તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 14th September 2026
નકલી પોલીસ, નકલી મામલતદાર, નકલી જેલર અને હવે નકલી શ્રમ ઓફિસર બન્યો!: રીઢો ઠગ ઝડપાયો
જેતપુરમાં કારખાનેદાર પાસે ૧૦ હજાર પડાવનાર ઝડપાતા ચોંકાવનારી વિગતો ખુલી :રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પીઆઇ એસ.એચ. શર્મા અને એલસીબી પીઆઇ જે.પી. રાવની ટીમે આરોપીને અમદાવાદથી ઝડપી લીધો

જેતપુરમાં કારખાનેદારને શ્રમ ઓફિસરની ખોટી ઓળખ આપી રૂા.૧૦ હજાર પડાવી લેનાર આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી, આરોપી અગાઉ પણ નકલી પોલીસ, નકલી મામલતદાર, નકલી જેલર, નકલી આઇ.ટી. અધીકારી બનવા સહિત ૯ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૧૬)
રાજકોટ તા.૧૪: જેતપુરમાં કણકીયા પ્લોટમાં રહેતા અને ભાદરના સામાકાંઠે નંદાણીયાનગરમાં શિવ ફિનીસીંગ નામે સાડી ફિનીસીંગનું કારખાનું ચલાવતા મીત મનસુખભાઇ ભુવા (ઉ.વ.૨૫) ને કોલ કરી ‘‘હું ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફિસર ડી.કે. પટેલ બલુ છુ, તમારા કારખાનામાંથી અગાઉ ૮ બાળમજુરો પકડાયા હતા. તે બાબતે કલોર નોટીસ રીપોર્ટ બનાવવો છે'' કહી રૂા.૪૦ હજાર માંગી રૂા.૧૦ હજાર પરાણે કઢાવી લેવાયાની જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. જે ગુનાનો ભેદ પોલીસ ઉકેલી નાખી અમદાવાદથી રીઢા ઠગને ઝડપી લઇ પૂછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.
મીતભાઇ ભુવાએ આ મામલે ડી.કે. પટેલ નામે ઓળખ આપનાર શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગત તા.૨૨/૫ ના તેના કારખાનામાં સરકારી શ્રમ અધિકારી અને બાળ નિરિક્ષક રાજકોટની કચેરીના સ્ટાફ અને પોલીસ સ્ટાફે ચેકીંગ કરી તે બાળશ્રમિકોને મુકત કરાવી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસમાં તેને જામીન મળ્યા હતા. ગત તા.૨૬ના તેના મોબાઇલ પર કોલ આવેલ અને કોલ કરનાર ‘‘ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફિસર ડી.કે. પટેલ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવ્યો છે, તમારા કારખાનામાંથી ૮ બાળમજુરો પકડાયા છે જે અંગે મારે કારખાનાનો કલોજર રીપોર્ટ બનાવવાનો છે. તમે કહેતા હોય તો હળવો રીપોર્ટ બનાવી આપુ. પરંતુ તમારે વહીવટ કરી રૂા.૪૦ હજાર આપવા પડશે. કહેતા તેને આટલા બધા થોડા હોય તેમ જવાબ આપતા આરોપીએ ‘‘હું રીપોર્ટ કરૂ તો તમારૂ કારખાનુ ૯૦ દિવસ બંધ રહેશે'' તેમ વાત કરી હતી. થોડીવાર બાદ વોટસએપ કોલ આવતા સહમતી આપી હતી. બે દિવસ બાદ ગઇ તા.૨૮/૫ ના તે મિત્ર જીતેન્દ્રભાઇ સાથે હતા ત્યારે આરોપીએ ફરી ડરાવી ફરી ૪૦ હજારની માંગણી કરતા તેને રૂા.૧૦ હજાર આપી બાકીના કારખાનાના નીલ રીપોર્ટ બાદ આપવાનું કહી તેને રકમ આપી હતી.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી રેન્જ ડીઆઇજી નિર્લીપ્તરાય અને એસ.પી. વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધિક્ષક વી.જે. વ્યાસના માર્ગદર્શન હેઠળ તપાસ કરી આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો નરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૦ રહે.ઇસનપુર, મંગળેશ્વર મહાદેવ રોડ, અમદાવાદ)ને અમદાવાદથી ઝડપી લીધો હતો.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી. રાવ, જેતપુર ઉદ્યોગનગર પીઆઇ એસ.એચ. શર્મા, એએસઆઇ હરદેવસિંહ ચુડાસમા સહિતની ટીમે કરી હતી.(૨.૧૬)
આરોપી ૯ ગુનામાં સંડોવાઇ ચુકયો છે
પોલીસે જણાવ્યુ કે, આરોપી અગાઉ અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને સુરતમાં નકલી જેલર, નકલી મામલતદાર, નકલી ઇન્કમટેક્ષ ઓફિસર, નકલી પોલીસ, નકલી ફુડ સેફટી ઓફીસર, છેતરપીંડી, જુગાર, દારૂ સહિત ૯ ગુના પોલીસ ચોપડે ચડી ચુકયા છે.(૨.૧૬)
ન્યુઝમાંથી ગુનાની વિગત, આરોપીના નામ સરનામાની વિગત મેળવતો હતો
પોલીસે જણાવ્યુ કે આરોપી અલગ-અલગ ન્યુઝ ચેનલ અને ક્રાઇમને લગતા એપીસોડ જોઇ તેમાંથી બનાવની વિગત, આરોપીના નામ, સરનામા,પોલીસમથક સહિત ગુનાના વિગત મેળવી લેતો હતો. બાદમાં જસ્ટ ડાયલ મારફે કચેરીઓના નંબર મેળવી ગુના સંબંધ અલગ-અલગ કચેરીમાંથી અધિકારીની ઓળખ આપી ધાક ધમકીઓ અને જેલમાં મોકલવાની ધમકીઓ આપવાની એમ.ઓ ધરાવે છે.(૨
(3:03 PM IST)










