<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

બાબરીયા કોલોની પાસે ઝૂપડપટ્ટીમાં પાઇપ-વજનકાટા-ઇંટથી મારામારીમાં પાંચને ઇજાઃ ૧૨ જણા વિરૂધ્‍ધ સામ-સામે ગુનો

પારસ ડાભી ઝાડ નીચે બેઠો હતો ત્‍યારે તેનો મિત્ર ચાલીને નીકળતાં સામે રહેતાં હરેશ સમેચાએ ‘પારસને કહે તને મુકી જાય' એવું બોલતાં ગાળાગાળી થયા બાદ એક બીજા પર તૂટી પડયાઃ ભક્‍તિનગર પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૫: બાબરીયા કોલોની પાસે પરમેશ્વર સોસાયટી નજીક ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક પરિવારો વચ્‍ચે બોલાચાલી બાદ મારામારી થતાં એક બીજા પર લોખંડના પાઇપ, વજનકાંટા, ઇંટથી હુમલો કરતાં બંને પક્ષના છ લોકોને ઇજા થઇ હતી. પોલીસે સામ-સામે કુલ ૧૨ જણા સામે ગુનો નોંધ્‍યો છે. પારસ ડાભી નામનો યુવાન ઘર પાસે ઝાડ નીચે બેઠો હતો ત્‍યારે તેનો મિત્ર ચાલીને નીકળતાં પારસની સામે રહેતાં હરેશે તેને ‘પારસને કહે તને મુકી જાય' તેમ બોલતાં પારસ અને હરેશ વચ્‍ચે ગાળાગાળી થયા બાદ મારામારી થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ બાબરીયા કોલોની પરમેશ્વર સોસાયટી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં રેખાબેન રમેશભાઇ ડાભી-દેવીપૂજક (ઉ.વ.૫૧) અને તેની દિકરી કાજલબેન રમેશભાઇ ડાભી (ઉ.વ.૨૭) રાતે ઘર પાસે હતાં ત્‍યારે પાડોશી પુંજાભાઇ સહિતનાએ લોખંડના પાઇપથી હુમલો કરતાં બંને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. સામા પક્ષે બકાલાના ધંધાર્થી પુંજાભાઇલાલુભાઇ સમેચા (ઉ.વ.૪૫) અને તેનો દિકરો હરેશ પુંજાભાઇ સમેચા (ઉ.વ.૨૭) પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

પોલીસે હુમલામાં ઘાયલ રેખાબેનના દિકરા પારસ રમેશભાઇ ડાભી (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી પાડોશી હરેશ પુંજાભાઇ સમો, પુંજાભાઇ લાલુભાઇ સમેચા, પારસ પુંજાભાઇ સમેચા, રવિ ચંદુભાઇ સમેચા, કિશન પુંજાભાઇ સમેચા, કેસરબેન પુંજાભાઇ સમેચા અને શોભનાબેન વિજય વાજેલીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પારસ ડાભી ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે રવિવારે રાતે સાડા નવેક વાગ્‍યે તે ઘર સામે આવેલ ઝાડ નીચે બેઠો હતો તે સમયે તેનો એક મિત્ર ત્‍યાંથી પસાર થતાં, સામે બેઠેલા પાડોશી હરેશ સમેસાએ તેને ‘પારસને કહે તને મુકી જાય' તેમ કહ્યું હતું. આ સાંભળી હરેશની બહેન શોભનાબેને જે જતા હોય તેને જવા દે, કોઈનું નામ ન લે તેમ કહી પારસ સામું જોઈ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. પારસે ત્‍યાં જઈને ગાળો બોલવાની ના પાડતાં જ હરેશ ઉશ્‍કેરાઈ ગયા હતા અને પારસનો કાઠલો પકડીને ઢીકાપાટુનો માર મારવા લાગ્‍યા હતા. અવાજ સાંભળી પારસના માતા રેખાબેન અને બહેન કાજલબેન આવી જતાં તેઓ પારસને છોડાવીને ઘરે લઈ ગયા હતા.

આ પછી થોડીવારમાં જ પારસ અને તેના પરિવારજનો લોખંડના પાઇપ, ઇંટો લઇને ધસી આવ્‍યા હતા અને હુમલો કર્યો હતો.  પુંજાભાઈએ પારસના વાળ પકડી રાખ્‍યા હતા અને હરેશે લોખંડના પાઈપ વડે પારસના ડાબા કાનના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત પારસ સમેચાએ પારસ ડાભીના માતા રેખાબેનના માથામાં લોખંડનો પાઈપ ઝીંકી દીધો હતો. રવિએ કાજલને પાઇપ ફટકાર્યો હતો. જ્‍યારે શોભનાએ નાક તથા માથાના ભાગે ઈંટ મારી હતી. તેમજ અજય ડાભીના ડાબા હાથના કાંડાના ભાગે પુંજાભાઈએ પાઈપ મારી મૂંઢ ઈજા પહોંચાડી હતી. હુમલામાં પારસ, તેના માતા રેખાબેન અને બહેન કાજલને ઇજા થતાં સ્‍વિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સામા પક્ષે શોભનાબેન વિજયભાઇ વાજેલીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી પારસ રમેશભાઇ ડાભી, અજય રમેશભાઇ ડાભી, રેખાબેન રમેશભાઇ, આરતી રમેશભાઇ અને કાજલ રમેશભાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો હતો. શોભનાબેન શાકભાજીનો ધંધો કરે છે. તેણે ફરિયાદમાં જણાવયા મુજબ તે ચારેક મહિનાથી માવતરે માતા કેસરબેન, પિતા પુંજાભાઇ અને પોતાના બે દિકરા સાથે રહે છે.

તેણીએ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ રાતે સાડાનવેક વાગ્‍યે તે તથા તેમના પિતા પુંજાભાઈ, માતા કેશરબેન તથા ભાઇ હરેશ ઘરની બહાર બેઠા હતાં. આ વખતે સામે ઝાડ નીચે પાડોશી પારસ ડાભી બેઠ હતો. તે સમયે તેણીના ભાઈ હરેશનો એક મિત્ર ત્‍યાંથી પસાર થતાં, હરેશે તેને ‘પારસને કહે તને મૂકી જાય' તેમ કહ્યું હતું. આ સાંભળી શોભનાબેને પોતાના ભાઈને ટકોર કરી હતી કે જે જતા હોય તેને જવા દે, કોઈનું નામ ન લે. આટલી સામાન્‍ય વાતમાં સામે બેઠેલો પારસ ડાભી એકાએક ઉશ્‍કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્‍યો હતો.

હરેશએ પારસને ઝઘડો ન કરવા અને ત્‍યાંથી જતા રહેવા સમજાવ્‍યો હતો. પરંતુ ઉશ્‍કેરાયેલા પારસે પોતાની ભંગારની રેકડીમાંથી લોખંડનો વજનકાંટો ઉપાડી હરેશના માથામાં ઝીંકી દીધો હતો. જેથી તે લોહીલુહાણ હાલતમા પડીગયો હતો. આ બનાવ બાદ શોભનાબેન, તેના માતા-પિતા સહિતનો પારસના ઘરે ગયા હતા. ત્‍યાં પારસના માતા રેખાબેન, બહેનો કાજલ, આરતી, ભાઇ અજય સહિતના હતાં. તે બધાએ ાસથે મળી પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં પુંજાભાઇનું માથુ ફુટી ગયું હતું અને તેના દિકરા હરેશને પણ ઇજા થઇ હતી. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ બંને ફરિયાદ દાખલ કરી હતી.

(3:01 PM IST)