<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

શહેરમાં ફાયર સેફટી કાગળ પર! માત્ર ૨,૩૬૪ નોટિસઃ નક્કર કાર્યવાહી કયારે?

ચાલુ વર્ષે ૨૫૫ ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ અપાયાઃ ૧૪ ઇમારતોના ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટની મુદત પૂર્ણઃ ત્રણ નોટિસ બાદ પાણી-ગટર જોડાણ કાપવા અને સીલિંગની જોગવાઈઃ નોટીસ આપીને સંતોષ માનતુ તંત્ર?

રાજકોટ તા.૨૪: રાજકોટ શહેરમાં ફાયર સેફ્‌ટી મુદ્દે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે ચાલુ વર્ષ દરમિયાન નાની-મોટી ખામીઓ અને નિયમોના પાલન અંગે કુલ ૨,૩૬૪ નોટિસ પાઠવી હોવાનું મનપાની સામાન્‍ય સભામાં બહાર આવ્‍યું છે. વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર કૌશિકભાઈ ટાંક દ્વારા પૂછાયેલા પ્રશ્નના ફાયર બ્રિગેડ વિભાગે આપેલા લેખિત જવાબમાં આ વિગતો જાહેર થઈ છે.

તા. ૧ એપ્રિલ, ૨૦૨૬થી અત્‍યાર સુધીમાં કુલ ૨૫૫ ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ આપવામાં આવ્‍યા છે. જેમાં એસેમ્‍બલી, બિઝનેસ ઓફિસ, શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍પિટલો, મર્કન્‍ટાઇલ, મિક્‍સ યુઝ, ઇન્‍ડસ્‍ટ્રિયલ, રહેણાક સહિતની વિવિધ કેટેગરીની ઇમારતોનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૪ ઇમારતોના ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. આ ઇમારતોને પ્રથમ નોટિસ પાઠવવામાં આવી છે. ત્રણ નોટિસ આપ્‍યા બાદ પણ ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ રિન્‍યૂ કરાવવામાં નહીં આવે તો ફાયર એક્‍ટ-૨૦૧૩ મુજબ પાણી પુરવઠો, ગટર જોડાણ કાપવા તથા સીલિંગની કાર્યવાહી કરવાની જોગવાઈ હોવાનું ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્‍યું છે.

શહેરની હોસ્‍પિટલો, શાળાઓ, હોટલો, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ, ઇન્‍ડસ્‍ટ્રિયલ તથા રહેણાક ઇમારતો સહિતના એકમોમાં ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ અને જરૂરી સુરક્ષા વ્‍યવસ્‍થા અંગે તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. જોકે, નોટિસ આપ્‍યા બાદ કેટલા એકમોએ નિયમોનું પાલન કર્યું અને કેટલા સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી તે અંગે પણ સવાલો ઊઠ્‍યા છે.

ફાયર બ્રિગેડ વિભાગના જવાબ મુજબ નિયત સમયમર્યાદામાં ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ રિન્‍યૂ નહીં કરાવનાર એકમો સામે ફાયર એક્‍ટ-૨૦૧૩ મુજબ પાણી પુરવઠો અને ગટર જોડાણ બંધ કરવા તથા સીલિંગ સહિતની કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

રાજકોટમાં સર્જાયેલી અગ્નિકાંડની કરુણ ઘટના બાદ પણ ફાયર સેફ્‌ટી બાબતે માત્ર નોટિસોનો મારો ચલાવવાને બદલે નિયમોનું કડક પાલન કરાવવાની જરૂર છે. નોટિસોના આંકડા રજૂ કરતું મહાપાલિકા તંત્ર નક્કર કાર્યવાહીના આંકડા કયારે જાહેર કરશે? શહેરીજનોની સુરક્ષા માટે તંત્ર કેટલું ગંભીર છે? તેવા સવાલો ઊભા થયા છે.

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્‌ટી મુદ્દે તંત્રની જવાબદારી વધી છે. ત્‍યારે હજારો નોટિસો પાઠવનાર મહાપાલિકા તંત્રએ ખરેખર કેટલી ઇમારતો સામે દંડાત્‍મક કાર્યવાહી કરી? કેટલી મિલકતોને સીલ કરવામાં આવી? નોટિસ બાદ કેટલી ઇમારતોમાં ફાયર સેફ્‌ટીની ખામીઓ દૂર થઈ? તે અંગે પણ તંત્રએ સ્‍પષ્ટતા કરવાની જરૂર છે.(૨.૨૦)

(2:58 PM IST)