News of Thursday, 30th July 2026
એમપીથી રાજકોટ આવતી સ્લીપર કોચ બસમાં ચોરખાનામાં દારૂ ભરી આવતાં પાંચ ઝડપાયા
બસના ડ્રાઇવર, ક્લીનર સહિત ૪ જાંબુવાના, એક રાજકોટનો શખ્સ હેરાફેરીમાં સામેલ ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમનો બામણબોર પાસે દરોડોઃ દારૂ-બસ મળી ૧૬ લાખનો મુદ્દામાલ કબ્જેઃ અગાઉ પણ ખેપ મારી હતી એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૩૦: શહેરમાં દારૂ-જુગારની પ્રવળત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આપેલા આદેશ અન્વયે એલસીબી ઝોન-૧ની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પસાર થતી શ્રી બાલાજી નામની ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસની સીટ નીચે છુપાવેલા દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને પકડી લઇ દારૂ, બસ મળી ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બસ મધ્યપ્રદેશના જાંબવાથી રાજકોટ આવી રહી હતી. તેના ડ્રાઇવર, ક્લીનર સહિત પાંચને પકડી લેવાયા છે. અગાઉ પણ આવી ખેપ મારી હોવાનું ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ.કે. મોવલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર અને કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે હાઇવે પર બામણબોર ચેકપોસ્ટથી થોડે આગળ શ્રી બાલાજી ટ્રાવેલ્સની બસ એમપી૦૯એએફ-૩૧૬૭ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં સીટ નીચે બનાવેલા ચોરખાનાઓમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બસના ડ્રાઇવર લેંજુ અદીયા ડામોર (ઉ.વ. ૨૬, રહે. કાકરદા ગામ, કુંદનપુર, તા. રાણાપુર, જી. જાંબુવા એમપી), ક્લીનર સંજય અનિલભાઇ નીનામા (ઉ.વ. ૨૨, રહે. દોતેડ ગામ, કુંદનપુર, તા. રાણાપુર, એમપી), વિજય વિક્રમસિંહ હટીલા (ઉ.વ. ૨૭, રહે. ઉસાલપુરા ગામ, કંજાવાની, તા. રાણાપુર, એમપી), સંજય કાનજુ મેડા (ઉ.વ. ૨૮, રહે. બુધાશાલા ગામ, પુજારા ફળિયા, કુંદનપુર, તા. રાણાપુર, જી. જાંબુવા એમપી) અને વિજય હરજીભાઇ બાવળીયા (ઉ.વ. ૨૫, રહે. માલધારી સોસાયટી શેરી નં. ૦૩, શાળા નં. ૬૭ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ)ને પકડી લીધા હતાં.
પોલીસે બેગપાયપર ડીલક્સ વ્હીસ્કીઃ ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટિક તથા કાચના કંપની સીલપેક ચપલા નંગ ૪૩૨ કિંમત રૂ. ૮૬,૪૦૦ તથા રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીઃ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ ૧૨ કિંમત રૂ. ૧૩,૨૦૦નો દારૂ તથા ૧૫ લાખની બસ મળી ૧૫,૯૯,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, નીખીલભાઇ પીરોજીયા, મહાવીરસિંહ ચુડાસમાની ટીમે આ કામગીરી કરી હતી. બસ ચાલક, ક્લીનર અગાઉ પણ આ રીતે એક ખેપ મારી ચુક્યા હોવાનું ખુલતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.
(2:06 PM IST)










