<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

જસદણ નજીક ફોરેસ્‍ટ ટીમ પર સોમ પીપળીયાના શખ્‍સોનો ટોળકી રચી હુમલોઃ ફરજમાં રૂકાવટઃ મારી નાંખવાની ધમકી

સરકારી બીડમાં ઢોર ચરાવવા મુદ્દે દાખલ થયેલા ગુનામાં ઓફિસે નિવેદન લખાવવા જણાવતાં ડખ્‍ખોઃ જસદણ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ જસદણ ફોરેસ્‍ટ વિભાગની ટીમ પર પેટ્રોલીંગ દરમ્‍યાન સોમ પીપળીયા ગામના શખ્‍સોએ ટોળકી રચી લાકડીથીે હુમલો કરતાં ફરજમાં રૂકાવટ, હુમલો, ધાકધમકીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સરકારી વીડીમાં ગેરકાયદેસર રીતે ઢોર ચરાવવા બાબતે નિવેદન નોંધવાની કામગીરી કરતી વખતે આરોપીઓએ એકસંપ થઈ ફોરેસ્‍ટ અધિકારીઓ તથા સ્‍ટાફ પર હુમલો કરી  ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવમાં જસદણ પોલીસે મોઢુકાના રાઉન્‍ડ ફોરેસ્‍ટ ઓફિસર દલસુખભાઇ ધીરૂભાઇ કમેળજીળયાની ફરિયાદ પરથી સોમપીપળીયા (વિંછીયા)ના નાગજી રાજા રાતડીયા, જીલા ગોવિંદ રાતડીયા, ભરત નાગજી રાતડીયા, સતા રૂપા રાતડીયા, મોકો કાનજી રાતડીયા, હાથી રાજા રાતડીય અને બે અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.  ફોરેસ્‍ટ ઓફિસર દલસુખભાઈ ધીરૂભાઈ કમેજળીયા અને તેમની ટીમના બીટ ગાર્ડ વિપુલભાઈ સોલંકી, ચોકીદાર બનાભાઈ ઘોરીયા તથા અશ્વિનભાઈ ચૌહાણ સહિતને લઇ કેમ્‍પર ગાડી લઈને ફુલઝર ગામ બહાર નર્સરી પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન સામેથી સોમ પીપળીયા ગામના નાગજી રાજા રતડીયા અને જીલુ ગોવિંદ રતડીયા આવતા દેખાયા હતા. આ બંને શખ્‍સો સામે અગાઉ ફોરેસ્‍ટ વિભાગની સરકારી વીડીમાં ગેરકાયદેસર રીતે ઢોર ચરાવવા અંગે ગુનો દાખલ થયેલ હોઇ તેમની પુછપરછ કરી નિવેદન લેવા માટે ગાડી ઊભી રાખી હતી.

નાગજી રાતડીયાને નિવેદન માટે લઈ જતી વખતે જીલુ રાતડીયા ત્‍યાંથી ભાગી ગયો હતો અને ફોન કરીને સોમ પીપળીયાના ભરત નાગજી રાતડીયા, સતા રૂપા રાતડીયા, મોકો કાનજી રાતડીયા, હાથી રાજા રાતડીયા તથા અન્‍ય અજાણ્‍યા શખ્‍સોને લાકડીઓ સાથે સ્‍થળ પર બોલાવી લીધા હતા. આ તમામ શખ્‍સોએ ફોરેસ્‍ટ ટીમ પર તૂટી પડી ગાળો આપી હતી બીજી વખત અમારો માલ ઢોર ડબ્‍બે પુર્યો તો તમને બધાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

આ હુમલામાં દલસુખભાઈને ગરદન તથા શરીરે લાકડીઓના ઘા વાગતા ચક્કર આવી ગયા હતા. જ્‍યારે વિપુલભાઈને છાતીમાં, બનાભાઈને હાથની આંગળીમાં ફ્રેક્‍ચર અને અશ્વિનભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત વચ્‍ચે બચાવવા આવેલા સ્‍થાનિક નાગરિક મુકેશભાઈ દેવાભાઈને પણ હુમલાખોરોએ લાકડીઓ મારી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્‍ત ફોરેસ્‍ટ સ્‍ટાફને તાત્‍કાલિક સારવાર અર્થે જસદણ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.  જસદણ પોલીસ સ્‍ટેશનના પીઆઇ જે. પી. ગોસાઇએ આ બનાવમાં ગેરકાયદે મંડળી રચી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:14 AM IST)