તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
સિવિલ હોસ્પિટલમાં ઇસીજી કઢાવવા માટે પચાસેક દર્દીઓની લાઇનઃ બબલુભાઇ ત્યાં જ ઢળી પડતાં મોત
મયુરનગરમાં રહેતાં મુળ યુપીના યુવાનને ગભરામણ થતી હોઇ સારવાર માટે આવ્યા ત્યારે બનાવ બન્યોઃ પરિવારજનોમાં શોક સાથે હોસ્પિટલ તંત્રની વ્યવસ્થા સામે ભારે રોષ

રાજકોટ તા. ૨૬: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક યુવાન પોતાને ગભરામણ થતી હોઇ ઇસીજી કઢાવવાની લાઇનમાં ઉભા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ તેનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ઇસીજી કઢાવવમાં પચાસેક દર્દીની લાઇન હતી, ઇમર્જન્સી હોવા છતાં અમારા દર્દીને આળગ વારામાં લેવાની તસ્દી સંબંધીઓને દાખવી નહોતી.
જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ પર મયુરનગરમાં રાજમોતી મીલ પાસે રહેતાં બબલુભાઇ સુદામાભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૪૨) નામના યુવાનને ગઇકાલે બપોરે ઘરે હતાં ત્યારે તબિયત બગડતાં ગભરામણ જેવું થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેઓ ઓપીડીમાં ઇસીજી કઢાવવા માટેની લાઇનમાં ઉભા હતાં. ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં ઓપીડી વિભાગમાં સારવાર માટે ખસેડાયા હતાં.
ત્યાંથી વધુ સારવાર માટે ઈમર્જન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તેમનું સાંજે મૃત્યુ થયું હતું. બનાવ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ઇલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ યુપીના વતની હતાં અને બે બહેન ત્રણ ભાઇમાં મોટા હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. સગાએ આક્ષેપ કર્યો હતો કે તબિયત વધુ ખરાબ હોવા છતાં ઇસીજી કઢાવવા ૧૯ નંબરના રૂમ ખાતે મોકલાયા હતાં. જ્યાં લાઇનમાં ઉભા રખાયા હતાં. પણ લાઇનમાં અગાઉથી પચાસેક દર્દીઓ હતો. જો ઝડપથી ઇસીજી કાઢી આપી સારવાર કરવામાં આવી હોત તો કદાચ અમારા સ્વજન હયાત હોત. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો અને સાથે સાથે સિવિલ હોસ્પિટલ તંત્રની વ્યવસ્થા સામે રોષ પણ વ્યાપી ગયો હતો. મૃતકના સગાએ કહ્યું હતું કે લાપરવાહીને કારણે આમ થયું હોઇ અમે જવાબદાર સામે કાર્યવાહી કરાવશું.
(3:57 PM IST)










