તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
રાજકોટ ડિવિઝન દ્વારા બેડી પોર્ટથી ગાંધીનગર માટે આયાતી કોલસાનું પ્રથમ લોડિંગ : રેલવેને આશરે રૂ. ૪૦ લાખની ભાડા આવક થઈ
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી માલવાહક પરિવહન માટે નવું ડેસ્ટિનેશન વિકસાવાયું : ૫૯ BOXN વેગન મારફતે ૩૫૫ કિલોમીટરનું અંતર કાપી કોલસાનો જથ્થો રવાના કરાયો

રાજકોટ: રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ કર્યું છે. આ સિદ્ધિ વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને રેલ માલ પરિવહનના વ્યાપને વિસ્તારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
૫૯ વેગન દ્વારા ૩૫૫ કિમીની સફર અને રૂ. ૪૦ લાખની આવક:
રાજકોટ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સતત પ્રયાસોના પરિણામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર માટે આયાતી કોલસાનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ કન્સાઇનમેન્ટમાં ૫૯ BOXN વેગનમાં આયાતી કોલસો લોડ કરવામાં આવ્યો છે. આ ખેપ આશરે ૩૫૫ કિલોમીટરનું અંતર કાપશે અને તેનાથી રેલવેને આશરે રૂ. ૪૦ લાખની માલભાડા આવક પ્રાપ્ત થઈ છે.
સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાનું નિવેદન:
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર સુધી આયાતી કોલસાનું નવા ગંતવ્ય માટેનું પ્રથમ લોડિંગ રાજકોટ ડિવિઝન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ડિવિઝન દ્વારા વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યોની ઓળખ કરવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયાસોથી રેલવેની માલભાડાની આવકમાં વધારો થવાની સાથે-સાથે ઉદ્યોગોને સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધા પૂરી પાડવામાં મદદ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, નવા ઓરિજિન-ડેસ્ટિનેશન પેર વિકસાવવાથી રેલ માલ પરિવહન નેટવર્કનો વિસ્તાર થશે અને વિવિધ ઉદ્યોગો સુધી મોટા જથ્થામાં માલનો સરળ અને કાર્યક્ષમ પુરવઠો પહોંચાડવાને પ્રોત્સાહન મળશે.
ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાની પ્રતિક્રિયા:
આ સિદ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં માલવાહક ટ્રાફિક વધારવા માટે વર્તમાન માલ પરિવહનના નવા ગંતવ્યોની સતત ઓળખ કરવામાં આવી રહી છે. નવા ગંતવ્યો સુધી માલ લોડિંગ શરૂ થવાથી રેલવેના માલ પરિવહન નેટવર્કનો વિસ્તાર થાય છે અને ઉદ્યોગોને રેલ પરિવહન સાથે જોડવાની નવી તકો મળે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા “વધુ ગંતવ્ય, વધુ તકો, વધુ સશક્ત રેલવે”ના ઉદ્દેશ્ય સાથે વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે રેલવેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
(6:25 PM IST)










