યુ. કોર્પોરેશનમાં કન્જરવન્સી વિભાગમાં ફરજ બજાવતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. તેમને આંચકીની તકલીફ પણ હતી. ગઇકાલે હૃદય રોગનો હુમલો આવી ગયા બાદ મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં ભગવતીપરામાં સુભાષ બ્રીજ પાસે રહેતાં યુનુસભાઇ નુરમહમદભાઇ હરજાદા (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ તજાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા તથા અપરિણીત હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સગાએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં તામીલનાડુ કલ્લીપુર વેલ્લોરીના શંકરભાઇ રંગનભાઇ (ઉ.વ.૪૫) માલિયાસણ ખાતે શ્રીરામ ટ્રાન્સપોર્ટ પાસે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
હાર્ટએટેકના ચોથા બનાવમાં જુની ધરમ ટોકીઝ પાછળ સરકારી ક્વાર્ટરમાં રહેતાં ખીમશીભાઇ લક્ષમણભાઇ મોરી (ઉ.વ.૬૮) ઘરે હતાં ત્યારે તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તેમને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે.
ગભરામણ થતાં અને બેભાન હાલતમાં લક્ષમણભાઇ, હર્ષિતભાઇ અને રમેશભાઇના મૃત્યુ
અન્ય બનાવમાં ગોંડલ રોડ આંબેડકરનગર-૧૨માં રહેતાં લક્ષમણભાઇ ચીકાભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૨)ને ઘરે હતાં ત્યારે એકાએક ગભરામણ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ કારખાનામાં કામ કરતાં હતાં અને ત્રણ ભાઇ, એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
આનંદનગર ક્વાર્ટરમાં રહેતાં હર્ષિતભાઇ ચંદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) નામના યુવાનને રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇમાં નાના હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમજ યુનિવર્સિટી રોડ સરિતા વિહાર સોસાયટીમાં રહેતાં રમેશભાઇ બેચરભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. યુનિવર્સિટી પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:47 PM IST)










