તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
સ્વામિનારાયણ મંદિર-ગોશાળાના પ્રોજેક્ટમાં રોકાણના નામે બે સંતો સહિત પાંચ જણા ૧ા કરોડ ખાઇ ગયા
લક્ષ્મીનગર અંડર બ્રીજ પાસે દાસી જીવણપરામાં રહેતાં શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી એન. એલ. વાઢેરને હળવદ રહેતાં મુળ અમદાવાદના ચિંતન પરમારે ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના પ્રોજેકટની વાત કરી ભૂપેન્દ્ર રોડના મંદિરમાં મુલાકાત કરાવી કાવતરાની જાળમાં ફસાવ્યા : આફ્રિકાથી દાન આવવાનું છે, જમીન ખરીદ કરનારનું અસલ સાટાખત બતાવવું પડશે તો જ દાન આપશેઃ રોકાણ ઉપરાંત કમિશનની રકમ પાછી મળશે એવી લાલચ દઇ નાણા પડાવ્યાઃ પણ લાંબો સમય થવા છતાં કોઇ વળતર ન મળતાં પોતાની રકમ પાછી માંગતા તે પણ ન અપાઇઃ અંતે ડીસીબીમાં ગુનો નોંધાવ્યોઃ ઇઓડબલ્યુની ટીમે તપાસ શરૂ કરી : અમદાવાદના ચિંતન પરમાર, ડાકોરના જેકીકુમાર રામી, સુરતના લાલજી ઢોલા, ભરૂચના માધવપ્રિય સ્વામિ ઉર્ફે એમ. પી. સ્વામી અને આણંદના દર્શનપ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામીના આરોપી તરીકે નામ

રાજકોટ તા. ૧૯: શહેરના લક્ષ્મીનગર અંડર બ્રીજ પાસે દાસી જીવણપરામાં રહેતાં શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી સાથે ડાકોર નજીકની જમીન ખરીદી ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને ગૌશાળા નિર્માણ માટે આફ્રિકાથી દાન આવવાનું હોઇ એ પહેલા આ જમીન ખરીદવામાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી બે સ્વામિ સહિત પાંચ જણાએ કાવત્રુ ઘડી રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે વિનૃત શાસનાધિકારીને બોલાવી તેમના નામે જમીન ખરીદી સાટાખત કરાવડાવી બાદમાં રોકાણ કરેલા રૂપિયા અને સાથે સાથે કમિશન પણ આપવાની લાલચ દઇ ૧ા કરોડની ઠગાઇ કરવામાં આવતાં ઇઓડબલ્યુ (આર્થિક ગુના નિવારણ સેલ)એ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ડીસીબી પોલીસે મુળ સુરેન્દ્રનગરના દિગસર ગામના વતની અને હાલ રાજકોટ નાના મવા રોડ લક્ષ્મીનગર અન્ડર બ્રીજ નજીક દાસી જીવણપરા-૧માં શાંતાબેન ચાવડાની ઓફિસ સામે મારૂતિ નામના મકાનમાં રહેતાં શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઇ લધરભાઇ વાઢેર (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી અમદાવાદ નારણપુરાના ચિંતન અશ્વીનભાઇ પરમાર, ડાકોરમાં વડોદરાવાળા ફળીયા ગોપાલપુરામાં રહેતાં જેકીકુમાર શરદભાઇ રામી, સુરત પર્વત પાટીયા ગોળાદરા ખાતે રહેતાં લાલજી બાવનભાઇ ઢોલા, ભરૂચના અંકેલેશ્વરમાં રૂષીકુલ ગોૈધામ પાનોલી ખાતે રહેતાં માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ. પી. સ્વામી, આણંદ સિધ્ધેશ્વર ગોૈશાળા ખાતે રહેતાં દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી વિરૂધ્ધ રૂા. ૧,૨૫,૦૦,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. આ બધાએ કાવત્રુ ઘડી ભોગ બનનારને લલચાવી ફોસલાવી ડાકોરના સુઇ તથા સૈયત ગામમમાં મહુધા રોડ પર ૩૦૦થી ૪૦૦ વીઘા જમીનમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને ગોૈશાળા બનાવવાના હોઇ જમીન ખરીદીમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ કહી કટકે કટકે રૂપિયા પડાવી લેવાયાનો આરોપ મુકાયો છે.
