<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

૨૦ ટકા વ્‍યાજે નાણા લેનાર એલ્‍યુમિનિયમ સેકશનના કારીગરના આખા પરિવારને પતાવી દેવાની ધમકી

કોઠારીયા સોલવન્‍ટ ઓમનગરના જય રાખસીયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે મવડી જે.કે. મોટર્સવાળા સ્‍મીત પટેલ વિરૂધ્‍ધ વ્‍યાજખોરી, ધમકીનો ગુનો નોંધ્‍યોઃ યુવાનને ધોકો બતાવી કહ્યું-પૈસા તો આપવા જ પડશે, પોલીસ પણ તારી ફરિયાદ નહિ નોંધે : ૧ાા લાખ લઇ નિયમિત વ્‍યાજ ચુકવ્‍યું: પણ ધંધામાં મંદી આવતાં ન ચુકવી શકતાં તેના મકાનનો વ્‍હોટ્‍સએપમાં ફોટો મોકલી કહ્યું તારુ ઘર ગોતી લીધું છેઃ તેના પિતાને પણ ધમકાવ્‍યાઃ હોન્‍ડા અને બે સહી કરેલા ચેક પડાવી લીધા

રાજકોટ તા. ૨૭: શહેરમાં વ્‍યાજખોરો વિરૂધ્‍ધ પોલીસની કડક ઝુંબેશ વચ્‍ચે વધુ એક વ્‍યાજખોરીનો કિસ્‍સો પોલીસ ચોપડે ચડયો છે. કોઠારીયા વિસ્‍તારમાં રહેતાં એલ્‍યુમિનિયમ સેક્‍શનના કારીગરે ધંધા માટે વ્‍યાજે લીધેલા ૧ાા લાખ સામે વીસ ટકા વ્‍યાજે લઇ વ્‍યાજ ભર્યા પછી ધંધામાં મંદી આવતાં વ્‍યાજ ન ભરી શકતાં મવડી વિસ્‍તારમાં ગેરજ ચલાવતાં શખ્‍સે વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપી હોન્‍ડા, સહી કરેલા કોરા ચેક પડાવી લઇ વધુ ૨.૬૦ લાખની ઉઘરાણી કરી તેના ઘરનો ફોટો વ્‍હોટસએપમાં મોકલી આખા ઘરને પતાવી દેવાની ધમકી આપતાં અંતે યુવાને ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયાર સોલવન્‍ટ પાછળ સિતારામ સોસાયટી નજીક ઓમનગર-૨ મકાન નં. ૧૩૦માં રહેતાં પ્રજાપતિ જય ખુશાલભાઇ રાખસીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી મવડી બાપા સિતારામ ચોક પાસે રહેતાં સ્‍મીત પટેલ વિરૂધ્‍ધ વ્‍યાજખોરી અને ધમકી અંગેનો ગુનો નોંધ્‍યો છે.  જય રાખસીયા એલ્‍યુમિનિયમ સેક્‍શનનું મજૂરી કામ કરે છે. તેણે ફરિયાદમા જણાવ્‍યું છે કે ચારેક મહિના પહેલા મને મારા શેઠે મવડી બાપા સિતારામ ચોકમાં જે.કે. મોટર ગેરેજ ચલાવતાં સ્‍મીત પટેલને ત્‍યાં એલ્‍યુમિનિયમ સેક્‍સનનું કામ કરવા મોકલ્‍યો હતો. ત્‍યારે સ્‍મીતે કહ્યું હતું કે મોટર ગેરેજના કામની સાથે સાથે સાઇડમાં વ્‍યાજનું કામ પણ તે કરે છે અને વ્‍યાજે પૈસાની જરૂર હોય તો જણાવજો. આ પછી જય કામ પુરૂ કરીને નીકળી ગયો હતો.

બાદમાં જયએ એલ્‍યુનિયમ સેક્‍શનનો પોતાનો ધંધા ચાલુ કર્યો હોઇ તેના માટે રૂપિયાની જરૂર પડતાં સ્‍મીતની ઓફિસે જઇ રૂપિયા ૫૦ હજાર માંગતા તેણે ૧૦ ટકા વ્‍યાજે આપ્‍યા હતાં. આ રૂપિયા ૧૫ દિવસ પુરતા લીધા હતાં. આ રકમ વ્‍યાજ સહિત ચુકવી દીધી હતી. બાદમાં ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતાં ફરીથી ૨૭/૩/૨૬ના રોજ સ્‍મીતની ઓફિસે જઇ વધુ  ૧,૫૦,૦૦૦ માંગતા આ વખતે સ્‍મીતે ૨૦ ટકા વ્‍યાજ થશે તેમ કહી રકમ આપી હતી. તેને વ્‍યાજ ઓછુ કરવા કહેલુ પણ તે માન્‍યો નહોતો અને જો વ્‍યાજ ચુકવવામાં મોડુ થશે તો પેનલ્‍ટી ભરવી પડશે તેમ પણ કહ્યું હતું. દોઢ લાખ વ્‍યાજે લઇ ધંધાના કામમાં વાપરી નાંખ્‍યા હતાં. બાદમાં ધંધામાં મંદી આવી જતાં વ્‍યાજ કે રકમ ચુકવી શક્‍યો નહોતો. આ પછી સ્‍મીતે વારંવાર વ્‍યાજની ઉઘરાણી ચાલુ કરી હતી. જેથી એક વખત રૂા. ૫૦૦૦ ઓનલાઇન ટ્રાન્‍સફર કર્યા હતાં.

