તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
ફન બ્લાસ્ટમાં ઇલેક્ટ્રીકલ સ્પાર્ક થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડીઃ મેનેજરે કહ્યું-કોઇ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ નહોતી
કાલાવડ રોડ પર સરિતા વિહાર પાછળ બનાવઃ આશરે ૩૦૦ લોકો હાજર હતાં ત્યારે બનાવ બન્યો : રવિવાર હોઇ મોટેરા સાથે બાળકો પણ હતાં: ફાયર બ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા ગેમ ઝોનના સ્ટાફે જ સામાન્ય આગ હોઇ કાબુમાં લઇ લીધી હતીઃ મહાનગર પાલિકાના ડે. કમિશનર નંદાણી સહિતના તત્કાળ પહોંચ્યા હતાં : મેનેજર જયદિપસિંહ પરમારે લેખિત સ્પષ્ટતા કરતાં કહ્યું- સમગ્ર કેમ્પસમાં ૮ એક્ઝીટ ગેઇટ છેઃ દર મહિને મોકડ્રીલ યોજાય છેઃ ફાયર સેફટી સર્ટિફિકેટ માન્ય છેઃ તમામ સ્ટાફને ફાયર સેફટીને તાલિમ અપાયેલી છેઃ ફન બ્લાસ્ટ એક બે દિવસમાં નિયમીત શરૂ થઇ જશે

રાજકોટ તા. ૨૭: શહેરના કાલાવડ રોડ પર મટુકી નજીક આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારે સાંજે સાતેક વાગ્યે આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તત્કાળ પહોંચ્યા હતાં. જો કે એ પહેલા અહિ હાજર બાળકો, પરિવારજનોમાં નાસભાગ મચી ગઇ હતી. ગેમ ઝોનમાં ઇલેક્ટ્રીક ડાન્સીંગ લાઇટમાં શોર્ટ સરકીટ-સ્પાર્ક થતાં આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડના બંબા પહોંચ્યા એ પહેલા ગેમ ઝોનના કર્મચારીઓએ આગ ઓલવવાના સાધન એક્સીગ્યુશટની મદદથી આગ સંપુર્ણ કાબુમાં લઇ લીધી હોઇ દુર્ઘટના અટકી હતી. દરમિયાન ફન બ્લાસ્ટના મેનેજમેન્ટ મેનેજર જયદિપસિંહ પરમારે એક લેખીત સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે- સામાન્ય શોર્ટ સરકિટને કારણે તણખો થયો હતો, આ ઘટના સર્જાતા જ ફાયર એલાર્મ સિસ્ટમ સક્રિય થઇ ગઇ હતી અને પરિસ્થિતિ ગણતરીની સેકન્ડોમાં જ કાબુમાં આવી ગઇ હતી. આ ઘટનામાં કોઇપણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઇ નહોતી.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર સરિતા વિહારની પાછળ આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં સાંજે સાતેક વાગ્યે જમ્પીંગ સાઇટ નજીક અચાનક જ આગના તણખા દેખાતાં જ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આશરે ત્રણસો જેટલા લોકો, બાળકો સમયસુચકતા વાપરી ફટાફટ બહાર નીકળી ગયા હતાં. આગ ઇલેક્ટ્રીક ડાન્સીંગ લાઇટમાં શોર્ટ સરકીટને કારણે લાગી હતી. આ બનાવને પગલે તુરત જ ગેમ ઝોનનો સ્ટાફ કામે લાગ્યો હતો અને એક્સીગ્યુશટનથી આગ આગ બુઝાવી નાંખી હતી. બનાવની જાણ થતાં કાલાવડ રોડ ફાયર બ્રિગેડની ટીમ પણ મીની ફાયર ફાયટર સાથે પહોંચી ગઇ હતી. જો કે એ પહેલા આગ સંપુર્ણ ઠરી ગઇ હતી.
પરંતુ ધૂમાડાથી લોકો વધુ ભયભીત થઇ ગયા હતા અને બધા બહાર નીકળવા માંડયા હતાં. બનાવની જાણ થતાં મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં. તેમણે કહ્યું કે શોર્ટ સરકિટ થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક કારણ છે. કોઇ જાનહાની થઇ નથી. ફન બ્લાસ્ટ ગેમ ઝોનના સંચાલક જયદીપસિંહે જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં લગાવેલા સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઇ ગયા હતા અને સાયરન વાગવા લાગ્યા હતા. આગની કોઇ મોટી ઘટના બની નથી. સલામતી માટે લોકોને તાકીદે બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ ઘટનાની જાણ થતાં ટીમો પહોંચી હતી. લોકોને ચાર એક્ઝીટ ગેઇટ પરથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડના એસટીઓ તેજસભાઇ, વિકુભાઇ, સ્ટાફના ઇમ્તિયાઝભાઇલ મકવા, હાર્દિકભાઇ વાઘેલા, નરેશભાઇ સુચર, રાહુલભાઇ કાલીયા, બ્રિજેશકુમાર ગઢવી, નરેશભાઇ મેર સહિતે આ કામગીરી કરી હતી.
ફન બ્લાસ્ટના મેનેજર જયદિપસિંહ પરમાર (૯૪૦૮૮ ૮૮૮૮૫) વધુમાં જણાવ્યું હતું કે સંસ્થામાં-ફન બ્લાસ્ટમાં આધુનિક ટેક્નોલોજી આધારીત ફાયર સેફટીના તમામ સાધનો સુવિધાજનક રીતે સ્થાપીત કરાયા છે. આરએમસી દ્વારા ફાયર સેફટી અંગે સકારાત્મમક અભિપ્રાય અપાયેલો છે. સમગ્ર કેમ્પસમાં કુલ ૮ ઇમર્જન્સી એક્ઝીટ ગેઇટ છે, જે હમેંશા ખુલલ રખાય છે. આથી કંઇપણ થાય તો લોકો સુરક્ષીત રીતે બહાર નીકળી શકે છે, રવિવારે પણ બધા સરળતાથી નીકળી ગયા હતાં. ઘટના સમયે હાજર વ્યક્તિઓ ગણતરીની મિનીટોમાં બહાર નીકળી ગયા હતાં. દર મહિને અહિ મોકડ્રીલ પણ યોજાય છે, જે ક્વોલીફાઇડ ફાયર ઓફિસરની હાજરીમાં યોજાય છે. ફન બ્લાસ્ટ ચાલુ હોય તે વખતે પણ ફાયર ઓફિસર સતત હાજર રહે છે. ફાયર સેફટી સર્ટિફિકેટનું રીન્યુઅલ તા. ૧૩/૪/૨૬થી માન્ય છે. દરેક સ્ટાફને નિમણુંક પહેલા ફાયર સેફટીની પુરતી ટ્રેનીંગ અપાય છે. ઘટના સમયે હાજર તમામ ગ્રાહકોને કે જેમણે રીચાર્જ કરાવ્યૂં હતું તેમને બહાર નીકળતાં જ સંપુર્ણ રકમ પરત આપી દેવાઇ હતી. આ સમગ્ર ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની કે આર્થિક નુકસાની થયેલ નથી. ફન બ્લાસ્ટ દ્વારા જનતાને વિનંતી કરવામાં આવે છે કે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો. ફન બ્લાસ્ટ એક બે દિવસમાં ફરી શરૂ કરવામાં આવશે. તેમ વધુમાં જયદિપસિંહ પરમારે લેખિત સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે.
(2:33 PM IST)