ફરિયાદની વિગતો મુજબ નરસિંહભાઈ વાઢેર વર્ષ-૨૦૦૪-૦૫માં મોરબી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા અને વર્ષ-૨૦૧૨માં ચોટીલા તાલુકામાંથી નિવળત્ત થયા હતા. મોરબીમાં નોકરી દરમિયાન તેઓ રાજકોટથી મોરબી અપ-ડાઉન કરતા ત્યારે ભાવેશ પરમાર સાથે પરિચય થયો હતો, જેઓ મોરબીની નાની બજારમાં એસએલ ભગવત નામની કાપડની દુકાન ચલાવતા હતા. તેમની દુકાને ચિંતન અશ્વિનભાઈ પરમાર બેસતા હતા અને જમીન-મકાન દલાલીનું કામ કરતા હોવાથી તેમની સાથે પણ પરિચય અને મિત્રતા બંધાઈ હતી.
ત્યારબાદ વર્ષ-૨૦૨૦ના મે મહિનામાં ચિંતન પરમારે ડાકોરમાં સ્વામિનારાયણ સં-દાયના સંતો આશરે ૪૦૦ વીઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવા માંગે છે અને તેમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેમ જણાવી વાત કરી હતી. ત્યારબાદ ભાગીદાર તરીકે વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયાને સાથે રાખી રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના ઉતારામાં નરસિંહભાઈ, તેમના પુત્ર પિયુષભાઇ વાઢેર, ભત્રીજા જગદિશભાઈ વાઢેર અને ચિંતન પરમાર ગયા હતા. ત્યાં માધવપ્રિય સ્વામી (એમ.પી.સ્વામી), દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી) અને લાલજીભાઈ બાવભાઈ ઢોલા સાથે મુલાકાત થઈ હતી.
મુલાકાત દરમિયાન માધવપ્રિય સ્વામી અને દર્શનપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે ડાકોરના સૂઈ તથા સૈયત ગામમાં મહુધા રોડ પર ૩૦૦થી ૪૦૦ વીઘા જમીનમાં મંદિર અને ગૌશાળા બનાવવાના છે અને તેના માટે આફ્રિકાથી દાન આવવાનું છે. દાન આપનાર વ્યક્તિને જમીન ખરીદ કરનારનું અસલ સાટાખત બતાવવું પડશે તેમજ સીધા ખેડૂત પાસેથી ખરીદી કરવામાં આવે તો વધુ કિંમત અને વાંધા-વચકા આવી શકે તેમ હોવાથી રોકાણ કરીને સાટાખત કરાવવા તેમજ રોકાણ પરત અને સારા કમિશનની લાલચ આપવામાં આવી હતી. તેમજ લાલજીભાઈ ઢોલાએ પોતે મંદિરના ખજાનચી હોવાથી કારોબારીમાં સેટિંગ કરાવી રૂપિયા પરત અપાવી દેવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ ચિંતન પરમાર સાથે નરસિંહભાઈ, પુત્ર પિયુષભાઇ અને ભત્રીજો જગદિશભાઈ, દિકરાનો મિત્ર ગોૈરાંગ વસંતભાઇ ઘોરડા એમ બધા ડાકોર ગયા હતા અને લાલજીભાઈ ઢોલાને સાથે રાખી સૂઈ-સૈયત ગામમાં મહુધા રોડ પર જમીન માલિક જેકીભાઈ શરદભાઈ રામીની જમીન જોઈ હતી. આશરે ૩૫૪ વીઘા જમીનનો વીઘા દીઠ રૂ.૧૮,૦૦,૦૦૦ ભાવ નક્કી થયા બાદ રાજકોટ ખાતે જેકીભાઈ રામી, ચિંતન પરમાર અને લાલજીભાઈ હોલા આવ્યા હતા અને કુલ ૩૫૪ વીઘા જમીનનો ઉઘડો ભાવ રૂ.૨,૭૬,૦૦,૦૦૦ નક્કી થયો હતો. સોદા પેટે રૂ.૧,૦૦,૦૦૦ રોકડા આપવામાં આવ્યા હતા અને બાકીના રૂ.૧,૨૪,૦૦,૦૦૦ તા.૦૮/૦૬/૨૦૨૦ના રોજ ડાકોરના ગોપાલપુરા સ્થિત જેકીભાઈ રામીના ઘરે રોકડા આપવામાં આવ્યા હતા.
