<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજકોટમાં રિતસરની અગનવર્ષાઃ બપોરે ૨:૩૦ વાગ્‍યે પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા શહેર ‘ભઠ્ઠી' બન્‍યું!

 

રાજકોટ, તા. ૧ર :  રંગીલા રાજકોટમાં આજે સૂર્યદેવતાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. ઉનાળાની સિઝન અત્‍યારે તેના ચરમસીમા પર હોય તેમ ગરમીએ માઝા મૂકી છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યાના ટકોરે જ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સેલ્‍સિયસને પાર કરી જતાં સમગ્ર શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. આકરા તડકા અને ધગધગતા પવનોને કારણે રાજકોટવાસીઓ રિતસરના શેકાયા હતા.

બપોરના સમયે આકાશમાંથી જાણે અગનજ્‍વાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ થતો હતો. રાજકોટના મુખ્‍ય માર્ગો જેવા કે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ રિંગ રોડ પર બપોરના સમયે ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે, પરંતુ આજે ૪૩ ડિગ્રીની ભયાનક ગરમીને કારણે રસ્‍તાઓ સુમસામ ભાસતા હતા. લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળતા જાણે શહેરમાં સ્‍વયંભૂ કરફયુ જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.

માત્ર તાપમાન જ નહીં, પણ ફૂંકાતા ગરમ પવનોએ પણ લોકોની હાલત કફોડી કરી દીધી છે. ટુ-વ્‍હીલર ચાલકો માટે રસ્‍તા પર નીકળવું મુશ્‍કેલ બન્‍યું હતું. ગરમ લૂને કારણે લોકો મોઢે રૂમાલ અને ચશ્‍મા પહેરીને જ નીકળતા જોવા મળ્‍યા હતા. વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગ દ્વારા પણ લોકોને કામ વગર તડકામાં ન નીકળવા અને સતત પાણી કે પ્રવાહી પીતા રહેવાની સૂચના આપવામાં આવી છે.

ભારે બફારા અને ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ, છાશ અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાના સહારે જોવા મળ્‍યા હતા. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી થોડા દિવસો હજુ પણ ગરમીનો પારો આસપાસ જ રહેવાની સંભાવના છે, જેના કારણે રાજકોટમાં યલો એલર્ટ જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે. સતત વધતા તાપમાનને પગલે પશુ-પંખીઓની હાલત પણ દયનીય બની છે

(3:55 PM IST)