તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 25th April 2026
ઘંટેશ્વરમાં શેરી શ્વાનને પિતા-પુત્રએ અત્યંત નિર્દયતાથી લાકડીથી ફટકાર્યુઃ અરેરાટી ઉપજાવતા સીસીટીવી ફુટેજ
કલ્યાણનગરના ક્રિનાબેન પરમાર શેરી શ્વાનને સાચવતાં હોઇ તેમના ફળીયામાં બેઠુ હતું: રડતું હોઇ, ભસતું હોઇ પાડોશીને ગુસ્સો આવ્યો અને તૂટી પડ્યા સેવા સદન સંસ્થાના તેજલબેન મિસ્ત્રી સહિતના જીવદયા પ્રેમીઓ ક્રિનાબેનને લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યાઃ પીઆઇ સી. એન. દવેએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારના કલ્યાણનગરમાં એક ફળીયામાં બાંધીને રખાયેલા શ્વાનને બે લોકો અતિ નિર્દયતાથી લાકડીથી ફટકારતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ દ્રશ્યો અત્યંત અરેરાટી ઉપજાવે તેવા છે. શેરી શ્વાનને આ વિસ્તારના એક મહિલા સાચવતા હોઇ શ્વાન મોટે ભાગે તેમના ફળીયામાં જ બેસે છે. આ દરમિયાન તે ભસતું હોઇ, કયારેક રડતું હોઇ પાડોશમાં રહેતાં આ બંને લોકોને તે ન ગમતાં ગઇકાલે આ શ્વાન પર લાકડીથી તૂટી પડી બેફામ ફટકા માર્યા હતાં. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે સેવા સંસ્થાના સંચાલક મહિલા, જેમના ઘરે આ આ બનાવ બન્યો તે મહિલા તેમજ બીજા જીવદવા પ્રેમીઓ આ ફુટેજ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ જીવદયાનું અને મુંગા પશુઓની સેવા કરવાનું કામ સંભાળતા સેવા સદન સંસ્થાના તેજલબેન મિસ્ત્રી તેમજ અન્ય જીવદયા પ્રેમીઓએ આજે બપોરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પીઆઇ સી. એન. દવે સમક્ષ રજૂઆત કરી હતી કે ઘંટેશ્વરના કલ્યાણ નગરમાં રહેતાં ક્રિનાબેન પરમારે તેમના ફળીયામાં બાંધીને રાખેલા શેરી શ્વાન પર ક્રિનાબેનના પાડોશીઓએ લાકડીથી હુમલો કરી બેફામ માર માર્યો છે. ક્રિનાબેન પણ આ મામલે ફરિયાદ કરવા સાથે જોડાયા હતાં.
તેજલબેને જણાવ્યું હતું કે કલ્યાણનગરમાં રેહતાં ક્રીનાબેન એક શેરી શ્વાનને સાચવતાં હોઇ આ શ્વાન તેમના ફળીયામાં જ મોટે ભાગે બેઠુ રહે છે. ગઇકાલે આ શ્વાનને ફળીયામાં બાંધીને રખાયુ હતું ત્યારે પાડોશી એવા બે લોકો કે જે પિતા પુત્ર છે તેઓ અચાનક લાકડી લઇ ધસી આવ્યા હતાં અને બાંધેલા કૂતરાને આડધેડ ફટકા મારતાં શ્વાને ચીસાચીસ કરી મુકતાં અવાજ સાંભળી ક્રિનાબેન બહાર આવતાં તેણે પાડોશીઓને શ્વાનને લાકડીના ફટકા મારતાં જોતા તે શ્વાનને બચાવવા વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી લીધી હતી. આ બનાવની જાણ પોતાને (તેજલબેનને) કરતાં પોતે ક્રીનાબેન અને બીજા જીવદયા પ્રેમીઓને સાથે લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં અને પીઆઇ સી. એન. દવેને મળી શ્વાનને બેફામ મારકુટ કરનારા સામે ગુનો નોંધાવવા લેખીત ફરિયાદ આપી હતી. તસ્વીરમાં શ્વાનને મારકુટ કરતાં બંને શખ્સ, બચાવવા વચ્ચે પડેલા ક્રીનાબેન સાથે પણ ઝપાઝપી થઇ હતી તે દ્રશ્યો અને બાદમાં આજે બપોરે તેજલબેન, ક્રીનાબેન સહિતે મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ કરી હતી તે જોઇ શકાય છે. એમ્બ્યુલન્સ બોલાવી આ શ્વાનની સારવાર કરાવવામાં આવતાં તેનો જીવ તો બચી ગયો છે. પરંતુ બેફામ લાકડીના ફટકાને કારણે તેને ભારે ઇજા પહોંચી છે.
(3:51 PM IST)