જેની ગણતરીનો વીડિયો ગોૈરાંગભાઈ ઘોરડાએ મોબાઈલમાં ઉતાર્યો હતો અને રૂ.૩૦૦ના સ્ટેમ્પ પર મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ (સાટાખત) લખી આપવામાં આવ્યું હતું. જમીનનો અસલ સાટાખત લઈ નરસિંહભાઈ સહિતના લોકો પાનોલી ગામ ખાતે ગૌધામ, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ ખાતે માધવપ્રિય સ્વામી અને દર્શન-કાશ સ્વામીને મળ્યા હતા, જ્યાં દાન આપનારને બતાવવા માટે અસલ સાટાખત અને કાગળો માધવપ્રિય સ્વામીએ રાખી લીધા હતા અને દસ દિવસમાં દાન આવ્યા બાદ રૂપિયા તથા કમિશન પરત આપવાની વાત કરી હતી. ત્યારબાદ ફરી પાનોલી ખાતે મુલાકાત વખતે આફ્રિકા જવાનું બાકી હોવાનું જણાવી સાથે આવવા કહ્યું હતું અને બાદમાં ફોન પર એફસીઆર (એફસીઆર) સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોવાનું તથા આફ્રિકાથી દાન ન આવ્યાનું જણાવી જેકીભાઈ પાસેથી રૂપિયા પરત લઈ લેવા કહ્યું હતું.
ત્યારબાદ ડાકોર ખાતે જેકીભાઈ રામી પાસે રૂપિયા માંગવા જતાં ૮ મહિનાની મુદતમાં જમીન ખરીદીના બાકીના રૂ.૧,૫૧,૦૦,૦૦૦ ન આપ્યા હોવાથી લોકડાઉનના કારણે રૂપિયા પરત નહીં મળે તેમ જણાવી રૂપિયા આપવાનો ઈનકાર કરી કાઢી મૂકયા હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી-૨૦૨૩માં ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજીના અનુસંધાને થયેલી બેઠકમાં જેકીભાઈ રામીએ અગાઉના રૂ.૧,૨૫,૦૦,૦૦૦ના સાટાખતનો કેન્સલેશન કરાર (રજી.નં.૧૬૮/૨૦૨૩, તા.૧૬/૦૨/૨૦૨૩) કરી તેની સામે સૂઈ ગામના સીમ સર્વે નં.૨૩૩ પૈકી ખાતા નં.૮૩૦ની જમીન ટાઈટલ ક્લિયર કરી રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાનો સમજુતી કરાર (રજી.નં.૧૬૭/૨૦૨૩, તા.૧૬/૦૨/૨૦૨૩) નોટરી સમક્ષ કરી આપ્યો હતો. જોકે આજદિન સુધી જમીનનો દસ્તાવેજ કે રોકડા રૂ.૧,૨૫,૦૦,૦૦૦ પરત ન મળતા ચિંતન પરમાર, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, દર્શનપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી, લાલજી ઢોલા અને જેકીકુમાર રામી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઇ ડી. એમ. હરીપરા, પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં પીએસઆઇ એન. આર. રાઠોડે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
(10:56 AM IST)










