<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

રાજકોટમાં પ કરોડના ખર્ચે બનેલ સમસ્‍ત સગર સમાજ કન્‍યા છાત્રાલયનું રવિવારે ઉદ્દઘાટન : સાંજે દાસારામ બાપાના પાઠ-મહાપ્રસાદ

ર૦૦ દિકરીઓ માટે રહેવા-જમવા માટે આધુનિક સુવિધા : લાયબ્રેરી, કોમ્‍પ્‍યુટર રૂમ, કોન્‍ફરન્‍સ હોલનું અલાયદુ નિર્માણ

રાજકોટ, તા. પ : સગર સમાજ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત શ્રીમતી જમનાબેન કાળેણા સમસ્‍ત સગર સમાજ કન્‍યા છાત્રાલયનું રાજકોટના કાલાવાડ રોડ ઉપર, ઇશ્‍કોન મંદિર પાસે પ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેના ઉદ્દઘાટન સમારોહ આગામી તા. ૭ રવિવારે યોજેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્‍યું હતું કે, આશરે પાંચ કરોડના ખર્ચે બનેલ આ છાત્રાલયનું ભૂમિ પૂજન આશરે ત્રણેક વર્ષ પહેલા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલ હતું. તેમના મુખ્‍યમંત્રી સમય દરમ્‍યાન સગર સમાજને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે આશરે એક હજાર ચો.મી. જગ્‍યા આપવામાં આવેલ હતી. આ જગ્‍યામાં બસો દિકરીઓ રહેવા જમવા, વાંચન માટે રીડીંગ રૂમ, લાઇબ્રેરી, કોમ્‍પ્‍યુટર રૂમ સહિતની સુવિધા મળી રહે તે પ્રકારનું બાંધકામ કરવમાં આવેલ છે. આશરે પચાસ રૂમ, ભોજનાલય, કોન્‍ફરન્‍સ હોલ સહિત રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પ્‍લાન અને ફાયર સેફટીના નિયમો પ્રમાણે આધુનિક બિલ્‍ડીંગનું નિર્માણ કરવામાં આવેલ છે.

તા. ૭ રવિવારે સાંજના પ વાગ્‍યે મુખ્‍ય દાતાઓ, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, બહોળી સંખ્‍યામાં સગર સમાજના ભાઇઓ-બહેનોની હાજરીમાં આ કન્‍યા છાત્રાલયનું ઉદ્દઘાટન રીબીન કાપી હર્ષોલ્લાસ સાથે પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીના ધર્મપત્‍ની અને પુજીત રૂપાણી ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અંજલીબેન વિજયભાઇ રૂપાણી તેમજ સગર સમાજના મુખ્‍ય દાતાઓ જમનાબેન શામજીભાઇ કાળેણા - સુરતથી તેમજ મણીબેન ડાયાભાઇ સોલંકી - ભાવનગરના વરદ હસ્‍તે કરવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજય સરકારના મંત્રીઓ અર્જુનભાઇ મોઢવાડીયા, કુવરજીભાઇ બાવળીયા, કૌશીકભાઇ વેકરીયા, ધારાસભ્‍યો મુળુભાઇ બેરા, ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, હેમંતભાઇ ખવા, કાંધલભાઇ જાડેજા, મેયર ડૉ. નેહલભાઇ શુકલ સહિત કોર્પોરેશનના નવનિયુકત હોદ્‌ેદારો અને પૂર્વ હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં આર્શીવચન આપવા માટે સગર સમાજમાં અવતરેલ મહાન સંત શ્રી દાસારામ બાપાના મંદિરના મહંતશ્રીઓ તેમજ ગુજરાતમાંથી અને બહારના રાજયમાંથી મોટી સંખ્‍યામાં સગર સમાજ આગેવાનો કાર્યકર્તાઓ પધારશે. રાજકોટ સહિત સમગ્ર સગર સમાજના ભાઇઓ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ઉદ્દઘાટન સમારોહ બાદ સાંજે મહાપ્રસાદ તેમજ રાત્રે ૧૦ વાગ્‍યાથી દાસારામ બાપાના પાઠ રાખેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા આણંદભાઇ કળશીયા (મો. ૯૪ર૬ર૧૯૯૦પ), પ્રતાપભાઇ બેલડીયા, ધનજીભાઇ કોદાવાલા, મહેશભાઇ શીર, રસીકભાઇ ગોપાલકા, સુરેશભાઇ શીર, હમીરભાઇ મારૂ, જતીનભાઇ નનેરા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:36 PM IST)