<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ગ્રામ્‍યની સમગ્ર પોલીસ વ્‍યવસ્‍થાને આઈએસઓ પ્રમાણપત્ર

૨૪ પોલીસ સ્‍ટેશન, કચેરીઓ અને એકમોમાં એકસરખી કાર્યપદ્ધતિ : ફરિયાદ નોંધવાથી જૂના રેકોર્ડ શોધવા સુધીની કામગીરી સરળ અને ઝડપી : શાપર ખાતે હર્ષ સંઘવીએ પ્રમાણપત્ર એનાયત કર્યુ

રાજકોટ : રાજકોટ ગ્રામ્‍ય પોલીસે વહીવટી વ્‍યવસ્‍થાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે પણ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

રાજ્‍યમાં પ્રથમ વખત કોઈ જિલ્‍લાના સમગ્ર પોલીસ માળખાને આઈએસઓ ૯૦૦૧ :૨૦૧૫ ગુણવત્તા વ્‍યવસ્‍થાપન પ્રમાણપત્ર મળ્‍યું હોવાનું રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા જણાવાયું છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લાના કુલ ૨૪ પોલીસ સ્‍ટેશન, કચેરીઓ અને વિવિધ એકમોને આવરી લેતી આ વ્‍યવસ્‍થાને આઈએસઓ પ્રમાણપત્ર મળ્‍યું છે.

શાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

આ સિદ્ધિ પાછળ પોલીસની રોજિદી વહીવટી કામગીરીમાં કરવામાં આવેલા વ્‍યવસ્‍થિત ફેરફારો મહત્‍વપૂર્ણ રહ્યા છે.

અગાઉ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, વિવિધ રજિસ્‍ટરોની જાળવણી, જૂના દસ્‍તાવેજો શોધવા અને જરૂરી રેકોર્ડ મેળવવા જેવી કામગીરીમાં નોંધપાત્ર સમય પસાર થતો હતો.

હવે આ તમામ કામગીરી માટે નિર્ધારિત સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર એટલે કે એસઓપી, ચોક્કસ ફોર્મેટ અને વ્‍યવસ્‍થિત ફાઇલિગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

પરિણામે ફરિયાદ નોંધવાથી માંડીને દસ્‍તાવેજોની ચકાસણી, નોંધણી, રેકોર્ડની જાળવણી અને જરૂરી ફાઇલો ફરી મેળવવાની કામગીરી વધુ સરળ અને ઝડપી બની છે.

અગાઉ જૂનો દસ્‍તાવેજ શોધવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. નવી વ્‍યવસ્‍થામાં જરૂરી દસ્‍તાવેજ થોડી જ મિનિટોમાં ઉપલબ્‍ધ થઈ શકે તેવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

આ ફેરફારોથી વહીવટી ભૂલો ઘટાડવામાં, સમય બચાવવામાં અને પોલીસ તપાસને વધુ ઝડપથી આગળ વધારવામાં મદદ મળી રહી હોવાનું જિલ્‍લા પોલીસનું કહેવું છે.

જિલ્‍લા પોલીસવડા વિજયસિહ ગુર્જરે હાથ ધરેલા આ વહીવટી સુધારાઓને પોલીસતંત્રના આધુનિકીકરણની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

જમીન કૌભાંડમાં ખેડૂતોને ન્‍યાય અપાવવાની કામગીરી હોય, આત્‍મહત્‍યા નિવારણ માટેનું ‘પ્રેરણા' અભિયાન હોય કે પછી પોલીસની આંતરિક કામગીરીને સુવ્‍યવસ્‍થિત બનાવવાનો પ્રયાસ હોય, રાજકોટ ગ્રામ્‍ય પોલીસની આ વિવિધ પહેલોએ કાયદાના અમલની સાથે માનવીય અભિગમ અને કાર્યક્ષમતાનું પણ મહત્‍વ ઉજાગર કર્યું છે

(2:53 PM IST)