<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

શહેરમાં રોગચાળાનો રાફડોઃસપ્‍તાહમાં ૧૮૪૪ કેસઃ ડેન્‍ગ્‍યુના વધુ પાંચ દર્દી

શરદી-ઉધરસના ૮૭૪, તાવના ૭૬૦ અને ઝાડા-ઉલટીના ૨૦૪ કેસઃ મચ્‍છરોની ઉત્‍પત્તિ બદલ ૩૬૨ને નોટિસ

રાજકોટ, તા. ૨૩ : રાજકોટ શહેરમાં બદલાતા વાતાવરણ વચ્‍ચે શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઉલટી સહિતના રોગચાળાએ માથું ઊંચકયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના ૮૭૪, સામાન્‍ય તાવના ૭૬૦ અને ઝાડા-ઉલટીના ૨૦૪ કેસ નોંધાતા આરોગ્‍યતંત્રની ચિંતા વધી છે. બીજી તરફ મચ્‍છરજન્‍ય રોગોમાં ડેન્‍ગ્‍યુના વધુ પાંચ કેસ નોંધાયા છે. આમ, તા. ૧૬થી ૨૨ નવેમ્‍બર દરમિયાન વિવિધ રોગોના કુલ ૧૮૪૪ કેસ નોંધાયા હોવાનું મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાના સત્તાવાર આંકડાઓમાં બહાર આવ્‍યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં શરદી-ઉધરસના ૮૭૪, સામાન્‍ય તાવના ૭૬૦, ઝાડા-ઉલટીના ૨૦૪, ટાઇફોઇડનો એક અને ડેન્‍ગ્‍યુના પાંચ કેસ નોંધાયા છે. જોકે આ સમયગાળા દરમિયાન મેલેરિયા, ચિકનગુનિયા, કમળો, મરડો કે કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથીચાલુ વર્ષના જાન્‍યુઆરીથી અત્‍યાર સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો શરદી-ઉધરસના કુલ ૩૬,૬૭૬, સામાન્‍ય તાવના ૩૪,૪૦૮ અને ઝાડા-ઉલટીના ૧૧,૭૮૯ કેસ નોંધાયા છે. જ્‍યારે ટાઇફોઇડના ૪૧ અને કમળાના ૪૪ કેસ નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગોમાં ડેન્‍ગ્‍યુના કુલ ૭૩, મેલેરિયાના ૧૫ અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્‍છરજન્‍ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૧૬થી ૨૨ નવેમ્‍બર દરમિયાન ફિલ્‍ડવર્કર, અર્બન આશા અને મલ્‍ટીપર્પઝ હેલ્‍થ વર્કર દ્વારા શહેરના કુલ ૧,૦૬,૬૯૫ ઘરોમાં મચ્‍છરના પોરાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૯ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્‍યું હતું.

મચ્‍છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્‍તારોમાં વાહન ઉપર ગોઠવાયેલા ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્‍તાઓ તથા લોકોની વધુ અવરજવર રહેતી હોય તેવા વિસ્‍તારોને પણ ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે.

દરમિયાન મચ્‍છરોના ઉત્‍પત્તિસ્‍થાનો અંગે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્‍યું છે. આરોગ્‍ય વિભાગ દ્વારા બાંધકામ સાઇટ, શાળા, હોસ્‍પિટલ, હોટલ, ઔદ્યોગિક એકમો, હોસ્‍ટેલ, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ, ભંગારના ડેલા, પાર્ટી પ્‍લોટ, ધાર્મિક સ્‍થળો અને સરકારી કચેરીઓ સહિત રહેણાંક સિવાયના કુલ ૪૦૧ સ્‍થળોએ તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ અને મચ્‍છર ઉત્‍પત્તિ અટકાવવાની કામગીરી અંતર્ગત રહેણાંક વિસ્‍તારોમાં ૨૮૯ તથા કોમર્શિયલ એકમોમાં ૭૩ સહિત કુલ ૩૬૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મચ્‍છરોની ઉત્‍પત્તિ માટે જવાબદાર માલિકો અને ભોગવટેદારો સામે બાયલોઝ મુજબ વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

આરોગ્‍ય વિભાગે જણાવ્‍યું છે કે ડેન્‍ગ્‍યુ ફેલાવતા એડીસ મચ્‍છરો મુખ્‍યત્‍વે દિવસ દરમિયાન કરડતા હોવાથી વધુ લોકો એકત્ર થતા હોય તેવા સ્‍થળોએ સંક્રમણનું જોખમ રહે છે. ઘરમાં કે આસપાસ ખુલ્લાં પાત્રોમાં ચોખ્‍ખું પાણી ભરાઈ રહેવાના કારણે મચ્‍છરોની ઉત્‍પત્તિ ઝડપથી વધી શકે છે. તેથી નાગરિકોને પાણી ભરાઈ ન રહેવા દેવા, સ્‍વચ્‍છતા જાળવવા અને મચ્‍છરજન્‍ય રોગચાળા સામે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

વર્ષ દરમિયાન શરદી-ઉધરસ અને સામાન્‍ય તાવના જ ૭૧ હજારથી વધુ કેસ!

રાજકોટમાં ચાલુ વર્ષ દરમિયાન શરદી-ઉધરસના ૩૬,૬૭૬ અને સામાન્‍ય તાવના ૩૪,૪૦૮ મળી કુલ ૭૧,૦૮૪ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના ૧૧,૭૮૯ કેસ નોંધાતા સામાન્‍ય બીમારીઓનો કુલ આંકડો ૮૨,૮૭૩ ઉપર પહોંચ્‍યો છે. આ આંકડાઓ શહેરમાં જાહેર આરોગ્‍ય અને રોગચાળા અટકાયતી કામગીરીનું મહત્ત્વ દર્શાવે છે.

મચ્‍છરોની ઉત્‍પત્તિ બદલ ૩૬૨ને નોટિસ : ૪૦૧ બિનરહેણાંક સ્‍થળોએ તપાસ

શહેરમાં મચ્‍છરોની ઉત્‍પત્તિ અટકાવવા આરોગ્‍ય શાખાએ તપાસ ઝુંબેશ તેજ બનાવી છે. એક સપ્તાહમાં ૪૦૧ બિનરહેણાંક સ્‍થળોની તપાસ કરવામાં આવી હતી. મચ્‍છરોની ઉત્‍પત્તિ બદલ રહેણાંકના ૨૮૯ અને કોમર્શિયલના ૭૩ આસામીઓને નોટિસ આપવામાં આવી છે. મચ્‍છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્‍થિતિ ઊભી કરનારા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની આરોગ્‍ય વિભાગે ચેતવણી આપી છે.

(2:49 PM IST)