તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
સમર્થ ક્રેડિટ સોસાયટીના ચેક રીટર્ન કેસમાં મહિલા ડિફોલટરને એક વર્ષની સજા

રાજકોટ, તા.૫: શહેરની શ્રી સમર્થ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી સભાસદ દરજજે લીધેલી લોનની બાકી રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે મહિલા ડિફોલ્ટરને એક વર્ષની સજા અને ચેકની રકમ પર ૯ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના નવા થોરાળા, કસ્તુરબાધામના રહેતા વર્ષાબેન હરેશભાઈ નારોલાએ શ્રી સમર્થ ટ્રેડિટ કો-ઓ. સોસાયટીમાંથી રૂા.૫૦,૦૦૦ ની લોન લીઘી હતી. લોનની રકમ ભરપાઈ કરવા રૂ.૩૫,૨૯૫નો આપેલો ચેક બેંક ખાતામાંથી અપુરતા નાણાને કારણે પરત ફર્યો હતો, કાયદાકીય પ્રક્રિયા મુજબ સોસાયટી દ્વારા વર્ષાબેન નારોલાને નોટીસ પાઠવવા છતાં વર્ષાબેન નારોલાએ ચેકવાળી રકમ ચુકવેલ નહિં. શ્રી સમર્થ ટ્રેડિટ કો-ઓ. સોસાયટી લી.એ કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
ત્યારબાદ આ ફોજદારી ફરીયાદ ચાલી જતા સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા અને ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ સુપિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહય રાખી કોર્ટે વર્ષાબેન નારોલા સામેનો કેસ સાબિત થયેલ છે તેવુ માની એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે ફરીયાદીને ચેકની રકમનું વળતર ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા હુકમ ફરમાવેલ છે અને જો વતર ન ચુકવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદી શ્રી સમર્થ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી. તરફથી એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજ સાકરીયા, રીધ્ધી પીલોજપરા સહાયક એશા બુસા, મહેક ચીકાણી રોકાયેલ હતા.
(4:41 PM IST)










