<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

શહેરમાં રોગચાળાનો ભરડોઃ સપ્તાહમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૨૦૦૦થી વધુ દર્દી

સાત દિવસમાં ડેન્‍ગ્‍યુના ૨ અને મેલેરિયાનો ૧ કેસ નોંધાયોઃ આરોગ્‍ય વિભાગે ૭૮,૨૫૮ ઘરમાં પોરાનાશક કામગીરી કર્યાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પત્તિ બદલ ૩૨૦ને નોટિસ

રાજકોટ, તા. ૧૨: શહેરમાં બદલાતા વાતાવરણ વચ્‍ચે રોગચાળાએ માથું ઊંચકયું હોય તેમ માત્ર એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને સામાન્‍ય તાવના કુલ ૧,૮૮૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના ૧૮૪ કેસ સામે આવતાં માત્ર સાત દિવસમાં સામાન્‍ય રોગચાળાના કુલ ૨,૦૭૧ દર્દીઓ સારવાર માટે પહોંચ્‍યા હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગના આંકડાઓ પરથી સામે આવ્‍યું છે.

મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા તા. ૫થી ૧૧ ઓક્‍ટોબર દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો જાહેર કરવામાં આવી છે. આ સમયગાળામાં શરદી-ઉધરસના ૯૭૨ અને સામાન્‍ય તાવના ૯૧૫ કેસ નોંધાયા છે. જ્‍યારે ઝાડા-ઉલટીના ૧૮૪ કેસ નોંધાયા છે. જોકે ટાઇફોઇડ, કમળો, મરડો અને કોલેરાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

શહેરમાં મચ્‍છરજન્‍ય રોગોનું જોખમ પણ યથાવત્‌ રહ્યું છે. સપ્તાહ દરમિયાન ડેન્‍ગ્‍યુના ૨ અને મેલેરિયાનો ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્‍યારે ચિકનગુનિયાનો કોઈ નવો કેસ સામે આવ્‍યો નથી. ચાલુ વર્ષમાં અત્‍યાર સુધી ડેન્‍ગ્‍યુના કુલ ૩૮, મેલેરિયાના ૧૧ અને ચિકનગુનિયાના ૨ કેસ નોંધાઈ ચૂકયા છે.

આરોગ્‍ય વિભાગના આંકડા મુજબ, તા. ૧ જાન્‍યુઆરીથી અત્‍યાર સુધી શહેરમાં શરદી-ઉધરસના ૩૧,૮૭૬, સામાન્‍ય તાવના ૩૦,૧૭૨ અને ઝાડા-ઉલટીના ૧૦,૯૧૭ કેસ નોંધાયા છે. ઉપરાંત ટાઇફોઇડના ૩૮ અને કમળાના ૪૧ કેસ નોંધાયા છે. મરડા અને કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી.

મચ્‍છરજન્‍ય રોગોને કાબૂમાં લેવા માટે આરોગ્‍ય વિભાગે ફિલ્‍ડવર્કરો, અર્બન આશા અને મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કરો મારફતે ૭૮,૨૫૮ ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ૮૧૯ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્‍યું હતું. મચ્‍છરની ઘનતા વધુ હોય તેવા વિસ્‍તારોમાં વાહન આધારિત ફોગિંગ મશીનથી કામગીરી કરીને સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર માર્ગો અને વધુ લોકો એકત્ર થતા વિસ્‍તારોને આવરી લેવામાં આવ્‍યા હતા.

મચ્‍છર ઉત્‍પત્તિનાં સ્‍થળોની તપાસ માટે બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્‍પિટલ, હોટેલ, ઔદ્યોગિક એકમ, હોસ્‍ટેલ, કોમ્‍પ્‍લેક્‍સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્‍લોટ, ધાર્મિક સ્‍થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિતનાં ૩૦૩ બિનરહેણાક સ્‍થળોની તપાસ કરવામાં આવી હતી. મચ્‍છરની ઉત્‍પત્તિ મળી આવતાં ૨૭૨ રહેણાક અને ૪૮ કોમર્શિયલ આસામીઓ સહિત કુલ ૩૨૦ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.

ડેન્‍ગ્‍યુ ફેલાવતો એડીસ મચ્‍છર દિવસ દરમિયાન કરડતો હોવાથી ઘરો, દુકાનો અને કાર્યસ્‍થળોની આસપાસ સ્‍વચ્‍છ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા આરોગ્‍ય વિભાગે અપીલ કરી છે.

પાણીનાં પાત્રો નિયમિત ખાલી કરવા, અગાસી અને ભોંયરામાં ભંગાર કે પાણીનો ભરાવો ન થવા દેવો તેમજ તાવ સહિતનાં લક્ષણો જણાય તો તાત્‍કાલિક સારવાર લેવા જણાવાયું છે.

(2:59 PM IST)