તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પરીક્ષા બોર્ડ દ્વારા રવીવારે રાજકોટ સહિત ૪ જીલ્લા કેન્દ્રો ઉપર ‘ટાટ'ની પરીક્ષાઃ રાજકોટમાં ૮૪ કેન્દ્રોઃ ૧પ હજાર ઉમેદવાર
શનીવારે ગાંધીનગરથી પરીક્ષા બોર્ડના ઓબઝર્વર આવશેઃ કલેકટર દ્વારા દરેક કેન્દ્ર ઉપર નિરિક્ષકો મુકાશે

રાજકોટ, તા. ૧૭: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા.૨૦ને રવિવારે ટાટ-સેકન્ડરીની પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાર જિલ્લા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ કેન્દ્રમાં ૮૪ સેન્ટર નક્કી કરાયા છે અને તેના પર ૧૫૦૦૦થી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના અંદાજે ૧૫૦૦૦થી વધુ સહિત સમગ્ર રાજ્યમાં ૭૫૯૯૩ ઉમેદવાર નોંધાયા છે. જેમાં રાજકોટમાં ૮૪ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં ઉમેદવારોએ કુલ ૨ પેપરો આપવાના રહેશે. જેમાં પ્રથમ પેપર-૧ ભાષા ક્ષમતાનું અને પેપર-૨ વિષય વસ્તુ અને પધ્ધતિ શાષાનું એમ ૧૦૦-૧૦૦ ગુણના બે પેપરો લેવાશે.
આ પરીક્ષાની હોલ ટિકિટ ૧૪ સપ્ટેમ્બરથી ઓનલાઇન ઇસ્યૂ કરી દેવાઈ છે. પરીક્ષા સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬નો સમય રહેશે. આ પરીક્ષામાં ગાંધીનગરથી રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારી ઓબ્ઝર્વર આવશે. તેમજ કલેકટર તંત્ર દ્વારા વર્ગ-૧ અને ૨ના દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર તરીકે મુકાશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં પ્રવેશ લઇ લેવાનો રહેશે.
દરમિયાન આ પરીક્ષા બાબતે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. રવિવારે સવારે ૭ થી સાંજે ૭ સુધી કેન્દ્રોની ૧૯૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ વ્યકિતઓ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકાયો છે.
કેન્દ્રની આસપાસના સ્ટેશનર્સ કે વેપારીઓ દ્વારા ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. કેન્દ્રની ર૦૦ મીટરના એરીયામાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહી. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટવોચ, ડિજીટલ ઉપકરણો-સાહિત્ય લઇ જવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે.
(2:46 PM IST)










