News of Monday, 18th May 2026
ફેસબૂક ફ્રેન્ડ નિધી મિશ્રાનું ફ્રોડઃ પીજીવીસીએલના અધિક્ષક હિસાબનીશને ૧૬.૯૨ લાખનો ચૂનો લગાવ્યો
રૈયાધાર સોપાન હાઇટમાં રહેતાં કલ્પેશભાઇ પારેખને ૧૦ હજાર સામે ૧૩ હજાર મળતાં વધુ રોકાણ કર્યુ અને છેતરાયા : ૫.૭૨ લાખના રોકાણ સામે નફો વીડ્રો ન કરવા દઇ લિંક બ્લોક કરી દેવાતાં સાયબર ક્રાઇમમાં ૧૯૩૦માં ફરિયાદ કરીઃ તેમને આ ફ્રોડ હોવાનું રૂબરૂ બોલાવી સમજાવ્યા છતાં આઇડીમાં નફો દેખાતો હોઇ ફી, પેનલ્ટીના નામે વધુ : ૧૧.૧૯ લાખ ટ્રાન્સફર કરી દીધા!: સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: શહેરમાં સાયબર ગઠિયાઓએ વધુ એક શિક્ષિત નાગરિકને પોતાનો શિકાર બનાવી લાખો ખંખેરી લીધા છે. પીજીવીસીએલ ઓફિસમાં ક્લાસ-૧ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક્ષક હિસાબનીશ સાથે ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયેલી વાતચીતમાં પાર્ટ ટાઈમ ટ્રેડિંગના નામે બાઈનાન્સ એપ્લીકેશનમાં ક્રિપ્ટો કરન્સીના નામે રોકણ કરી નફો અપાવવાની લાલચ દઇ રૂપિયા ૧૬,૯૨,૨૦૦ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. નિધી મિશ્રા નામથી ફેસબૂકમાં ફ્રન્ડ રિક્વેસ્ટ મોકલીને આ ઠગાઇ કરવામાં આવી હતી.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રૈયાધાર ડ્રીમ સીટી સામે સોપાન હાઇટ એ-૧૧૦૧માં રહેતાં અને નાના મવા રોડ પર પીજીવીસીએલમાં અધિક્ષક હિસાબનીશ તરીકે ફરજ બજાવતાં કલ્પેશભાઇ ચંદ્રકાંતભાઇ પારેખ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી ફેસબૂક આઇડી ધારક, વ્હો્ટસએપ એકાઉન્ટ ધારક અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગતો અનુસાર કલ્પેશભાઇ પારેખ નવેમ્બર ૨૦૨૫ માં ફેસબૂક વાપરતા હતા. તે દરમિયાન તેમને નિધી મિશ્રા નામની એક અજાણી ફેસબૂક પ્રબોફાઈલ લિંક જોવા મળતા તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સામેવાળી વ્યક્તિએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ ફેસબુક મેસેન્જર પર અવારનવાર વાતચીત શરૂ થઈ હતી.
થોડા દિવસો બાદ અજાણી યુવતીએ પોતે મેસેન્જરનો ઓછો ઉપયોગ કરે છે તેમ કહી પોતાનો વોટ્સએપ નંબર આપી ત્યાં મેસેજ કરવા જણાવ્યું હતું. વોટ્સએપ પર વાતચીત દરમિયાન નિધિ મિશ્રાએ કલ્પેશભાઈને વિશ્વાસમાં લઈ જણાવ્યું કે તે નોકરીની સાથે બાઈનાન્સ એપ્લિકેશનમાં ટ્રેડિંગ કરીને મોટો નફો કમાય છે. વધુ પ્રોફિટ મેળવવાની લાલચમાં આવીને કલ્પેશભાઈએ પ્લે સ્ટોર પરથી બાઈનાન્સ એપ ડાઉનલોડ કરી પોતાનું વોલેટ બનાવ્યું હતું.ત્યારબાદ ગત તા. ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ નિધિ મિશ્રાએ ટ્રેડિંગના બહાને એક કયુઆર કોડ મોકલ્યો હતો. કલ્પેશભાઈએ પોતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી જી-પે દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેમના વોલેટમાં સારો નફો બતાવતા સામાવાળાના કહેવાથી તેમણે રૂપિયા ૧૩,૦૦૦ વિડ્રો કરી લીધા હતા. પ્રથમ પ્રયાસમાં જ નફા સાથે રૂપિયા બેંક ખાતામાં જમા થઈ જતાં કલ્પેશભાઈને આ સિસ્ટમ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો.
