<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ચૂંટણી પરિણામો ભાજપ - કોંગ્રેસ - આપ માટે આંખ ઉઘાડનારા બનશે : કાલે દૂધનું દૂધ, પાણીનું પાણી

ચૂંટણી પરિણામ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીનો પાયો નાખશે : રાજકોટ મ્‍યુ.કોર્પો.માં શું થશે? કોણ બાઝીગર બનશે? ક્‍યું ફેક્‍ટર ફળદાયી બનશે? રસપ્રદ વિશ્‍લેષણ

* દરેક વોર્ડમાં ઓછુંઅને વધુ મતદાનથી ભાજપની ઊંઘ હરામ કરતા મતદારો

* ૧૦ વોર્ડમાં ભાજપને નુકશાન થાય તેવી ભીતિ પેનલ તૂટવાની શક્‍યતાઓ

* ભાજપે જીત માટે સામ, દામ, દંડ અને ભેદ ની નીતિ અપનાવી ક્‍યાય વોર્ડમાં ભાજપના કાર્યકરોને નજર કેદ કરાયા તો ક્‍યાંય માર્કર મુકાયાની ભારે ચર્ચા

* વર્ષોથી બુથ અને ટેબલ સંભાળનારા ભાજપના કાર્યકરો પાર્ટીના સૈનિક નહીં પરંતુ, મતદારોની ભૂમિકામાં જોવા મળ્‍યા !

* ભાજપ તરફી મતદાનની અપીલ માત્ર નેતાઓએ સસ્‍તી પ્રસિધ્‍ધિ માટે કરી હોવાનું સાબિત થયુ, મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં કાર્યકર્તાઓ નીરસ

* નેતાઓએ એસી ગાડીમાં અને એસી ઓફિસમાં બેસીને રિપોર્ટિગ કર્યું અને કાર્યકર્તાઓ ટેબલ રેઢા મૂકી આરામની મોજ માણી !

* માથાકૂટ વિનાની ચૂંટણી એટલે લડવું કોના માટે ? કોંગ્રેસ, જીપીપી, આપના આયાતીને ટિકિટ મળવાથી કાર્યકર્તાઓએ રસ દાખવ્‍યો નહીં

*  વોર્ડ નં ૧૬ ના ભાજપના ઉમેદવારોને ભાગવું પડ્‍યું તો અમુક વોર્ડમાં ચોક્કસ  તોફાની તત્‍વોએ મતદારોને ભાજપ તરફી મત આપવા દમદાટી મારી હોવાની પણ ચર્ચા.

* વોર્ડ નં ૫માં કોંગ્રેસના ઉમેદવાર ને ભાજપના ઉમેદવારે ધમકી આપ્‍યાનો ઓડિયો વાયરલ થયો..?

* તેમજ અમુક વોર્ડમાં મોટી ગણાતી જ્ઞાતિના ઉમેદવારો બાબતે ટિકિટ ફાળવણીમાં અન્‍યાય થતા કોંગ્રેસ અને આપમાંથી જે  ઉમેદવારો લડ્‍યા છે તેઓને મત મળે તેવું પણ જોવા મળી રહ્યું છે

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે ત્‍યારે ચૂંટણીના દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે મતદાન કરાવવા માટે રસાકસી જોવા મળી રહી હતી અને ગત ચૂંટણી કરતા સારું એવું ઓછું મતદાન થયું હોવાથી રાજકીય પંડિતોનું માનવું છે કે જો મતદારોનો મિજાજ અલગ હશે અને કાર્યકર્તાઓને ટિકિટ ફાળવણીમાં અન્‍યાય, ભાજપે બનાવેલા નિયમોનો ઉલાળિયો, ભ્રષ્ટાચાર, મોંધવારી, ટી.આર.પી ગેમ ઝોન જેવી બાબતોનો આક્રોશ મતદારોએ જો મતદાન પેટીમાં ઠાલવ્‍યો હશે તો શું થાય તેની પણ ક્‍યાંક ક્‍યાંક ચર્ચા જોવા મળતી હતી.

આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પરંતુ, હાલ રાજકોટના મતદારોએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે, તેવી વાતો ખુદ ભાજપ વર્તુળોમાં જોવા મળે છે. મતદારોએ અમુક વોર્ડમાં ઓછું મતદાન અને અમુક વોર્ડમાં વધુ મતદાન કરેલ છે. ત્‍યારે  ભાજપને નુકશાન થાય તેવું રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે.

વોર્ડ નં ૧૫ કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, તેમાં સૌથી વધુ મતદાન અને ભાજપનો ગઢ ગણી શકાય તેવા વોર્ડ નં ૧માં સૌથી ઓછું મતદાન પરિણામો   બાબતે ભાજપમાં ચિતા સર્જી રહ્યાનું પણ દર્શાવાય છે.

હાલ આ મતદાન ઉપરથી કોંગ્રેસની સ્‍થિતિ સુધરે અને આપનું કોર્પોરેશનમાં આગમન થાય તો નવાઈ નહીં ! પરંતુ એકંદરે નુકશાન તો ભાજપના ખાતામાં જ જવાનું છે, તેવી ત્રિરાશી પણ મંડાય રહી છે.

* આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ભાજપે પોતાની સ્‍થિતિ જાળવી રાખવા માટે અને આ ઉપરાંત વોર્ડ નં ૧૫ પણ કબજે કરવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી છે. ત્‍યારે ભાજપે આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપના જ કાર્યકરો ઉપરથી વિશ્વાસ ઊડી ગયો હોય તે રીતે અમુક વોર્ડમાં ભાજપના કાર્યકરોને પોલીસ ચોકીમાં નજર કેદ કરાવી ઠંડા પીણા પાઇ મહેમાન ગતિ મનાવી હતી તેવી પણ ચર્ચા છે.

અમુક વોર્ડમાં તોફાની તત્‍વોને ઉતારી સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હતી, તેમજ ક્‍યાંક વોર્ડ માં ભાજપના જ કાર્યકરો ઉપર માર્કર મુકાયાની પણ વાતો ચર્ચામાં જોવા મળે છે.

રાજકીય વિશ્‍લેષકોની નજરમાં ભૂતકાળમાં ભાજપ ચૂંટણી લડતો ત્‍યારે પાર્ટીનો વફાદાર સૈનિક બની બુથ અને બહારના ટેબલ સંભાળતા હતા અને જરૂર પડે વિપક્ષના કાર્યકર્તાઓ સાથે નાની મોટી માથાકૂટ પણ જોવા મળતી હતી. પરંતુ આ ચૂંટણીમાં ભાજપનો કાર્યકર્તા શાંત રહ્યો છે. કારણ કે ભાજપે આયાતી એટલે કે કોંગ્રેસ, જીપીપી અને આપના કાર્યકર ને ટિકિટ આપવાથી ભાજપના અનેક પાથરણા પાથરનારા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. અને એટલે જ આ ચૂંટણીમાં સૈનિક નહીં પરંતુ કાર્યકર્તાએ મતદારની ભૂમિકા બજાવી હતી તેવી વાતો પણ સાંભળવા મળી છે. એટલે કે મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં કાર્યકર્તાઓ નીરસ રહ્યા હતા અને અમુક વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપના બુથ એજન્‍ટોએ સાથે મળી ભોજનનો સ્‍વાદ લીધો હતો.

બીજી તરફ ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓએ માત્ર દેખાડો કરવા અને સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા માટે અખબારોના માધ્‍યમથી મતદાન કરવાની અપીલ કરી સંતોષ મેળવ્‍યો હતો તેવું પણ જોવા મળ્‍યું. તો  શાણા નેતાઓ કાર્યકર્તાનો આક્રોશ અને ગરમીના તાપ થી બચવા એસી ગાડીમાં અને એસી ઓફિસમાં બેસી રિપોર્ટિગના બાદશાહ બન્‍યા હતા તેવી વાતો પણ સાંભળવા મળી

* એકંદરે એક સર્વેમાં જાણવા મળેલ માહિતી મુજબ લગભગ ૧૨ વોર્ડમાં પેનલ તૂટવાની અને ભાજપને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં ખાસ કરી વોર્ડ નં ૧, ૨, ૩, ૪, ૬, ૧૧, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૮માં નુકશાન થાય તો નવાઈ નહીં તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.  

(3:10 PM IST)