News of Wednesday, 17th June 2026
મનપામાં નવા શાસકોની પ્રથમ સામાન્ય સભા રપમીએ
નવા મેયરનો નવો અભિગમઃ દર મહિને બોર્ડ બેઠક મળશેઃ પ્રશ્નોની ચર્ચા માટે સમય મર્યાદા નહી ભાજપના ૧પ કોર્પોરેટરોએ ૩૩ પ્રશ્નો પૂછયા કોંગ્રેસના કોર્પોરેટરો સાંજ સુધીમાં પ્રશ્નો રજુ ન કરે તો માત્ર શાસક પક્ષ જ છવાશે

રાજકોટ તા.૧૭: મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની નિયુકતી બાદ પ્રથમ જનરલ બોર્ડ આગામી ૨૫ જુનના ગુરૂવારે મેયર ડો.નેહલ શુકલની સુચનાથી સેક્રેટરી દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ બોર્ડમાં ભાજપના ૧૫ નગરસેવકોએ વિવિધ ૩૩ પ્રશ્ન રજુ કર્યા છે. જયારે કોંગ્રેસના સભ્યો દ્વારા બપોરના ૨ વાગ્યા સુધીમાં એકપણ પ્રશ્ન રજુ કરવામાં આવ્યો નથી. બોર્ડમાં વોર્ડ નં.૧૪ના ભાજપના કોર્પોરેટર કેતન પટેલના આવાસ યોજનાના અને ટાઉન પ્લાનીંગના વિવિધ પ્રશ્નોથી ચર્ચાનો પ્રારંભ થશે.
આગામી ૨૫ જુનના સવારે ૧૧ કલાકે મ્યુનિ.કોર્પોરેશનની સેન્ટ્રલ કચેરી ઝોનના પ્રથમ માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નેહલ શુકલની અધ્યક્ષતામાં પદાધિકારીઓની નિમણુંક બાદ પ્રથમ જનરલ બોર્ડ યોજાશે. આ બોર્ડમાં ભાજપના વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતન પટેલના પ્રથમ પ્રશ્ન આવાસ યોજના વિભાગની છેલ્લા એક વર્ષની કામગીરી વિગતો આપવી, એક વર્ષમાં કેટલા આસામીઓ હપ્તા નથી ભરતા તેના પર શું કાર્યવાહી કરવામાં આવી. ખાલી આવાસોમાં ગેરકાયદેસર કબ્જો જમાવી રહેલા આસામીઓ ઉપર શું કાર્યવાહી કરવામાં આવી તેમજ ટાઉન પ્લાનીંગ શાખાની કુલ સ્ટાફની વિગતોની કામગીરી સાથે આપવી સહિતના પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.
જયારે બીજો પ્રશ્ન વોર્ડ નં.૫ના કોર્પોરેટર સંજય ચાવડાએ ગાર્ડન શાખા સહિતના ૩ પ્રશ્ન રજુ કર્યા છે.
મેયર ડો. નેહલ શુક્લાની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં કોર્પોરેટરોને જનરલ બોર્ડમાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્ન પૂછવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી પાર્ટી લાઈન મુજબ જ પ્રશ્નો પૂછવાની પ્રથા હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ જે વિભાગને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે તે વિભાગના અધિકારીની હાજરી ફરજિયાત રહેશે. જો સંબંધિત અધિકારી હાજર નહીં હોય તો તે વિભાગના એએમસી અથવા ડીએમસીએ જવાબ આપવો પડશે. આ નિર્ણયથી જનરલ બોર્ડની કામગીરી વધુ જવાબદાર અને અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દરખાસ્ત
આ જનરલ બોર્ડમાં એચ.પી. રૂપારેલીયાને સેક્રેટરી તરીકે નિમણુંક આપવાની દરખાસ્ત અંગે નિર્ણય કરવામાં આવશે.

(3:45 PM IST)