વિશ્વાસ જીત્યા બાદ નિધિ મિશ્રાએ કલ્પેશભાઈને ટ્રેડિંગ ટિપ્સ આપવા માટે ડ્રીમ્સ ૧૦૬૩૮૭ નામના એક વોટ્સએપ ગ્રૂપની લિંક મોકલી તેમાં જોઈન કર્યા હતા. આ ગ્રૂપનો એડમિન કોઇ સુરેશ સર હતો. જે રોકાણ અંગેની ટિપ્સ આપતો હતો. નિધિએ શરત રાખી હતી કે નફાના ૩૦ ટકા કમિશન તરીકે આપવાના રહેશે અને એજન્ટ થકી રોકાણ કરવાથી વધુ નફો મળશે. ત્યારબાદ સાયબર ગઠિયાઓએ એક અજાણી લિંક મોકલી કલ્પેશભાઈનું નવું ટ્રેડિંગ વોલેટ બનાવડાવ્યું હતું.
ટોળકીના કહેવા મુજબ કલ્પેશભાઈએ અલગ-અલગ તારીખોમાં નિધિ મિશ્રા દ્વારા મોકલવામાં આવેલા જુદા-જુદા બેંક એકાઉન્ટ્સ અને કયુઆર કોડમાં પોતાના એસબીઆઇ અને એક્સિસ બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે રૂપિયા ૫,૭૨,૮૦૦નું રોકાણ કરી દીધું હતું. ત્યારબાદ જ્યારે કલ્પેશભાઈએ પોતાના નફાના રૂપિયા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સામાવાળાએ લિંક બ્લોક કરી દીધી અને વધુ રૂપિયા ડિપોઝિટ કરવા દબાણ કર્યું હતું. છેતરાયા હોવાનો અહેસાસ થતાં કલ્પેશભાઈએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર કોલ કરી ઓનલાઈન અરજી નોંધાવી હતી.
અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગત તા. ૦૬/૧૨/૨૦૨૫ ના રોજ કલ્પેશભાઈને રૂબરૂ બોલાવી તેમનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે તેમને વિગતવાર સમજાવ્યું હતું કે આ એક ડિજિટલ ફ્રોડ છે, ગઠિયાઓ લોભ-લાલચ આપી વધુ નાણાં પડાવશે એટલે હવે પછી સામાવાળાને એક પણ રૂપિયો ટ્રાન્સફર કરવો નહીં.
પરંતુ ડિજિટલ વોલેટમાં લાખો રૂપિયાનો નફો ઓનલાઈન દેખાતો હોવાથી તે રૂપિયા પરત મેળવવાની લાલચમાં કલ્પેશભાઈ ફરી સાયબર ગઠિયાઓના સંપર્કમાં આવ્યા હતા. ગઠિયાઓએ નવા વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી વેરિફિકેશન ફી અને પેનલ્ટીના નામે રૂપિયા ભરવા પડશે તો જ જૂના રૂપિયા છૂટા થશે તેવું જૂઠાણું ચલાવ્યું હતું. કલ્પેશભાઈએ ફરીથી વિશ્વાસ કરીને પોતાના એસબીઆઇ, એક્સિસ અને એચડીએફસી બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા વધુ રૂપિયા ૧૧,૧૯,૪૦૦ સાયબર ચોરોના ખાતામાં જમા કરાવી દીધા હતા.
બીજી વખત પણ મોટી રકમ ટ્રાન્સફર કરવા છતાં સાયબર ગઠિયાઓએ વધુ સિકયોરિટી ફીના બહાના હેઠળ નાણાં વિડ્રો આપવાનો ઈનકાર કરી દીધો હતો. આથી આખરે કલ્પેશભાઈએ ફરીથી ૧૯૩૦ પર અરજી કરી હતી. સરકારી કર્મચારી હોવાના કારણે અને જિલ્લા બહાર તાલીમમાં વ્યસ્ત હોવાથી તેઓ અગાઉ રૂબરૂ ફરિયાદ નોંધાવી શકયા ન હતા. હવેરાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ તેમણે ફેસબુક આઈડી નિધી ીમશ્રા, વોટ્સએપ ધારકો અને ફ્રોડના નાણાં જે બેંક ખાતાઓમાં જમા થયા છે તે તમામ શંકાસ્પદ ખાતાધારકો વિરૂધ્ધ કુલ રૂપિયા ૧૬,૯૨,૨૦૦ની છેતરપિંડીની એફઆઇઆર દાખલ કરાવતાં પીએસઆઇ જી. કે. રાઠોડે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ બી. બી. જાડેજાએ હાથ ધરી છે.
(3:08 PM IST)