થોડા દિવસ પછી સ્‍મીતે જયને ફોન કરી તું ક્‍યાં છો? કેમ વ્‍યાજ પહોંચાડતો નથી, અત્‍યારે જ મારી ઓફિસે આવી જા. તેમ કહેતાં જય ત્‍યાં પોતાનું સ્‍પલેન્‍ડર બાઇક લને ગયો હતો. સ્‍મીત ગેરેજની બહાર જ ઉભો હોઇ તેણે તું કેમ ફોન ઉપાડતો નથી, કેમ પૈસા દેવા આવતો નથી તેમ ફરીથી કહેતાં જયએ ધંધો ચાલતો નથી, તમારા પૈસા થોડા સમયમાં આપી દઇશ તેમ કહેતાં સ્‍મીતે ઉશ્‍કેરાઇને બે ત્રણ ફડાકા મારી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી અને ૨૦ હજારની કિંમતનું જયનું હોન્‍ડા પડાવી લીધુ હતું.

તેમજ કહ્યું હતું કે તારે મુદ્દલ, વ્‍યાજ, પેનલ્‍ટી મળી હવે રૂા. ૨,૬૦,૦૦૦ આપવા પડશે. જો તું અત્‍યારે જ પૈસા નહિ દે તો તને જીવતો નહિ જવા દઉ. આથી ગભરાઇ ગયેલા જયએ આજીજી કરી હતી અને ગમે તેમ કરીને પૈસા આપી દેશે તેમક હેતાં સ્‍મીતે બે સહી કરેલા કોરા ચેક અને બાઇક આપવા પડશે તેમ કહી બાઇક અને ચેક પડાવી લીધા હતાં. આ ચેક જયએ પોતાના ભાઇ પાસેથી લઇને સ્‍મીતને આપ્‍યા હતાં.

જય ચેક આપવા સ્‍મીતની ઓફિસે ગયો ત્‍યારે ફરીથી સ્‍મીતે ધમકી આપી હતી કે બાઇક વ્‍યાજની પેનલ્‍ટીમાં આવે છે, તારે હજુ દર મહિને વ્‍યાજ અને પેનલ્‍ટી ચુકવવા પડશે. જો નહિ ચુકવે તો ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટના કેસમાં ફીટ કરી દઇશ.  આ પછી જય પૈસા કમાવવા માણેકવાડા ગામે મકાનનું કામ રાખ્‍યું હોઇ ત્‍યાં ગયો હતો. ત્‍યાં પણ સ્‍મીત તેને ફોન કરી વ્‍યાજની સતત ઉઘરાણી કરી ગાળો દઇ ધમકાવતો હતો. દરમિયાન તા. ૫/૬ના રોજ જય માણેકવાડા કામની સાઇટ પર હતો ત્‍યારે સ્‍મીતે વ્‍હોટ્‍સએપમાં જયના ઘરનો ફોટો મોકલી મેસેજ કર્યો હતો કે તું ક્‍યાં છો, મેં તારુ ઘર ગોતી લીધુ છે. તારે પૈસા આપવા જ પડશે નહિતર તારા આખા પરિવારને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

જતાં જતાં સ્‍મીતે જયના પિતાજીને પણ ધમકી આપી કહ્યું હતું કે સાંજ સુધીમાં તમારા દિકરાને મારી ઓફિસે મોકલજો નહિતર આખા પરિવારને પુરો કરી નાંખીશ. આવી ધમકીથી જય સતત ગભરાઇ ગયો હતો. એ દરમિયાન ફરીથી તેણે સ્‍મીતને ફોન કરી તે તેની ઓફિસે ગયો હતો અને હેરાન નહિ કરવાની વિનંતી કરી પોતે પૈસા આપી દેશે તેમ કહેતાં સ્‍મીતે ઉશ્‍કેરાઇ જઇ મા બહેન સમી ગાળો દીધી હતી અને ત્‍યાં પડેલો ધોકો બતાવી ધમકી દીધી હતી કે ૨ લાખ ૬૦ હજાર તારે આપવા જ પડશે, તારી ફરિયાદ પણ કોઇ પોલીસવાળા નહિ લે. જયએ આ વખતે વાતચીતનું રેકોર્ડિંગ કરી લઇ અંતે હિમ્‍મત કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એચ. વી. મોરવાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:49 PM IST)