<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

‘વાવાઝોડા' સામે ચાર ભાઇઓનું ‘તોફાન' : છરીથી હુમલો કરી તોડફોડ કરી ઘર વેરવિખેર કરી નાખ્‍યું

થોરાળા મેઇન રોડ પર શેરીમાં બેસેલા અનીલ ઉર્ફે વાવાઝોડાને ‘અમે મકાન લીધું છે, શેરીમાં કેમ બેઠો છો? ' કહી ડખ્‍ખો કરતા ચાર ભાઇઓ સામે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા., ૩૧ : થોરાળા મેઇન રોડ પર ટ્રેકટર ચોકથી આગળ મફતીયાપરામાં રહેતા અને ભંગારનો ધંધો કરતા અનિલ ઉર્ફે વાવાઝોડુ દિલીપભાઇ મકવાણા (ઉ.વ.ર૮) થોરાળા મેઇન રોડ પર હતો ત્‍યારે ચાર શખ્‍સોએ અહી અમે મકાન લીધેલ છે તમે શેરીમાં કેમ બેઠા છો ? કહી ચાર શખ્‍સોએ છરી વડે હુમલો કરી તેના ઘરમાં ઘુસી તેના પિતાને તમાચા ઝીંકી ઘરમાં અને ઘર બહાર પાર્ક રીક્ષામાં તોડફોડ કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. આ મામલે અનિલે વિજય રાજેશભાઇ ઉર્ફે રૂડી પરમાર, કમલેશ ઉર્ફે અગો રાજેશભાઇ, અજીત ઉર્ફે ટેબો રાજેશભાઇ અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે ગઇકાલે રાત્રે સાડા અગીયારેક વાગ્‍યે તે થોરાળા મેઇન રોડ પર ચારબાઇ માતાજીના મંદીર પાસે શેરીમાં બેઠો હતો ત્‍યારે ત્‍યાં ધસી આવેલા વિજયે અહી અમે મકાન ભાડે લીધેલ છે. શેરીમાં કેમ બેઠો છો? કહી અપશબ્‍દો બોલી કાઠલો પકડી લઇ છરીનો એક ઘા જમણા પડખામાં ઝીંકી દેતા ઇજા થઇ હતી. જેથી તે ભાગીને ઘરે પહોંચ્‍યા બાદ પરિવારજનોને આ અંગે વાતચીત કરી હોસ્‍પીટલે જવા રવાના થયો હતો. આ સમયે વિજય ઉપરાંત તેના ત્રણેય ભાઇઓ મળી ચારેય આરોપીઓએ તેના ઘર પાસે ધસી જઇ ઘરબહાર પાર્ક રીક્ષાનો કાચ તોડી નાખ્‍યો હતો. ત્‍યાર બાદ ઘરમાં ઘુસી એસી, ટીવી, વગેરેમાં તોડફોડ કરી તેના પિતાને તમાચો ઝીંકી દીધો હતો. બાદમાં ચારેય જેમ ફાવે તેમ બોલી ત્‍યાંથી નિકળી ગયા હતા.

(3:14 PM IST)