<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સમય ટ્રેડીંગમાં રૂપિયાનું રોકાણ કરવા લલચાવી પોણા પાંચ કરોડ ખાઇ જવાયાઃ દિવ્‍યાબેન ગાજીપરાની ફરિયાદ

રાધાનગરમાં રહેતાં મહિલાએ પારિવારીક સંબંધ ધરાવતાં ગીતાબેન કાકડીયા મારફત પ્રદીપભાઇ ડાવેરાની સમય ટ્રેડીંગમાં ૫૮ લાખનું રોકાણ કર્યુ હતું: અન્‍ય ૧૬ સગાએ પણ કરેલા રોકાણની રકમ પરત ન અપાયાનો આક્ષેપઃ ડીસીપી ક્રાઇમને લેખીત ફરિયાદ કરી ગુનો નોંધવા માંગણી

રાજકોટ તા. ૧૧: નાના મવા રોડ રાધાનગર મેઇન રોડ પર શેરી નં. ૬/૭ વચ્‍ચે પ્રગટેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતાં દિવ્‍યાબેન પ્રશાંતભાઇ ગાજીપરાએ ડીસીપી ક્રાઇમને એક લેખીત ફરિયાદ અરજી કરી છે. જેમાં સામેવાળા તરીકે ગીતાબેન સંજયભાઇ કાકડીયા અને પ્રદીપભાઇ ડાવેરાના નામ આપ્‍યા છે. ફરિયાદી દિવ્‍યાબેનના સામેવાળા ગીતાબેન સાથે પારિવારીક સંબંધ હોઇ તેણીએ સમય ટ્રેડીંગમાં નાણા રોકવા પર ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી રોકાણ કરાવતાં દિવ્‍યાબેને ૫૮ લાખ અને બીજા ૧૬ જણાએ ૧૦ લાખની લઇ ૧.૧૦ કરોડ સુધીની રકમોનું રોકાણ કર્યુ હતું. શરૂઆતમાં વળતર અપાયા બાદ વળતર બંધ કરી દઇ મુળ રકમ પરત ન આપતાં આ ૧૭ લોકો સાથે પોણા પાંચ કરોડ આસપાસની ઠગાઇ થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

દિવ્‍યાબેને ગાજીપરાએ પોતાની લેખિત અજરીમાં જણાવ્‍યું છે કે મારા પતિ કારખાનુ ચલાવે છે.અમે વર્ષોથી ગીતાબેન કાકડીયાને ઓળખતા હોઇએ પારિવારીક સંબંધો છે. વર્ષ ૨૦૧૯માં ગીતાબેને અમને જણાવેલ કે સમય ટ્રેડીંગ્‍ નામની પેઢી જે પ્રદીપભાઇ ડાવેરા ચલાવે છે તેમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર અપાવીશ. આથી મેં મારા પતિ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ગીતાબેન મારફતે રોકાણ કરવાનું નક્કી કરી વર્ષ ૨૦૧૯માં રૂા. ૫૮ લાખ રોકડા આપ્‍યા હતાં. જેના પર મને થોડો સમય નફો અપાયા બાદ નાણા આપવાનું બંધ કરી દેવાયું હતું. વારંવાર મારા નાણાની મેં ઉઘરાણી કરી છતાં મને નાણા કે વળતર આપવામાં આવ્‍યુ નથી. સતત ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

દિવ્‍યાબેને લેખીત ફરિયાદમાં આગળ જણાવ્‍યું છે કે ઘણા લોકોએ ગીતાબેન કાકડીયા  મારફત રોકડ સ્‍વરૂપે સમય ટ્રેડીંગમાં રોકાણ કર્યુ હતું. પ્રદીપભાઇ ડાવેરા સમય ટ્રેડીંગ ચલાવતાં હતાં તેની સામે અગાઉ પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. તેણે શહેરમાં અનેક લોકો પાસેથી ઉંચુ વ્‍યાજ અને વળતર આપવાની લાલચ આપી નાણા ઓળવી લીધા છે. દરમિયાન વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ના ગાળામાં ગીતાબેન કાકડીયાના પતિ સંજયભાઇ બિમાર રહેતાં હોઇ ઘરનો વહિવટ ગીતાબેન સંભાળતા હતાં. હું અવાર-નવાર ગીતાબેન પાસે મારા નાણાની માંગણી કરહતી હતી પણ તે વચત વિશવાસ આપી દઇ કહેતાં હતાં કે તમને તમારા નાણા મળી જશે. પરંતુ આજ સુધી મને મારા ૫૮ લાખ મળ્‍યા નથી.

ગીતાબેન મારફત બીજા ૧૬ જેટલા લોકોએ પણ નાણાનું રોકાણ કર્યુ છે. જેમાં દયાબેન ગાજીપરાના ૨૦ લાખ, તેજસભાઇના ૪૦ લાખ, જયશ્રીબેનના ૧૮ લાખ, યોગેન્‍દ્રસિંહના ૨૨ લાખ, અર્ચનાબેનના ૧૬ લાખ, જીજ્ઞેશભાઇના ૧ કરોડ ૧૦ લાખ, જગદીશભાઇના ૧૫ લાખન, જયદિપભાઇના ૧૦ લાખ, મહેશભાઇના ૫૦ લાખ, સચીનભાઇના ૩૦ લાખ, નરેન્‍દ્રભાઇના ૩૫ લાખ, નીતાબેનના ૧૫ લાખ, સતિષભાઇના ૧૫ લાખ, રસિલાબેનના ૧૫ લાખ, નિલેષભાઇના ૧૦ લાખ અને જયેશભાઇ ૧૦ લાખ રૂપિયા છે. આ બધાને રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી તેની પાસેથી આ નાણા લઇ લેવાયા હતાં. આમ અમારી સાથે અને આ બીજા રોકાણકારોના લાખો રૂપિયા ડુબાડી દેવામાં આવ્‍યા હોઇ ગુનો દાખલ કરી અમને ન્‍યાય અપાવવા અમારી અરજ છે. તેમ વધુમાં દિવ્‍યાબેન પ્રશાંતભાઇ ગાજીપરાએ  લેખિત ફરિયાદમાં જણાવ્‍યું છે. 

(3:05 PM IST)