News of Monday, 6th July 2026
આખરે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કીટની મંજુરીઃ જુલાઇના અંતમાં આ સેવા શરૂ થશે
જીલ્લાના અન્ય તાલૂકામાં પણ આધારકાર્ડ અપગ્રેડેશન માટે ૯ નવી કીટ ફાળવાઇ

રાજકોટ, તા.૬: કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લાંબા સમયથી આધાર કાર્ડ માટેની કીટ ન હતી. લાંબા સમય બાદ હવે જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં આ સેવા સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલેકટર દ્વારા આધાર કાર્ડ માટે નવી કીટ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીને ઝડપી બનાવવા માટે જિલ્લામાં ૯ જેટલી કીટોને અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તાલુકા સ્તરે પણ આધાર કાર્ડની કામગીરીમાં વેગ આવશે.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આધાર કાર્ડમાં સુધારા-વધારા કે નવી નોંધણી માટે લોકોને લાંબા અંતર કાપવા પડતા હતા. હવે આ સુવિધા કલેકટર કચેરીમાં જ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળશે.
નવી કીટો કાર્યરત થવાથી અને અપગ્રેડેશનને કારણે આધાર કાર્ડની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. ખાસ કરીને તાલુકાના વિસ્તારોમાં આ કીટોના ઉપયોગથી કામગીરીમાં આવતી રૂકાવટ દૂર થશે અને આધાર કાર્ડ સંબંધિત કામો સમયસર પૂર્ણ થઈ શકશે.
(3:04 PM IST)










