તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Thursday, 5th November 2026
રાજકોટ નજીક ગોપાલ સ્નેકના જૂના વેરહાઉસમાં ભભૂકી આગ : મોટી દુર્ઘટના ટળી : જુઓ વિડીયો
વડવાજડી-ઈશ્વરીયા રોડ ઉપર આવેલ ફેક્ટરી પાસે રાજકોટ ફાયર બ્રિગેડ-મેટોડા જીઆઈડીસી પોલીસ-પીજીવીસીએલ અને ગ્રામજનોની સંયુક્ત જહેમતથી આગ કાબુમા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૫ : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ વડ વાજડી-ઈશ્વરીયા રોડ નજીક ગોપાલ સ્નેકના જૂના વેરહાઉસમાં આજે બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વડ વાજડી ગ્રામપંચાયતના સરપંચ મહેન્દ્રસિંહ ડાભીના જણાવ્યા મુજબ બપોરે ૧૨ વાગ્યે આગ લાગી હતી.આગે જોતજોતામાં વેરહાઉસને લપેટમાં લીધું હતું. જોકે તંત્રની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આગની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડ, મેટોડા જીઆઈડીસી પોલીસ, મેટોડા પીએસઆઈ ઝાલા સાહેબ, પીજીવીસીએલ સ્ટાફ, સરપંચ મહેન્દ્રસિંહ ડાભી સહિત તમામ લોકો ઘટનાસ્થળે ઉપસ્થિત થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરીને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા લોકોને દૂર રાખીને વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
લગભગ સવા બે કલાકની ભારે જહેમત બાદ બપોરે ૨:૧૫ વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.
આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થયેલ નથી.આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર રીતે કંઈ જાણવા મળ્યું નથી. નુકસાનીનો આંક હજુ સામે આવ્યો નથી, પરંતુ વેરહાઉસમાં રાખેલા સામાનને નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સરપંચ તથા ગ્રામજનોએ ફાયર બ્રિગેડ, પોલીસ અને પીજીવીસીએલની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.
(2:34 PM IST)










