<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

શિક્ષણ સમિતિની ચૂંટણીના ઢોલ ઢબુક્‍યા : ર૧ ઓકટોબરે મતદાન

૧ર બેઠકો માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ : ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી દાવેદારી ચાર બેઠકો અનામત અને આઠ સામાન્‍ય : ર૧ મીએ જ પરિણામ

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં નવા બોર્ડની રચનાના ચાર મહિના બાદ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્‍યોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજકોટ મનપાએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્‍યોની ચૂંટણીની જાહેરાત પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી છે.  મેયર કમ નિર્વાચન અધિકારી ડૉ. નેહલ શુક્‍લ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે અને જરૂર પડ્‍યે ૨૧ ઓક્‍ટોબરે મતદાન યોજાશે.

ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્‍યું છે. ઉમેદવારો ૩૦ સપ્‍ટેમ્‍બરે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્‍યા સુધી મેયરની ચેમ્‍બરમાં ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે. ઉમેદવારી સમયે દરખાસ્‍ત મૂકનાર અને ટેકો આપનાર એમ બંને કોર્પોરેટરે ઉમેદવાર સાથે હાજર રહેવું પડશે. ઉમેદવારના ટેકેદાર અને દરખાસ્‍તકર્તા તરીકે મનપાના કોર્પોરેટરો જ રહી શકશે.

૧ ઓક્‍ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ચૂંટણીની જરૂરિયાત ઉભી થાય તો ૨૧ ઓક્‍ટોબરે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્‍યા સુધી સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા રમેશભાઈ છાંયા સભાગળહમાં મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ એ જ દિવસે બપોરે ૩ વાગ્‍યાથી મતગણતરી હાથ ધરાશે.

૧૨ બેઠકો પૈકી અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અને ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્‍યક્‍તિઓ માટે ત્રણ બેઠકો રાખવામાં આવી છે, જ્‍યારે બાકીની આઠ બેઠકો સામાન્‍ય કેટેગરીની છે.

જાહેરનામું બહાર પડતાં જ બંને પક્ષોમાં શિક્ષણ સમિતિમાં સ્‍થાન મેળવવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને ભાજપ કોને ઉમેદવાર બનાવે છે અને કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તેના પર હવે નજર રહેશે.

ભાજપ પાસે ૬૫, કોંગ્રેસ પાસે ૭ કોર્પોરેટર

હાલ રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠકોમાં ભાજપ પાસે ૬૫ અને કોંગ્રેસ પાસે ૭ કોર્પોરેટરો છે. ૨૦૨૬ની મનપા ચૂંટણીમાં ભાજપે ૭૨માંથી ૬૫ બેઠકો જીતી હતી.  શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોર્પોરેટરો અગ્રતાક્રમ પ્રમાણે મતદાન કરશે.

આ સંખ્‍યાબળના આધારે રાજકીય વર્તુળોમાં ભાજપ તરફથી ૧૧ અને કોંગ્રેસ તરફથી એક સભ્‍ય માટે દાવેદારી થવાની ચર્ચા છે. જોકે અંતિમ પરિણામ ઉમેદવારી, ચૂંટણી પ્રક્રિયા અને મતદાન પર નિર્ભર રહેશે. જો જરૂરી સંખ્‍યા કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં નહીં હોય તો તમામ ૧૨ સભ્‍યો બિનહરીફ જાહેર થવાની સ્‍થિતિ પણ સર્જાઈ શકે છે.

(3:00 PM IST)