<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

પારડીમાં રાજકોટની ફરીનબેનને પતિ-સાસરિયાનો ત્રાસઃ દિકરીના જન્‍મ પછી કાઢી મુક્‍યાનો આરોપ

નણદ-નણંદોયા પણ પતિને ચઢામણી કરતાં-તું આને કાઢી મુક તારા બીજા લગ્ન કરાવી દઇશું: નોકરી કરી પતિને છ લાખ દીધાઃ છતાં ઝઘડા કરતોઃ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૪: પરિણીતાને ત્રાસ અંગે વધુ એક ગુનો મહિલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો છે. હાલ રાજકોટ પોપટપરામાં માવતરે રીસામણે આવેલી પરિણીતાએ લોધીકાના પારડી ગામે રહેતાં પતિ, સાસુ, સસરા, રાજકોટ રહેતાં નણંદ-નણદોયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો છે. તેણી સાસરીયામાં હતી ત્‍યારે નોકરી કરતી હોઇ સાસરિયા પગાર પડાવી લેતાં હોવાનો અને પતિએ પણ ગાડી લેવા, હપ્‍તા ભરવા, ફર્નિચર લેવા, દેણા ચુકવવા છ લાખ લઇ લીધાનો અને દિકરીનો જન્‍મ થયા બાદ વધુ ત્રાસ આપી છેલ્લે દિકરી સાથે કાઢી મુક્‍યાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્‍ટેશનમાં પોપટપરા શેરી નં. ૧૪માં હનીફાબેનના મકાનમાં ભાડેથી રહેતી ફરીનબેન આર્યન ઓડીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી લોધીકાના પારડી ગામે રહેતાં તેણીના પતિ આર્યન યુનુસભાઇ ઓડીયા, સાસુ રસીદાબેન, સસરા યુનુસભાઇ જુસબભાઇ ઓડીયા, પીરવાડી ગણેશ પાર્કમાં રહેતી નણંદ આશીયાના, નણદોયા મહેબુબ અબ્‍બાસભાઇ લીંગડીયા વિરૂધ્‍ધ ગુનો  દાખલ કરાયો છે.

ફરીનબેનના લગ્ન ૨૦૨૪માં પારડીના આર્યન ઓડીયા સાથે સમાજના રિવાજ મુજબ થયા છે. સંતાનમાં ૧૧ મહિનાની દિકરી છે. ફરીનબેન હાલ પોણા ત્રણેક મહિનાથી રાજકોટ માતાના ઘરે રીસામણે  છે. તેણીએ બીએ સુધીનો અભ્‍યાસ કરેલો  છે. ફરિયાદમાં જણાવાયા મુજબ લગ્ન બાદ સંયુક્‍ત પરિવારમાં રહેતી પરિણીતા જ્‍યારે નોકરી કરતી હતી ત્‍યારે સાસુ રસીદાબેન અને સસરા યુનુશભાઈ ઓડિયા તેનો આખો પગાર માંગી લેતા હતા. આ ઉપરાંત પતિ આર્યનને પણ સુપર કેરીગાડી લેવા, તેના હપ્તા ભરવા, ઘરના ફર્નિચર અને દેણુ ચૂકવવા માટે પરિણીતાએ પોતાના તરફથી કટકે-કટકે આશરે રૂ. ૬ લાખ આપ્‍યા હતા.

ત્‍યારબાદ દિકરીનો જન્‍મ થતાં જ સાસુ-સસરા અને પતિએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. અવારનવાર નાની-નાની બાબતોમાં બોલાચાલી કરી, કપડાં પ્રેસ કરવા અને ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારી ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ ઘરે આવતા નણંદ આસીયાનાબેન અને નણદોઈ મેહબૂબભાઈ લીંગડીયા પણ પતિ અને સાસુ-સસરાને ચડામણી કરતા હતા. નણંદ નણદોઇ કહેતા કે-આને ઘરમાંથી કાઢી મુક, અમે તારા બીજા લગ્ન કરાવી આપશું. જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.

સાસરિયાઓનો ત્રાસ અને બોલાચાલી વધતાં પરિણીતાએ અલગ રહેવા માટે કહેતા પતિ આર્યનએ ઉશ્‍કેરાઈને મારકૂટ કરી તેને ૧૧ માસની બાળકી સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. છેલ્લા પોણા ત્રણ મહિનાથી પિયરમાં રહેતી પરિણીતા અને તેની માતાએ સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ પતિ તેને સાથે રાખવા તૈયાર ન હતો. આખરે કંટાળીને તેણીએ ફરિયાદ કરી હતી. મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર. જી. પઢીયારની રાહબરીમાં એએસઆઇ દિલીપસિંહ જેસંગભાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)