<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

આંગણવાડીમાં બાળકોની સંખ્‍યા વધારવાના લક્ષ્યાંક સામે કર્મચારી સંગઠન મેદાને

વાસ્‍તવિક લાભાર્થીઓ સિવાય વધારાના નામ ઉમેરવા દબાણ થતું હોવાનો આંગણવાડી કર્મચારી સંગઠનનો આક્ષેપઃ ખોટા આંકડા ભરવા નહીં, વાસ્‍તવિક સ્‍થિતિ સ્‍વીકારવાની માંગ

રાજકોટ, તા., ૨૮ :  આંગણવાડીમાં બાળકોની સંખ્‍યા વધારવાના ટાર્ગેટ મામલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગને રજૂઆત કરવામાં આવી છે. સંગઠને જણાવ્‍યું છે કે આંગણવાડી કેન્‍દ્રોમાં હાલ ઉપલબ્‍ધ ગર્ભવતી માતા, ધાત્રી માતા, ૦ થી ૬ વર્ષના બાળકો અને કિશોરીઓ સહિતના તમામ લાભાર્થીઓની નિયમ મુજબ નોંધણી કરવામાં આવે છે.

સંખ્‍યા વધારવાના ટાર્ગેટ મામલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મનપાના સી.ડી.પી.ઓને પાઠવેલ પત્રમાં જણાવાયું છે કે વિસ્‍તારની સતત મુલાકાત, ઘર મુલાકાત અને સ્‍થાનિક માહિતીના આધારે નવા લાભાર્થી મળે તો તેમની નોંધણી દર મહિને MPR માં ઉમેરવામાં આવે છે. જોકે કેટલાક વિસ્‍તારોમાં નવા લાભાર્થી ઉપલબ્‍ધ ન હોવા છતાં ટાર્ગેટ પૂર્ણ કરવા વધારાના લાભાર્થી ઉમેરવાનું દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

સંગઠનના જણાવ્‍યા મુજબ, કેટલાક વિસ્‍તારોમાં બાળકોના નામ ઘટતા હોવા છતાં વાસ્‍તવિક સંખ્‍યામાં વધારો શકય નથી, જેના કારણે ઓનલાઈન આંકડા અને આંગણવાડીની વાસ્‍તવિક સંખ્‍યામાં તફાવત ઉભો થાય છે. આવી સ્‍થિતિમાં અધિકારીઓ દ્વારા ટાર્ગેટ પૂર્ણ કરવા દબાણ કરવું અથવા યોજના બહારનું કામ સોંપવું યોગ્‍ય નથી.

આંગણવાડી કાર્યકર તરીકે વાસ્‍તવિક માહિતી સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી હોવાની વાત સાથે સંગઠને સ્‍પષ્ટ કર્યું છે કે ખોટી માહિતી દાખલ કરવાથી ઉભી થતી પરિસ્‍થિતિ માટે તંત્ર જવાબદાર રહેશે નહીં. અંતે સંગઠને હાલ વિસ્‍તારમાં ઉપલબ્‍ધ તમામ લાભાર્થીઓની જ નોંધણી સ્‍વીકારવાની માંગ કરી છે.

(3:43 PM IST)