તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
મનપાના આવાસ યોજના વિભાગમાં કર્મચારીઓનો આક્રોશઃ સતત હેરાનગતિ અને માનસિક ત્રાસથી કામકાજ પર અસર
વિભાગના તમામ સ્ટાફે કમિશનરને રજૂઆત કરીઃ મેનેજર સામે વારંવાર ફેરબદલી, ધમકીભર્યું વર્તન અને માનસિક દબાણના આક્ષેપો કર્યા

રાજકોટ, તા.૧૮: મહાનગરપાલિકાના આવાસ યોજના વહીવટી વિભાગના કર્મચારીઓએ વિભાગના મેનેજર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી છે. કર્મચારીઓએ આક્ષેપો કર્યા છે કે, છેલ્લા લગભગ દોઢ વર્ષથી વિભાગમાં સતત હેરાનગતિ, માનસિક ત્રાસ અને ધમકીભર્યા વર્તનના કારણે કામકાજનું વાતાવરણ બગડ્યું છે અને કર્મચારીઓ પર તેની નકારાત્મક અસર પડી રહી છે.
કર્મચારીઓએ મ્યુનિ. કમીશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન મેનેજર દ્વારા નવેમ્બર-૨૦૨૪માં નિમણૂક થયા બાદથી વિભાગના અનેક કર્મચારીઓની વારંવાર ફેરબદલી કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને ૧૧ મહિનાથી વધુ સમયગાળામાં અનેક વખત વિભાગ બદલી આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત કર્મચારીઓની બેઠક વ્યવસ્થા અને રેકોર્ડ પણ વારંવાર બદલવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે.
રજૂઆત મુજબ મેનેજર દ્વારા કર્મચારીઓને નાની-નાની બાબતોમાં શોકોઝ નોટિસ આપવાની અને માનસિક દબાણ ઊભું કરવાની પ્રથા અપનાવવામાં આવે છે. કર્મચારીઓનો દાવો છે કે ઓફિસમાં મૌખિક ધમકી, અપમાનજનક ટિપ્પણીઓ અને સતત દેખરેખના કારણે કાર્યક્ષમતા પર અસર પડી રહી છે.
આવાસ યોજના માટે ઉપલબ્ધ કરાયેલા વાહનોનો ઉપયોગ પણ વિભાગીય કામગીરી કરતાં વ્યક્તિગત કામો માટે વધુ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે વિભાગમાં કામ કરતા અનેક ડ્રાઇવરો બદલાઈ ચૂકયા છે અને વાહનોના ઉપયોગ અંગે પણ અસંતોષ છે
(2:53 PM IST)










