તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
રાજકોટમાં 'ખાખી'નો રોફ છાંટતો નકલી પોલીસ ઝડપાયો: રૂ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત
શાપર પોલીસની સપાટો: બનાવટી આઇડી કાર્ડ અને પોલીસ યુનિફોર્મ સાથે આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટ: રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાંથી પોલીસે એક બોગસ પોલીસ કર્મચારીને ઝડપી પાડી તેની પોલ ખોલી નાખી છે. સામાન્ય નાગરિકો અને પરપ્રાંતિય શ્રમિકોને પોલીસ રોફ બતાવી ડરાવવા-ધમકાવવાના ઇરાદે રખડતા આ નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂ. 40 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, શાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં ફરતા એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આરોપી પોતે પોલીસ કર્મચારી હોવાનો દાવો કરી રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં અને આઈડી કાર્ડની તપાસ કરતાં તેનો ભોપાળો છતો થયો હતો.
પોલીસે આરોપી પાસેથી બોગસ પોલીસ આઈડી કાર્ડ, ખાખી ગણવેશ અને અન્ય બનાવટી સામગ્રી સહિત કુલ રૂ. 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સે ભૂતકાળમાં કેટલા લોકોને ડરાવીને નાણાં પડાવ્યા છે કે ગુના આચર્યા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
(11:57 AM IST)










