<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રાજકોટમાં ‘અગનગોળા'નો પ્રકોપઃ બપોરે ૪૨.૨ ડિગ્રી તાપમાન, ગરમ લૂએ જનજીવન કર્યું અસ્‍તવ્‍યસ્‍ત

૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોથી નગરજનો ત્રાહિમામ, આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ ઉંચકાય તેવી શકયતા

રાજકોટ, તા. ર૩: રાજકોટઃ રાજકોટ શહેર ઉપર આજે બપોરે જાણે સૂર્યનારાયણ સીધા અગનગોળા વરસાવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. બપોરે ૨:૩૦ વાગ્‍યાના સુમારે તાપમાનનો પારો ૪૨.૨ ડિગ્રી સેલ્‍સિયસને આંબી જતાં શહેરભરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ જોવા મળ્‍યો હતો. કાળઝાળ ગરમીની સાથે ૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ લોકોનું જીવવું મુશ્‍કેલ બનાવી દીધું છે.

બપોરના સમયે શહેરના મુખ્‍ય માર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા નગરજનોમાં ‘લૂ' લાગી જવાનો ભય ફેલાયો છે. ગરમીની અસર એટલી તીવ્ર છે કે, લોકો ઠંડા પીણાં અને છાંયડાની શોધમાં રઝળપાટ કરતા જોવા મળ્‍યા હતા.

હવામાન નિષ્‍ણાતો અને હાલની સ્‍થિતિ જોતા સ્‍પષ્ટ જણાય છે કે, આગામી દિવસોમાં પણ ગરમીનો આ પ્રકોપ યથાવત રહેશે. ગરમ પવનોની ગતિ અને ઉંચા તાપમાનને કારણે નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે. ગરમીનું પ્રમાણ હજુ વધુ વધી શકે છે, જે સામાન્‍ય જનજીવનને ખોરવી શકે છે.

 

(3:50 PM IST)